www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

ભાવનગર

કાશ્મીરમાં શહીદ થયેલ કાનપરના જવાન દિલિપસિંહને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય અપાઇ

વલ્લભીપુરના કાનપર ગામના 29 વર્ષીય જવાન દિલીપસિંહ વિરસંગભાઇ ડોડીયા કાશ્મીર ખાતે ભારત-પાકિસ્તાન કંટ્રોલ લાઇન પર લાન્સ નાયક તરીકે ફરજ બજાવતા હતા. જ્યાં અખનૂર સેક્ટરમાં બે દિવસ પહેલા તેમનું અકસ્માતે અવસાન થયું હતું. કાશ્મીર ખાતે શહીદ થયેલ દિલીપસિંહ ડોડીયાનો પાર્થિવદેહ માદરેવતન કાનપર પહોંચતા પરિવાર અને ગ્રામજનોમાં ઘેરો આક્રંદ છવાયો હતો.શુક્રવારે વહેલી સવારે કાનપર ખાતે ગાર્ડ ઓફ ઓનર સાથે શહીદ દિલીપસિંહની અંતિમયાત્રા નીકળી હતી જયાં રાષ્ટ્રીય
સન્માન સાથે આર્મીએ શહીદને સલામી આપી હતી. અંતિમયાત્રામાં મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ સહિતના રાજકીય-સામાજિક આગેવાનોએ ઉપસ્થિત રહી શહિદ દિલીપસિંહને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.આ અંતિમયાત્રામાં ગામ સમસ્ત સહિતના નાના ભૂલકાઓ અને સ્કૂલના વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા. નાના એવા કાનપર ગામમાં જવાન શહીદ થતાં આખું ગામ હિબકે ચડ્યું હતું અને ગામના તથા આજુબાજુના વિસ્તારના વડીલો, યુવાનો અને મહિલાઓ મોટી સંખ્યામાં દિલીપસિંહને અંતિમ વિદાય આપવા અંતિમયાત્રામાં જોડાયા હતા. ‘ભારત માતાકી જય’ અને ‘દિલીપસિંહ અમર રહો’ ના નારાથી કાનપર ગામ ગુંજી ઉઠયું હતું. વહેલી સવારે દિલીપસિંહની અંતિમયાત્રા તેમના ગામ કાનપર ખાતેથી કાઢવામાં આવી હતી જયાં રાષ્ટ્રીય સન્માન ગાર્ડ ઓફ ઓનર સાથે દિલીપસિંહને આર્મી જવાનોએ સલામી આપી અંતિમ વિદાય આપી હતી. દિલીપસિંહની અંતિમયાત્રામાં પુર્વ મંત્રીશ્રી આત્મારામ પરમાર, જસાભાઇ બારડ, ગુજરાત હાઉસિંગ બોર્ડના ચેરમેનશ્રી મહેન્દ્રસિંહ સરવૈયા, ભાવનગરના મેયરશ્રી મનહરભાઈ મોરી, ધારાસભ્યશ્રી પી.ટી. મારૂ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી યુવરાજસિંહ ગોહિલ, ભારતીય સેનાના બ્રિગેડિયરશ્રી એન.એસ.બિસ્ત, મેજરશ્રી વિનયપાલસિંઘ, અધિક નિવાસી કલેક્ટરશ્રી ભાવનગર ઉમેશ વ્યાસ, ઇન્ચાર્જ નાયબ કલેકટરશ્રી નીનામા તેમજ વલભીપુર મામલતદારશ્રી સહિતના રાજકીય સામાજિક આગેવાનો તેમજ બહોળી સંખ્યામા ગ્રામજનો જોડાયા હતા અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી