www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

રાષ્ટ્રીય

મમતાના ગઢમાં ઝંઝાવતી પ્રચાર કરવા મોદીની આક્રમક તૈયારીઓ

પશ્ચિમ બંગાળમાં તમામ પ્રયાસો છતાં હજુ સુધી લોકશાહી બચાવો યાત્રા કાઢવામાં નિષ્ફળ રહેલી ભારતીય જનતા પાર્ટીએ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અનેક રેલી બંગાળમાં યોજવા માટેની તૈયારી કરી લીધી છે. રાજ્યમાં વિધાનસભા ચૂંટણી પ્રચાર અભિયાન શરૂ થતા પહેલા મોદી કાર્યકરોનો ઉત્સાહ વધારી દેવા કેટલીક રેલી કરનાર છે. ભાજપના સંગઠન સ્તર પર પણ મોદીની રેલીને લઇને તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. તાજેતરમાં જ પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા રજૂઆત કરવામાં આવ્યા બાદ હાઇકોર્ટે ભાજપ દ્વારા સુચિત લોકશાહી બચાવો યાત્રા યોજવાનો ઇન્કાર કરી દીધો હતો. ભાજપે રાજ્યમાં રથયાત્રાને મંજુરી ન આપવાના કોલક્તા હાઇકોર્ટના નિર્ણયને પડકાર ફેંકીને સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી દીધી છે. જેના મામલે ચોથી જાન્યુઆરીના દિવસે સુનાવણી કરવામાં આવનાર છે. ભાજપની ત્રણ તબક્કામાં સુચિત રથયાત્રા પ્રદેશની તમામ ૪૨ લોકસભા સીટોમાંથી પસાર થનાર છે. આને લોકશાહી બચાવો રેલી નામ આપવામાં આવ્યુ છે. કાયદાકીય દાવપેચની વચ્ચે ભાજપ હવે મોદીને પ્રચારમાં ઉતારી દેવા માટે તૈયાર છે. મોદી હવે બંગાળના રણમાં ઉતરનાર છે. ભાજપના મહાસચિવ વિજયવર્ગીયે કહ્યુ છે કે અમે બંગાળમાં મોદીની રેલી યોજવા માટેની તૈયારી કરી રહ્યા છીએ. તેમણે કહ્યુ હતુ કે બંગાળ અમારી પ્રાથમિકતાવાળા રાજ્યો પૈકી એક રાજ્ય છે. જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં બંગાળના જુદા જુદા વિસ્તારમાં વડાપ્રધાનની રેલી યોજવા માટેની તૈયારી ચાલી રહી છે. મમતા બેનર્જી ૧૯મી જાન્યુઆરીના દિવસે કોલકત્તામાં મહાગઠબંધનની મોટી રેલી યોજવા માટેની તૈયારી કરી રહ્યા છે. વર્ષ ૨૦૧૯ની ચૂંટણી પહેલા વિપક્ષી એકતાને મજબુત કરવા માટેના પ્રયાસ થઇ રહ્યા છે. મમતાના આમંત્રણ છતાં અન્ય પાર્ટી હાજર નહીં રહે તેવી વકી છે. કૈલાશવર્ગીયએ કહ્યું છે કે, ભારતીય જનતા પાર્ટી સૂચિત લોકતંત્ર બચાવો યાત્રાને લઇને કાયદાકીય લડત લડી રહી છે. આના માટે સુપ્રીમ કોર્ટમાં પૂર્ણ તાકાત સાથે રજૂઆત કરવામાં આવનાર છે. સૂચિત રેલીમાં પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વ દ્વારા તૈયારી કરી લેવામાં આવી છે. મોદીની રેલી પહેલા પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વએ બંગાળના હોદ્દેદારો સાથે વાતચીત કરી છે. મહાસચિવ ભુપેન્દ્ર યાદવની સાથે વાતચીત દરમિયાન બંગાળના ભાજપ સંગઠનના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. વિધાનસભાની ચૂંટણીની તૈયારી અને લોકસભા ચૂંટણીની તૈયારીઓના મુદ્દા પર ચર્ચા થઇ હતી. તાજેતરમાં જ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ જારદાર તૈયારીમાં લાગેલા છે.