અમરેલી

કેદીની સાથે એના પરિવારે સજા ભોગવવી પડે એ ન્યાયી નથી

ગુજરાત સરકારે કેદી સુધારણા અને કલ્યાણનો અભિગમ અપનાવ્યો છે, જેની પ્રતીતિ રાજ્ય સરકારના સમાજ સુરક્ષા વિભાગની જેલ વિભાગના સહયોગથી અમલી કેદી સહાય યોજના કરાવે છે. જેનો આશય પરિવારની મુખ્ય કમાનાર વ્યક્તિને જેલવાસ થવાથી નિરાધાર બનેલા પરિવારને ધંધા રોજગાર માટે સાધન સહાય આપીને, તેને ઓશિયાળા પણામાંથી બહાર આણી સ્વમાનભેર જીવવાની તક આપવાનો છે.નિર્ધારિત નિયમો પ્રમાણે લાયક કેદીને, તેના પરિવાર માટે આ સહાય મળી શકે છે. સમાજ સુરક્ષા વિભાગ દ્વારા પાત્રતા ધરાવતા  કેદીઓના પરિવારોને રૂ.૨૫ હજારની સાધન સહાય ચુકવવામાં આવે છે.

સાવરકુંડલાના ગાધકડાના આ યોજનાના લાભાર્થી હવાબેન સતારશા સૈયદ જણાવે છે કે મારા પતિનું અવસાન થયેલ હોય એકલવાયુ જીવન જીવતા હતા અને મારો પુત્ર એક ગુન્હામાં હાલ રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે સજા ભોગવી રહ્યો છે. જેથી અમોને જીવન નિર્વાહ માટે કોઇ આજીવિકા ન હોય અમારી આર્થીક પરીસ્થીતી ખુબ નબળી હતી. કેદી સહાયની માહિતી મળતા સમાજ સુરક્ષા વિભાગનો સંપર્ક કર્યો હતો. સબંધિત અધિકારીશ્રીએ અમારી મુલાકાત લીધા બાદ ખુબ જ ટૂંકા સમયમાં રૂ. ૨૫,૦૦૦/- ની સહાય મંજુર કરી અમારા બેંક ખાતામાં જમા કરાવવામાં આવ્યા હતા.

૨૫ હજાર જેટલી નાણાકીય રકમ મળતા આજે હું રોજગારી માટે સાધનો લઇ અમરેલી ખાતે શાકભાજી વેચીને ગુજરાન ચલાવું છું તેમજ જરૂરીયાત ચિજવસ્તુઓની ખરીદી કરી શકું છું. આ યોજનાનો લાભ મળવાથી આજે પગભર થઇ શકી છું અને મારી સામાજીક તથા આર્થીક પરિસ્થિતિમાં પણ ખુબ જ બદલાવ આવ્યો છે.

નોંધનીય છે કે કેદી લાભાર્થીનો પરિવાર આવકલક્ષી પ્રવૃત્તિ સરળતાથી કરી શકે તે માટે દુધાળા ઢોર, સિલાઈ મશીન, ચાર પૈંડા વાળી લારી જેવી અસ્ક્યામતો/ સાધનો સ્વરૂપે આ સહાય આપવામાં આવે છે. આ યોજનાથી આવક વંચિત કેદી પરિવારોને ઘણી મોટી રાહત મળી છે. કેદી કલ્યાણની આ સરળ અને પારદર્શક યોજના રાજ્ય સરકારના કેદી કલ્યાણના માનવતાથી મહેંકતા અભિગમની અનુભૂતિ કરાવે છે.

Related Posts