દહેજભૂખ્યા અને નીચલી માનસિકતા ધરાવતા પરિવારોને આકરી લપડાક આપતાં મધ્યપ્રદેશ હાઈકોર્ટે દહેજને લઈને એક મોટો ચુકાદો જાહેર કર્યો છે. હાઈકોર્ટે કહ્યું કે દહેજની માંગ કરતી વખતે પત્નીને તેના પિયરમાં રહેવા દબાણ કરવું એ માનસિક ક્રૂરતા છે. વૈવાહિક જીવન બચાવવા માટે મૌન રહેવું એ ઉમદા કાર્ય છે.
આ કેસમાં પત્નીએ તેના પતિના પરિવાર પર દહેજ માટે ઉત્પીડનનો આરોપ લગાવ્યો હતો. તેનાથી પરેશાન થઈને તે તેના માતા-પિતાના ઘરે ગઈ હતી. શાહડોલના નીરજ સરાફ, પંકજ સરાફ અને તેમની પત્ની સીમા સરાફે હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેમાં રેવા મહિલા પોલીસ સ્ટેશનમાં દહેજના કેસમાં તેની સામે નોંધાયેલી એફઆઈઆર રદ કરવાની માંગ કરવામાં આવી હતી. આરોપીઓએ દાવો કર્યો હતો કે તેમના નાના ભાઈ સત્યેન્દ્રની પત્ની શિલ્પાએ લગ્નના સાડા ચાર વર્ષ બાદ દહેજ માટે સતામણીનો ખોટો રિપોર્ટ આપ્યો હતો. સિંગલ બેન્ચે શિલ્પાની ફરિયાદ સાચી માની. શિલ્પાએ સ્પષ્ટ આરોપ લગાવ્યો કે લગ્નના ચાર મહિના પછી તેના પતિ અને તેના પરિવારે તેને ૨૦ તોલા સોના અને ફોચ્ર્યુનર કાર માટે માર મારવાનું શરૂ કર્યું. જ્યારે તેણીની માંગણીઓ સંતોષવામાં ન આવી ત્યારે તેણીને તેના સાસરેથી કાઢી મુકવામાં આવી હતી, જેથી તેણી તેના માતાપિતાના ઘરે આવી અને ત્યાં રહેવા લાગી. સુનાવણી બાદ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે છૂટાછેડાની નોટિસ મળ્યા બાદ શિલ્પાને લાગ્યું કે સમાધાનની કોઈ તક નથી આથી તેણીએ પોલીસમાં દહેજ ઉત્પીડનની ફરિયાદ નોંધાવી હતી. છૂટાછેડાની નોટિસ મળ્યા પછી આને પ્રતિક્રિયા ગણી શકાય નહીં. અદાલતે દહેજની માગણી કરતી વખતે પત્નીને પિયર રહેવાની ફરજ પાડવાને માનસિક ક્રૂરતા ગણાવી છે.
મધ્ય પ્રદેશ હાઈકોર્ટે એવી પણ મહત્વપૂર્ણ ટીપ્પણી કરી હતી કે, વૈવાહિક જીવન બચાવવા માટે મૌન રહેવું એ ઉમદા કાર્ય છે. અન્ય એક ચુકાદામાં અલ્હાબાદ હાઈકોર્ટે દહેજની વસ્તુઓની યાદી બનાવવાની પણ સલાહ આપી છે જેથી કરીને વિવાદમાં કિસ્સામાં સમાધાન થઈ શકે.
Recent Comments