www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

ભાવનગર

સર.ટી માં નવી કેન્સર હોસ્પિટલમાં સાધનોની ફાળવણી

અધતન આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવાના અભિગમ સાથે સર. ટી. હોસ્પિટલ ભાવનગર ખાતે કેન્સરના દર્દીઓને સારવાર પૂરી પાડવા નવીન કેન્સર બિલ્ડીંગ રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવેલ છે. કેન્સર વિભાગનું આ મકાન ઝડપથી કાર્યરત થાય અને જરૂરિયાત મંદ કેન્સરના દર્દીઓને અધતન સારવાર ઘર આંગણે અને ઝડપથી મળી રહે તે માટે જરૂરી સાધનો અને મશીનો ફાળવવા માટે ભાવનગરના સ્થાનિક ધારાસભ્ય તરીકે મંત્રીશ્રી વિભાવરીબેન દવે દ્વારા આરોગ્ય વિભાગનો હવાલો ધરાવતા રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી નિતિનભાઈ પટેલને રૂબરૂ અને પત્ર દ્વારા અવાર નવાર રજૂઆતો કરવામાં આવી હતી.આ કેન્સર હોસ્પિટલ મંજૂર કરાવવા અને તેના નિર્માણમાં બિલ્ડીંગની કામગીરીના આરંભથી વિભાવરીબેન દવે એ અંગત રસ લીધેલ અને લાંબા સમયથી બનેલ આ બિલ્ડીંગમાં સાધનોની ઉપલબ્ધી માટે પણ વારંવાર તેઓની રજૂઆતના અંતે સાધનો માટેની મંજૂરી મળેલ છે. ભાવનગર સહિત આસપાસના અમરેલી, બોટાદ અને ધંધુકાના દર્દીઓના વિશાળ હિત અને આરોગ્ય સુખાકારી માટે વિભાવરીબેન દવેના સક્રિય પ્રયાસોથી માન. નાયબ મુખ્યમંત્રી શ્રી દ્વારા સર.ટી હોસ્પિટલ ભાવનગરને કેન્સરના નિદાન તથા આધુનિક વૈશ્વિક કક્ષાની સારવાર માટે ઉપયોગી એવા બે મહત્વના મશીન લિનિયર એકસીલેટર અને સિટી સિમ્યુલેટરની ફાળવણી કરવામાં આવી છે. રૂપિયા ૨૩ (ત્રેવીસ) કરોડના વિદેશી ટેકનૉલોજી આધારિત આ બને અધતન મશીનો ભાવનગર સ્થિત સર.ટી. હોસ્પિટલને ત્રણથી ચાર માસ જેટલા ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે. ભાવનગર શહેર અને આસપાસના જીલ્લાઓને આ સુવિધા પૂરી પાડવા માટે વિભાવરીબેન દવેએ ભાવનગરથી જનતા
વતી નાયબ મુખ્યમંત્રી શ્રી નિતિનભાઈ પટેલનો ખાસ આભાર માન્યો છે. આ સાધનો ઉપલબ્ધ થવાથી સાથે સાથે કેન્સરની સારવાર માટે નિષ્ણાત સુપર સ્પેશિયાલીટી તબીબી પણ ભાવનગર ખાતે ઉપલબ્ધ થાય તે માટેઅમદાવાદ સ્થિત ગુજરાત કેન્સર રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટ (જીસીઆરઆઈ) કેન્સર હોસ્પિટલ સાથે જરૂરી એમઓયુ તાકીદે કરવા વિભાવરીબેન દવેના દ્વારા આરોગ્ય મંત્રીશ્રી ને સક્રિય રજૂઆતો કરાયેલા છે. આ કારણે ડોક્ટરોની સેવા મેળવવામાં મુશ્કેલી ન પડે એ માટેની જરૂરી કાર્યવાહી આરોગ્ય વિભાગમાં હાથ ધરવામાં આવી છે. આમ નવા બિલ્ડીંગના બાંધકામ માટે અંદાજીત પાંચ કરોડ અને સાધનો તેમજ મશીનો માટે અંદાજિત ૨૩ કરોડ મળીને  અંદાજીત કુલ ૨૮ કરોડના ખર્ચે ભાવનગર કેન્સર હોસ્પિટલનું નવીન બિલ્ડીંગ નજીકના ભવિષ્યમાં કાર્યરત થશે. અત્રે ઉલ્લેખનીય છે કે વિભાવરીબેન દવે દ્વારા અગાઉ આ કેન્સર બિલ્ડીંગની સ્થળ મુલાકાત લઈને તે અંગે જરૂરી કાર્યવાહી ઝડપથી પૂર્ણ કરવા માટે આરોગ્ય વિભાગના પીઆઈયુ યુનિટ, હોસ્પિટલ તંત્ર અને ફાયર એનઓસી જેવા મુદ્દે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર સાથે પણ અવાર નવાર જરૂરી ફોલોઅપ કરી સૂચનાઓ આપેલ છે.