www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

ગુજરાત

ખંભાળિયામાં ૧૨, માણાવદરમાં ૧૧ ઇંચ વરસાદ

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદનો દોર જારી રહ્યો છે. મેઘતાંડવની સ્થિતિ વચ્ચે સૌરાષ્ટ્રમાં હાલત કફોડી બનેલી છે. આજે દિવસ દરમિયાન ખંભાળિયામાં ૧૨ ઇંચ, માણાવદરમાં ૧૧, વઘઇમાં ૮ ઇંચ, પોરબંદરમાં ૭ ઇંચ, રાણાવવામાં ૭ ઇંચ, મેંદરડામાં છ ઇંચ, વંથલીમાં છ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં જળબંબાકારની સ્થિતિ વચ્ચે બચાવ અને રાહત કામગીરી જારી રહી હતી. એનડીઆરએફની ટીમ તમામ અસરગ્રસ્ત વિસ્તારોમાં સક્રિય થયેલી છે. બીજી બાજુ છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાત રાજયમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના પંથકોમાં મેઘરાજાએ અનરાધાર વર્ષા વરસાવી હતી, જેને પગલે સૌરાષ્ટ્રમાં ગીરસોમનાથ, જૂનાગઢ, ઉના, કોડિનાર, રાજકોટ, વેરાવળ, મહુવા, તળાજા સહિતના પંથકોમાં અતિ ભારે વરસાદ નોંધાયો છે. રાજયમાં સૌથી વધુ વરસાદ ગીરસોમનાથ જિલ્લામાં ૨૪ કલાકમાં ૨૦ ઇંચથી વધુ, ઉનામાં પણ ૨૦ ઇંચથી વધુ જયારે કોડિનાર અને માણાવદરમાં અનુક્રમે ૧૩ ઇઁચ અને ૧૧ ઇઁચથી વધુ વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી મેઘરાજાના રૌદ્ર સ્વરૂપને લઇ સર્વત્ર જળબંબાકાર અને બેટની પરિસ્થિતિ સર્જાયેલી છે. હજારો લોકોનું સ્થળાંતર કરાવાયું છે તો, સેંકડો લોકોને એનડીઆરએફ સહિતની બચાવ ટીમોએ બચાવ્યા હતા. રાજયના ૨૦૦ જેટલા ગામોમાં વરસાદી અતિવૃષ્ટિને પગલે વીજળીનો પુરવઠો ખોરવાઇ ગયો છે અને આ ગામોમાં અંધારપટ છવાયેલો છે. પીજીવીસીએલના ૧૨૮થી વધુ ફિડરો બંધ કરાતા ભારે હાલાકી સર્જાઇ છે. સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં વરસાદી અતિવૃષ્ટિને પગલે નદી-નાળા અને ડેમોમાં નવા નીરની આવક થઇ છે અને તેમાંના ઘણા છલકાતાં રાજકોટ જેતપુરના ભાદર-૧ ડેમ, ભાદર-૨ ડેમ, અમરેલીમાં કુકાવાવનો સોનલ ડેમ, જામગનરના નિકોવા ખાતેનો ઉંડ-૪, જૂનાગઢના કોસાવાનો સાબરી ડેમ સહિતના ડેમોના દરવાજા ખોલવાની ફરજ પડી હતી, તો કેટલીયે નદીઓમાં ઘોડાપૂર આવતાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે.

ગીર-સોમનાથ, ઉના, રાજકોટ, અમરેલી, જૂનાગઢ, જામનગર સહિતના પંથકોની કેટલીક નદીઓમાં ઘોડાપૂર આવતાં આસપાસના ગામો અને વિસ્તારોમાંથી અસરગ્રસ્ત લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરાવવાની ફરજ પડી હતી. ગીરસોમનાથના વાંસોદ ગામે છાતી સમા પાણી ભરાઇ ગયા હતા અને ગામ આખું પાણીમાં ગરકાવ બન્યું હતું. ગામમાં ગર્ભવતી મહિલાને બચાવી લેવાઇ હતી. તો, રાજકોટમાં ભૂપગઢ ગામેથી વરસાદી પાણીમાં તણાયેલા યુવકનો મૃતદેહ ૧૮ કલાક બાદ એનડીઆરએફની ટીમને હાથ લાગતાં સમગ્ર પંથકમાં ભારે અરેરાટીની લાગણી ફેલાઇ ગઇ હતી. અતિ ભારે વરસાદના કારણે ફાસરિયા અને ખેરા ગામ બેટમાં ફેરવાયા હતા. વરસાદી અતિવૃષ્ટિથી પીજીવીસીએલ(પશ્ચિમ ગુજરાત વીજકંપની લિ.)ને ભારે નુકસાન થયું છે. ખાસ કરીને તેના સબસ્ટેશન અને ફિડરોને નુકસાન પહોંચતા વીજપુરવઠો ખોરવાયો હતો. છેલ્લા ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ખાબક્યો હતો અને હજુ પણ વરસી રહ્યો છે. આ સાથે રાજ્યના ૧૧૫ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થયો છે. જેમાં ૪થી લઈને ૨૦ ઈંચ સુધીનો વરસાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ૧૧૫ તાલુકામાં ખાબક્યો છે. આ સાથે જ રાજ્યનો ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ ૪૦થી ૭૩ ટકા જેટલો થયો છે. જેમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં ૫૭.૨૭ ટકા નોંધાઇ ચૂકયો છે. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા મુજબ આજે તા.૧૭ જુલાઈને સવારે ૭ કલાક સુધી રાજ્યના કુલ ૨૪ તાલુકાઓમાં ચાર ઇંચથી લઇ વીસ ઇંચ સુધીનો અતિ ભારે વરસાદ નોંધાયો હતો. જેમાં ગીર-સોમનાથ જિલ્લાના ગીરગઢડામાં ૪૯૬ મિમી એટલે કે ૨૦ ઇંચ, ઉના તાલુકામાં ૩૫૦ મિમી એટલે કે ૧૪ ઇંચ અને કોડીનાર તાલુકામાં ૩૩૦ મિમી એટલે કે ૧૩ ઇંચથી વધુ વરસાદ ખાબકયો હતો. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘકહેરને પગલે ૧૫ જેટલી એનડીઆરએફની ટીમો અને અન્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ સહિતની રાહત અને બચાવ ટીમો કાર્યરત કરાઇ છે. જયારે રાજયના અન્ય વિસ્તારો માટે એનડીઆરએફની પાંચ ટુકડીઓ સ્ટેન્ડ બાય રખાઇ છે.

રાજયમાં ભારે વરસાદ અને ઉપરવાસના સારા વરસાદના કારણે નર્મદા ડેમમાં જળસપાટી આજે ૧૧૧.૧૧ મીટરે પહોંચી ગઇ હતી. જેને પગલે આઇબીપીટી ટનલ બંધ કરાઇ હતી. ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી અતિભારે વરસાદ જારી રહ્યો છે. ગુજરાતભરમાં ચાલુ મોસમનો કુલ વરસાદ ૪૦-૭૩ ટકા રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ ૫૭.૨૭ ટકા વરસાદ થયો છે. એનડીઆરએફની ૨૦ ટીમો બચાવ અને રાહત કામગીરીમાં લાગી ગઈ છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૨૪ તાલુકાઓમાં ચાર ઇંચથી લઇને ૨૦ ઇંચ સુધીનો વરસાદ ખાબકી ગયો છે.