www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

વહીવટી તંત્ર સાથે સંકળાયેલા તમામ સ્ટાફની કામગીરીને બિરદાવતા કલેક્ટર આયુષ ઓક

તાજેતરમાં હવામાન ખાતાની આગાહીના અનુસંધાને અમરેલી જિલ્લાના રાજુલા અને જાફરાબાદ તાલુકાના દરિયાકાંઠા વિસ્તારોમાં વાયુ વાવાઝોડાની સંભવિત અસરના પગલે જિલ્લા વહીવટી તંત્ર અમરેલીએ સ્થાનિક વસવાટ કરતા પ્રજાજનોની સાવચેતી અને સલામતી માટે સ્થળાંતર કરાવીને NDRFની ટીમ, તમામ પોલીસ સ્ટાફ, આરોગ્ય તેમજ અન્ય વિભાગોના કર્મચારીઓ અને અધિકારીઓએ ખડેપગે રહી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવીને ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી. આ સમય દરમિયાન વહીવટી તંત્ર દ્વારા કુલ ૩૦,૦૦૦ જેટલા ફૂડ પેકેટોનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગઈકાલથી જ વાયુ વાવાઝોડાની દિશા બદલાતા અમરેલી જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારો પરનો ખતરો ટળ્યો હતો. આજ રોજ જિલ્લા કલેક્ટરશ્રી આયુષ ઓકએ દરિયાકાંઠા વિસ્તારોની તમામ પરિસ્થિતિનું નિરીક્ષણ કરી કોઈ ખતરો ન જણાતા દરિયાઈ વિસ્તાર પર ફરજ બજાવતા તમામ કર્મચારી અધિકારીઓને પોતાની મૂળ ફરજ પર પરત બોલાવી લેવામાં આવ્યા છે. આવતીકાલથી શાળા, કોલેજો, વાહનવ્યવહાર, ઉદ્યોગો અને પોર્ટ રાબેતા મુજબ કાર્યરત થઇ જશે. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા સહાય માટે મોકલવામાં આવેલી ડિઝાસ્ટરની ટીમોને પણ પરત મોકલી આપવામાં આવી હતી. કલેક્ટરશ્રી આયુષ ઓકએ તમામ વહીવટી તંત્ર સાથે સંકળાયેલા તમામ કર્મચારીઓ અને અધિકારીઓની કામગીરીની પ્રશંસા કરતા કહ્યું હતું કે જિલ્લાના દરેક વિભાગના કર્મચારીઓએ આવી આપદા સમયે પોતાની કાર્ય પ્રત્યે નિષ્ઠાવાન રહીને પોતાની જવાબદારી સમજીને ઉત્તમ કાર્ય કર્યું છે જે ખરેખર બિરદાવવાને લાયક છે. આ ઉપરાંત કલેક્ટરશ્રીએ વાયુ વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવા પોતાનું યોગદાન આપનાર સ્વૈચ્છિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ, સરકારી ખાતાના તમામ કર્મચારીઓ-અધિકારીઓની સેવાઓને બિરદાવી હતી.