www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

ગુજરાત

ગિરનારની તળેટીમાં 5 દિવસનો ધર્મોત્સવ શરૂ, રાત્રે ભજન રમઝટ, સાધુ-સંતોનો જમાવડો થયો

શુક્રવારથી પ દિવસ એટલે કે મંગળવાર તા.૧૩ સુધી ચાલનારા આ ધાર્મિક મેળાવડામાં આજના પ્રથમ દિવસથી જ લગભગ ર૦૦ અન્નક્ષેત્રો ધમધમતા થઈ ગયા છે. જેમાં પહેલા દિવસે લગભગ એક લાખ લોકોએ ભોજન લીધું છે. આ અન્નક્ષેત્રોમાં પ દિવસમાં રોજ પ૦ હજાર લેખે ભાવિકો વધતા મહાશિવરાત્રી દિને અહી સેંકડો અન્નક્ષેત્રોમાં પાંચેક લાખ લોકો ભોજન લેશે.ર૦૦ અન્નક્ષેત્રો, સેકડો રાવટીઓ, અસંખ્ય ધર્માલયોમાં ગુંજતા ભજનના અનેરા નાદ સાથે મહાશિવરાત્રીની શરૃઆત થઈ ગઈ છે. ભવનાથ તળેટીના ભક્તિમય વાતાવરણમાં મહાવદ નોમના પવિત્ર દિવસે ભવનાથ મહાદેવ મંદિર અને ત્રણેય અખાડામાં પુજા આરતી કરવામાં આવ્યા હતાં.

દરમિયાન ભવનાથ ખાતે ભક્તિમય માહોલમાં શરૃ થયેલ મહાશિવરાત્રી મેળામાં આશરે ૧પ૦ થી ર૦૦ આશરે અન્નક્ષેત્રો તથા રાવટીઓમાં દરરોજ એક લાખથી વધુ લોકો ભોજન-પ્રસાદ, ચા-પાણી નાસ્તો કરશે. ભારતી આશ્રમ, ગુરૃગોરક્ષનાથ આશ્રમ, અગ્નિ અખાડા, ગિરનાર સાધના અશ્રમ, મહારાણા પ્રતાપ અન્નક્ષેત્ર, રૃદ્રેશ્વરજાગીર આશ્રમ અને ૧૦૦ વર્ષથી ભાવિકોની સેવામાં કાર્યરત ધોરાજીનું તેજા ભગત અન્નક્ષેત્રમાં ભાવિકોનો પ્રવાહ ભોજન-પ્રસાદ લે છે. આમ જુદા જુદા અન્નક્ષેત્રોના સંચાલકો, સંતો મહંતો ભાવિકોને ભોજન કરાવી સંતોષની લાગણી અનુભવે છે અને અન્નક્ષેત્ર તેમજ રાવટીઓમાં નામી અનામી કલાકારો ભજનની રમઝટ બોલાવી ભાવિકોને ખુશ કરી દે છે. મહાશિવરાત્રીના મેળાના પ્રારંભે જ વહિવટીતંત્ર, કોર્પોરેશન તંત્ર, વનતંત્ર સતત કાર્યરત થઈ ગયા છે. કોર્પોરેશન દ્વારા આજે ભવનાથ દત્તચોક ખાતે યાત્રિક માહિતિ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે અને મેળા દરમિયાન રાઉન્ડ ધ કલોક સફાઈ કામગીરી સેનીટેશન વિભાગ દ્વારા હાથ ધરાશે.

મહાશિવરાત્રીના મેળા દરમિયાન ભારત સાધુ સમાજના પ્રમુખ મહંત ગોપાલાનંદજીએ દામોદર કુંડમાં પુરતા પાણી, ગિરનાર પર પાણીના ખાલી પરબ તેમજ મુખ્યમંત્રી આવી રહ્યા છે ત્યારે પુરતી વ્યવસ્થા કરવા અને ભાવિકોની સુવિધા જળવાઈ રહે તે માટે યોગ્ય કરવા વહીવટી તંત્ર સમક્ષ માગણી કરી છે. મેળાની શરૃઆત થઈ ચુકી છે પરંતુ ગિરનાર પર્વત પર પાણીના પરબોમાં પાણી ભરેલ નથી, ભાવિકોને માટે દામોદરકુંડમાં પુરતુ પાણી નથી રાજયના મુખ્યમંત્રી શિવરાત્રીના દિવસે આવી રહ્યાં છે ત્યારે પુરતી સલામતી જાળવવા કોઈ અકસ્માત ન થાય તેમજ ભાવિકોની પુરતી સુવિધા જળવાઈ રહે તે માટે યોગ્ય કરવા વહીવટી તંત્ર સમક્ષ માંગણી કરી છે.

જૂના અખાડાના વરિષ્ઠ સંતના ઉપવાસથી તંત્રમાં દોડધામ
પુરાતન-પ્રાચિન મુચકુંદ ગુફા સુધી જવા માટે છેલ્લા એક વર્ષથી જૂનાગઢ મ્યુ.કોર્પોરેશનમાં રજૂઆત કરાયા છતા કોઈ ઉકેલ ન આવતા જો ધર્મસ્થળે પહોંચતા રાષ્ટ્રિય અખાડા પરિષદના સચીવ અને જૂના અખાડાના વરિષ્ઠ સંત હરિગીરીજી મહારાજ અન્ય સાધુ-સંતો સાથે દામોદરકુંડની બહાર ખાડામાં ઉપવાસ પર બેસી જતા સાધુ-સંતો અને વહીવટી તંત્રમાં સન્નાટો પ્રસરી જવા પામ્યો હતો.

આ બાબત અંગે હરિગીરીજી મહારાજે પત્રકારોને જણાવ્યું હતું કે મ્યુ.કોર્પોરેશનના અધિકારીઓને પોતે મુચકુંદ ગુફા પહોંચવા માટે ગંદા વોકળામાંથી અને અસહ્ય ગંદકીમાંથી પસાર થવું પટે છે તે ગંદકી દુર કરી ત્યાં જવા સીમેન્ટનો માર્ગ બનવો જોઈએ જ્યાં મુચકુંદ ઋષિની તપોભૂમિ છે એવી મુચકુંદ ગુફાના સ્થળે પહોંચવા સીમેન્ટ માર્ગ બનાવવાની માંગણી આ વરિષ્ઠ સંતે કોર્પોરેશનના અધિકારીઓ સમક્ષ કર્યા પછી કોઈ પરિણામ નહી આવતા હરિગીરી મહારાજ ઉપરાંત ગિરનાર સાધના આશ્રમના મૈયા શૈલજાદેવી સહિતના વરિષ્ઠ સંતો દામોદરકુંડ નીચે નદીની જગ્યામાં જ ઉપવાસ ઉપર બેસી જતાં તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. દરમિયાનમાં આ પ્રશ્ને તંત્ર દ્વારા સત્વરે કોઈ કાર્યવાહી નહી કરવામાં આવે તો સાધુ-સંતો પોતાની રીતે જ અહી પાકો રસ્તો બનાવશે તેવી ચિમકી સાધુ-સંતોએ ઉચ્ચારી છે.

આજથી ઉતારામંડળ-અન્નક્ષેત્રો બંધ રાખવાનું અલ્ટીમેટમ
શિવરાત્રી મેળા અંતર્ગત જ્ઞાતિ સમાજો-ટ્રસ્ટોના ઉતારા મંડળ ભવનાથ દ્વારા પણ તંત્રને એવું આખરી નામું આપ્યું છે કે શિવરાત્રી મેળામાં ટયુબલાઈટો પ્રમાણે વધુ ભાડું લેવા બાબતે, ઉતારાઓને ઓછી જ્ગ્યા આપવા માટે તથા કાર્યાલયો ન ફાળવવા અને મહાશિવરાત્રી મેળાને મીનીકુંભ મેળો જાહેર કરવાની માંગણી સાથે જો આ પ્રશ્નો હલ નહી થાય તો બધા જ ઉતારા મંડળો-અન્નક્ષેત્રો આવતીકાલ તા.૧૦ શનિવાર સાંજથી બંધ કરી દેવામાં આવશે તેમ જ્ઞાતિ સમાજો ટ્રસ્ટ-ઉતારા મંડળના મેનેજીંગ ટ્રસ્ટી ભાવેશ વેકરીયાએ અખબારી યાદીમાં જણાવ્યું છે.

મહાશિવરાત્રિના મેળા માટે રાજકોટ જૂનાગઢ વચ્ચે સ્પેશ્યલ ટ્રેનનો પ્રારંભ
મહાશિવરાત્રિના મેળા માટે જૂનાગઢ જવા ભાવિકોમાં ભારે ઉત્સાહ દેખાઈ રહ્યો છે. દર વર્ષે મહાશિવરાત્રિ માટે જૂનાગઢ જતા ભાવિકોના ધસારાને ધ્યાને રાખીને રેલવેના રાજકોટ ડિવિઝન દ્વારા તારીખ ૯, ૧૦, ૧૧, ૧૩ અને ૧૪મીના રાજકોટ-જૂનાગઢ વચ્ચે સ્પેશ્યલ ટ્રેનની વ્યવસ્થા કરી પાંચ ટ્રિપ દોડાવવામાં આવશે. આ દિવસોમાં મેળા સ્પેશ્યલ ટ્રેન રાજકોટથી સાંજે 19.15 કલાકે ઉપડી જૂનગઢ ખાતે રાત્રે 21.30 કલાકે પહોંચશે. પરતમાં આ ટ્રેન જૂનાગઢથી સવારે 4.40 કલાકે ઉપડી રાજકોટ ખાતે 6.55 કલાકે પહોંચશે. ૭ જનરલ કોચ સાથેની આ સ્પેશ્યલ ટ્રેન રાજકોટ-જૂનાગઢ વચ્ચે રપ રૃપિયાના ભાડામાં દોડશે.