www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

ભાવનગર

ગુજરાતી કેળવણી પરિષદના મહુવા કેન્દ્રનું વિધિવત ઉદ્દઘાટન કરતા પૂ.મોરારી બાપુ

ચિત્રકૂટ ધામ-તલગાજરડા ખાતે પૂ.મોરારી બાપુની પાવન નિશ્રામાં ગુજરાતી કેળવણી પરિષદના મહુવા કેન્દ્રનો ઉદ્દઘાટન કાર્યક્રમ ગુજરાતી કેળવણી પરિષદના પ્રમુખ મનસુખભાઈ સલ્લાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલ. ગુજરાતી કેળવણી પરિષદના મહુવા કેન્દ્રનું વિધિવત ઉદ્દઘાટન પૂ.બાપુએ દીપ પ્રાગટ્ય કરી કરેલ.
      ગુજરાતી કેળવણી પરિષદના મહુવા કેન્દ્રના ઉદ્દઘાટન પ્રસંગે આશીર્વચન આપતા પૂ.મોરારી બાપુએ જણાવેલ કે કેળવણી, શિક્ષણ, વિદ્યા શબ્દોના મૂળમાં જ્ઞાન છે અને તેનું સ્થાન ખૂબ ઊંચુ છે. જ્ઞાન હતું, છે અને રહેશે. જ્ઞાનની ગંગાને ઉપરથી નીચે લાવવાની જરૂર છે. આજના શિક્ષકની દશા સારી છે, પણ દિશા સારી નથી તેવી માર્મિક ટકોર કરી બાપુએ જણાવેલ કે શિક્ષકોની દશા સારી થવી જ જોઈએ પણ સાથોસાથ દિશા ચૂક ન થાય તે પણ અત્યંત જરૂરી છે. શિક્ષકના પંચ મુખ હોવા જોઈએ. કેળવણી સરકાર, સમાજ, વાલી, વિદ્યાર્થી, વિચારધારા આ પંચમુખમાં બંધિયાર ન થવી જોઈએ. અશિક્ષિત ખારા હોય છે, જે રત્નો મથ્યા વગર કોઈને ન આપે અને વધારે મથવામાં આવે તો વિષ આપે. આ અશિક્ષિત ખારાપાટ સમા સમુદ્રમાં મીઠી વીરડી શિક્ષક જ પ્રગટાવી શકે તેમ છે. કેળવણીની ગંગા સમુદ્ર સુધી પહોંચવી જ જોઈએ. વેદનાથી ભરેલ સમાજ સુધી કેળવણીને પહોંચાડવાની ખાસ જરૂર છે. બ્રહ્માના ચાર મુખ સમા ગુજરાતી કેળવણી પરિષદના ચાર નવા કેન્દ્રો બન્યા છે તેની પ્રસન્નતા વ્યક્ત કરી બાપુએ જણાવેલ કે કેળવણીને ઊંચી નથી લઈ જવાની અને તેના સ્તરને નીચું નથી લાવવાનું તે આપણા સૌની જવાબદારી છે.
       કાર્યક્રમનો પ્રારંભ પંકજભાઈ અગ્રાવતની સુંદર પ્રાર્થનાથી થયેલ. હિમાંશુભાઈ બોરીસાગરે ગુજરાતી કેળવણી પરિષદના મહુવા કેન્દ્રનો પરિચય પોતાની આગવી શૈલીમાં આપતા જણાવેલ કે ગુજરાતી કેળવણી પરિષદને પૂ.બાપુના આશીર્વાદ મળવાથી ગંગાને ગંગોત્રી મળી ગઈ. ખરા દિલથી પ્રયોગાત્મક કામ કરતા શિક્ષકોને શોધીને આ પરિષદમાં જોડવા તે અમારૂં મુખ્ય કાર્ય રહેશે. ફુલોને બગીચામાં ખીલવાનું હોય છે પણ તે રણમાં ખીલે તો તે પરાક્રમ કહેવાય. અમને પૂ.બાપુના આશીર્વાદ સતત મળતા રહેશે.
       ગુજરાતી કેળવણી પરિષદના પ્રમુખ મનસુખભાઈ સલ્લાએ પ્રાસંગિક ઉદ્દબોધન કરતા જણાવેલ કે ગુજરાતી કેળવણી પરિષદને વ્યક્તિત્વના નહીં, પણ વિભૂતિના આશીર્વચન છે. બધા કામ કરતા થયા છે તો અમે મહુવામાં બાપુ પાસે રહેનારા કેમ કંઈક ન કરીએ તે ઉદ્દેશ્યથી મહુવાના કેન્દ્રનો પ્રારંભ થયો છે. શિક્ષણનું સ્તર હવે આનાથી નીચું ન જાય તે માટે શિક્ષકે જ હવે સૂત્રધાર, અગ્રણી અને આગેવાન બની મજબૂત બી રોપી કેળવણીને નવું સ્વરૂપ આપવું પડશે. ગુજરાતી કેળવણી પરિષદ હવે વિમાનની ભાષામાં ટેઈક ઓફની સ્થિતિમાં છે. જિજ્ઞેશભાઈ કુંચાલાએ કાર્યક્રમનું સુંદર સંચાલન કરેલ. ઉદ્દ્ઘાટન કાર્યક્રમમાં ગુજરાતી કેળવણી પરિષદના મહુવા કેન્દ્રના શિક્ષકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવેલ.