www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

ભાવનગર

ભાવનગરનાં વર્તમાન અને પૂર્વ સાંસદ સહિત અનેકે ભાજપમાંથી ચૂંટણી લડવા દાવેદારી નોંધાવી

આગામી લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. ત્યારે રાજકીય પક્ષો દ્વારા પણ પુરજોશમાં ચૂંટણીની તૈયારીઓ આરંભી દીધી છે જેમાં ભાજપ દ્વારા રાજ્યભરમાં ઉમેદવારો પસંદગી માટે સેન્સ લેવાઈ રહ્યા છે. તેમાં આજે ભાવનગર-બોટાદ લોકસભા બેઠક માટે સિહોર ખાતે પ્રદેશ નિરીક્ષકોની ઉપસ્થિતીમાં સેન્સ લેવાયા હતા જેમાં ભાવનગરનાં વર્તમાન અને પૂર્વ સાંસદ સહિત અનેક લોકોએ ભાજપમાંથી ચૂંટણી લડવા માટે દાવેદારી નોંધાવી હતી.

લોકસભા ચૂંટણી માટે ગુજરાત ભાજપ દ્વારા રાજ્યની તમામ લોકસભા સીટ ઉપર ઉમેદવાર પસંદ કરવાની લોકશાહી પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવેલ જેના ભાગરૂપે ભાવનગર લોકસભા સીટ માટે ઉમેદવાર પસંદગી કરવા પ્રદેશ ભાજપ દ્વારા નિયુક્ત કરાયેલા નિરીક્ષકો મુળુભાઈ બેરા, મહેશભાઈ કસવાળા, ભાનુબેન બાબરીયા આજે સિહોર જ્ઞાનગંગા હાઈસ્કુલ ખાતે આવ્યા હતા. જ્યાં સવારથી જ સાંજ સુધી ભાવનગર શહેર જિલ્લા અને બોટાદનાં અપેક્ષીત કાર્યકર્તાઓને વિધાનસભામાં બેઠક વાઈઝ સાંભળ્યા હતા. ભાવનગર પૂર્વ, પશ્ચિમ ગ્રામ્ય, તળાજા પાલીતાણા, બોટાદ, ગઢડા સહિત વિધાનસભા બેઠક વાઈઝ દાવેદારો તથા કાર્યકરોને સાંભળ્યા હતા. ભાવનગર લોકસભા બેઠક માટે વર્તમાન સાંસદ ડો. ભારતીબેન શિયાળ, પૂર્વ સાંસદ

રાજેન્દ્રસિંહ રાણા, મહેન્દ્ર પનોત, વનરાજસિંહ ગોહિલ, રાજુભાઈ બાંભણીયા, કિશોર ભટ્ટ, હર્ષદભાઈ દવે, પ્રવિણભાઈ બારૈયા, ઘનશ્યામભાઈ સિહોરા સહિત વીસેક આગેવાનોએ તેમનાં ટેકેદાર કાર્યકર્તાઓ સાથે નિરીક્ષક સમક્ષ રજુઆત કરી હતી.

સવારે ૧૦થી સાંજે ૬ વાગ્યા સુધી ભાજપ નિરીક્ષકોએ દાવેદારોને શાંતિપૂર્ણ રીતે સાંભળ્યા હતા અને હવે નિરિક્ષકો તા.૧૮ે સોમવારે ગાંધીનગર ખાતે મળનારી ભાજપ પાર્લામેન્ટરી બેઠકમાં પોતાનો અહેવાલ રજુ કરશે. ત્યારબાદ રાષ્ટ્રીય કક્ષાએથી ઉમેદવારોની પસંદગીનો નિર્ણય લેવામાં આવશે ત્યારે હાલમાં ભાજપમાંથી ભાવનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવા વીસ જેટલા લોકોએ દાવેદારી નોંધાવી છે. આ સમગ્ર કાર્યક્રમને ભાજપ શહેર પ્રમુખ સનતભાઈ મોદી, જિલ્લા પ્રમુખ મહેન્દ્રસિંહ સરવૈયા સહિત શહેર જિલ્લાની ટીમ દ્વારા જહેમત ઉઠાવાઈ હતી.