www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

ભાવનગર

તરસમિયાની સરકારી પ્રાથમિક શાળાના બાળવૈજ્ઞાનિકોના સંશોધનની રાષ્ટ્રીય વિજ્ઞાન પ્રદર્શનમા પસંદગી

હરેશ જોશી –  (કુંઢેલી)

ભાવનગર તાલુકાની તરસમિયા પ્રાથમિક શાળાએ રાજ્યકક્ષાના વિજ્ઞાન પ્રદર્શનમા સમગ્ર રાજ્યમા પ્રથમ ક્રમાંક મેળવી આગામી 23મી નવેમ્બરથી અમદાવાદ ખાતે યોજાનાર રાષ્ટ્રીય કક્ષાના વિજ્ઞાન પ્રદર્શનમા ધમાકેદાર એંટ્રી નોંધાવેલ છે. રાષ્ટ્રીય કક્ષાના વિજ્ઞાનમેળામા પસંદગી પામનાર જિલ્લાની આ એકમાત્ર શાળા છે. જ્યારે ગુજરાત રાજ્યના યજમાનપદે સમગ્ર દેશમાથી તમામ રાજ્યોની ચુંટેલી કૃતિઓનુ રાષ્ટ્રીય કક્ષાનુ પ્રદર્શન યોજાનાર છે ત્યારે એક નાનકડી સરકારી પ્રાથમિક શાળાના ઉત્તમ સંશોધનની થયેલ પસંદગીથી સમગ્ર જિલ્લામા અને શિક્ષણ આલમમા ખુશીની લહેર વ્યાપી છે. તરસમિયા પ્રાથમિક શાળાના બાળવૈજ્ઞાનિકોએ સંસાધનોના વ્યવસ્થાપન વિભાગમા આપણી જ આસપાસના સંસાધનોના શ્રેષ્ઠ ઉપયોગથી વિદ્યુતઊર્જા ઉત્પન્ન કરતું કાર્યરત મૉડેલ રજુ કરી પોતાની વિજ્ઞાન સંશોધન ક્ષેત્રે અસાધારણ પ્રતિભાનો પરિચય આપ્યો હતો. આ સંશોધન એ ભાવનગર સ્થિત સેંટ્રલ સૉલ્ટ રીસર્ચ સંસ્થાના માર્ગદર્શન હેઠળ ‘રીવર્સ ઈલેક્ટ્રૉ ડાયાલીસીસ’ એટલે કે ‘રેડ પાવરહાઉસ’ એવા સરળ અને વ્યવહારું શિર્ષક દ્વારા રજુ કરેલ. ભારતમાં આ પ્રૉજેક્ટ વડે 130 ગીગાવોટ થી વધુ વિધુત ઉત્પન્ન કરવાની શક્યતા રહેલી છે. કોઈપણ મુવીંગ પાર્ટ્સ કે જટીલ મિકેનીઝમ વગર અધધ વિદ્યુત ઉત્પન્ન કરતુ આ એક સમ્પૂર્ણ સ્વદેશી ક્રાંતિકારી સંશોધન નાનકડી સરકારી પ્રાથમિક શાળાની બે દીકરીઓ બારૈયા કાજલ અને ભટ્ટ ઋત્વી એ ટીમ તરસમિયાના માર્ગદર્શન વડે કરી આ અનેરી સિધ્ધિ હાંસિલ કરી છે. ટીમ તરસમિયા તરીકે કાર્ય કરતી આ શાળાએ વખતોવખત વિજ્ઞાન પ્રદર્શનોમા સમાજ ઉપયોગી સંશોધનો રજુ કરી સમાજ પ્રત્યેનું ઋણ અદા કરવાનો પ્રયાસ નોંધનીય ગણી શકાય. અગાઉ રાષ્ટ્રપતિ એવૉર્ડ વિજેતા આ શાળાએ ફરી એકવાર રાષ્ટ્રીય ક્ષેત્રે ઉપલબ્ધિ મેળવતા સમગ્ર ગ્રામજનો અને શિક્ષણ પરીવારમાં આનંદની લાગણી જન્મી છે.