અમરેલી

આવતીકાલે સાવરકુંડલા શહેરમાં રામનનમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળશે. ઠેર ઠેર રામલલ્લાના સ્વાગત માટે માનવમહેરામણ ઉમટશે. 

આમ તો રામનવમીનો ઉત્સવ લગભગ દેશમાં ખૂબ જ ધામધૂમથી અને આસ્થાપૂર્ણરીતે ઉજવાતો હોય છે  અને સાવરકુંડલા શહેર એ પૈકીનું એક ધર્મપ્રેમી શહેર છે. છેલ્લા ચાલીસ વર્ષ જેટલા સમયથી અહીં સાવરકુંડલાની ધરા પર રામભક્તો રામનવમીના પર્વ નિમિત્તે વિશાળ શોભાયાત્રા કાઢીને સમગ્ર શહેરમાં ખૂબ જ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં ફરે છે. આમ તો રામનવમીનું આ પવિત્ર પર્વ ચૈત્ર સુદ નોમના હોય આ સમયે ઉનાળાની કાળઝાળ ગરમી હોય છતાં પણ એ ગરમીની પરવા કર્યા વગર એ કાળઝાળ ગરમીમાં શહેરનાં અનેક ધર્મપ્રેમી લોકો આ શોભાયાત્રામાં ખૂબ જ હોંશભેર જોડાય છે. જાણે વિશાળ માનવ મહેરામણ ભગવાન શ્રી રામના પ્રાગટ્ય દિવસને વધાવવા શોભાયાત્રામાં નીકળી પડે છે.

જેમાં નાના મોટાં સૌ હોંશભેર જોડાય છે. જેસર રોડથી શરૂ થતી આ શોભાયાત્રામાં વિવિધ પ્રકારના ફ્લોટ શણગારેલાં ગાડા, ટ્રેકટર, રથ, ઘોડેસવાર પણ જોડાય છે. શહેરના અનેક અગ્રણીઓ, સંતો, મહંતો પણ આ શોભાયાત્રામાં જોડાય છે. ડી. જે સાઉન્ડ સિસ્ટમ સાથે જયશ્રી રામના નારા સાથે સમગ્ર આભામંડળ ગુંજી ઊઠતું જોવા મળે છે. દર વર્ષે નીકળતી આ શોભાયાત્રામાં ત્રિશૂળ અને ગદા એ આકર્ષણનું કેન્દ્ર બને છે.  આ શોભાયાત્રામાં સ્વયંભૂ રીતે જોડાયેલા ભાવિકોમાં અમુક ભાવિકજનો જુદા જુદા પ્રકારના હૈરતભર્યા લાઠી દાવ અને તલવારબાજીના અવનવા કરતબ  પણ કરતાં જોવા મળે છે. જો કે આ વખતે લોકસભાની ચૂંટણી હોવાથી આદર્શ આચાર સંહિતાના અમલને કારણે લાઠી, તલવાર કે કોઈ પણ હથિયાર આ વખતે આ શોભાયાત્રામાં જોવા મળશે નહીં. અને એ સંદર્ભે રામજન્મોત્સવ સમિતિએ તમામને આદર્શ આચાર સંહિતાનો કડક અમલ કરવાની જાહેર સૂચના પણ આપી છે..

આ શોભાયાત્રાના ભાવિકજનોની તૃષાને સંતૃપ્ત કરવા માટે શહેરના વિવિધ માર્ગો ઉપર ઠેર ઠેર છાશ, ઠંડા શરબતના સ્ટોલ પણ ભાવિકો દ્વારા ઉભા કરવામાં આવે છે. આમ ગણો તો સ્વયંભૂ લોકજુવાળ જ આ શોભાયાત્રાનું માર્ગદર્શક હોય છે.. જો કે આ માટે શહેરમાં રામજન્મોત્સવ સમિતિ આ મહોત્સવને આખરી ઓપ આપતો હોય છે. શહેરના માર્ગો પર પણ ઠેર ઠેર ધજા પતાકા જોવા મળે છે. અને રાત્રિ સમયે અદ્ભુત લાઈટીંગથી શહેર શોભી ઉઠે છે. અરે લોકો હોંશે હોંશે પોતાના વાહનો પર પણ ધજા ફરકાવતાં જોવા મળે છે. આમ આવતીકાલે શોભાયાત્રા પ્રસંગે આ પાવન અવસરને નિહાળવા માટે માત્ર સાવરકુંડલા જ નહીં પરંતુ સાવરકુંડલા આસપાસના વિસ્તારોમાંથી પણ ભાવિકો ઉમટી પડશે. બસ અબ થોડા ઇન્તેજાર  કીજીએ જિગર થામ કે રખિયે રામલલ્લા કી સવારી કલ બડે શાનસે આ રહી હૈ.!!! બોલો, જયશ્રી રામ…

Related Posts