દિલ્હીમાં નવી એક્સાઈઝ પોલીસી પર સીબીઆઈ તપાસની ભલામણ
દિલ્હીના ઉપરાજ્યપાલ વી કે સક્સેનાએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નેતૃત્વવાળી સરકારની આબકારી નીતિ (એક્સાઈઝ પોલીસી) ૨૦૨૧-૨૨ના નિયમોમાં કથિત ભંગ અને પ્રક્રિયાગત ખામીઓ અંગે સીબીઆઈ તપાસ કરાવવાની ભલામણ કરી છે. અધિકારીઓએ જણાવ્યું કે દિલ્હીના મુખ્ય સચિવને આ મહિનાની શરૂઆતમાં સોંપાયેલા રિપોર્ટના આધારે સીબીઆઈ તપાસની ભલામણ કરવામાં આવી છે. દિલ્હીની નવી એક્સાઈઝ પોલીસીમાં દારૂની દુકાનના ટેન્ટરમાં ગડબડીનો આરોપ છે.
મળતી માહિતી મુજબ દિલ્હીની આમ આદમી પાર્ટીની નવી આબકારી નીતિમાં અનેક નિયમોની અવગણના કરતા ટેન્ડર બહાર પાડવામાં આવ્યા. એલજી વિનયકુમાર સક્સેનાએ સરકાર વિરુદ્ધ સીબીઆઈ તપાસનો આ મોટો આદેશ દિલ્હીના ચીફ સેક્રેટરીના એક રિપોર્ટ બાદ આપ્યો છે. જેમાં રાજ્ય સરકાર પર નિયમોની અનદેખીની વાત કરાઈ છે. અત્રે જણાવવાનું કે દિલ્હીની નવી આબકારી નીતિઓ અંગે પ્રમુખ વિપક્ષી પાર્ટી ભાજપ સતત આમ આદમી પાર્ટીની સરકાર પર નિશાન સાધી રહી હતી.
આવામાં ચીફ સેક્રેટરીના રિપોર્ટ બાદ દિલ્હીના એલજીએ સીએમ કેજરીવાલની સરકાર વિરુદ્ધ સીબીઆઈ તપાસના આદેશ આપ્યા છે. જે એક મોટી કાર્યવાહી ગણાઈ રહી છે. એલજી ઓફિસમાંથી બહાર પાડવામાં આવેલા એક નિવેદનમાં કહેવાયું છે કે આ રિપોર્ટથી રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર દિલ્હી સરકાર (જીએનસીટીડી) અધિનિયમ ૧૯૯૧, વેપારી લેવડદેવડની નિયમાવલી-૧૯૯૩, દિલ્હી આબકારી અધિનિયમ ૨૦૦૯ અને દિલ્હી આબકારી અધિનિયમ ૨૦૧૦ ના ભંગનો પ્રથમ દ્રષ્ટિએ ખબર પડે છે. દારૂ ઉત્પાદન, હોલસેલર, અને વેચાણ સંલગ્ન કામ એક જ વ્યક્તિની કંપનીને આપવામાં આવ્યું, જે એક્સાઈઝ પોલીસનીનો સીધેસીધો ભંગ છે. આ સાથે જ પોલીસીમાં અનેક પ્રકારની નાણાકીય ખામીઓ પણ ગણાવવામાં આવી છે.
અધિકાર ન હોવા છતાં એક્સાઈઝ પોલીસીમાં ફેરફાર કરવામાં આવ્યો તેને લઈને દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનિષ સિસોદીયા ઉપર પણ સવાલ ઉઠાવવામાં આવ્યા છે. રિપોર્ટમાં એમ પણ કહેવાયું છે કે દિલ્હી સરકારે કોરોનાના નામ પર દારૂના ઠેકેદારોને પક્ષપાતપૂર્ણ રીતે ૧૪૪ કરોડ રૂપિયાની છૂટ આપી અને તેનાથી દિલ્હીના રાજસ્વને નુકસાન થયું. દિલ્હી સરકાર નવી પોલીસીને કોરોનાની ડેલ્ટા લહેર વચ્ચે લઈને આવી હતી. જેને ૧૪ એપ્રિલ ૨૦૨૧ અને પછી ૨૧ મે ૨૦૨૧ના રોજ કેબિનેટ બેઠકમાં મંજૂરી આપવામાં આવી.
એલજી ઓફિસ તરફથી અપાયેલી જાણકારી મુજબ મુખ્ય સચિવના રિપોર્ટમાં કહેવાયું છે કે ખાનગી દારૂ વેપારીઓને ફાયદો પહોંચાડવાના ઉદ્દેશ્યથી સરકારે આ ર્નિણય લીધો, જેના બદલે સરકારમાં સર્વોચ્ચ સ્તરના લોકોને આર્થિક લાભ આપવામાં આવ્યો. એલજી ઓફિસથી અપાયેલી જાણકારીમાં કહેવાયું છે કે જ્યારે પ્રવાસી કમાણી બંધ થવાના કારણે શહેર છોડી રહ્યા હતા, સ્ટ્રીટ વેન્ડર્સની સામે આજીવિકાનું સંકટ હતું, ઢાબા, રેસ્ટોરન્ટ, હોટલ, જીમ, સ્કૂલ અને બીજા કારોબાર બંધ થઈ રહ્યા હતા, મનિષ સિસોદીયા હેઠળ આવતા એક્સાઈઝ ડિપાર્ટમેન્ટે કોરોના મહામારીના નામ પર લાઈસન્સ ફી તરીકે ૧૪૪.૩૬ કરોડ રૂપિયાની છૂટ આપી. એલજી ઓફિસની નોટમાં આગળ કહેવાયું છે કે વેપારીઓ, નોકરશાહો અને દિલ્હીના ઉપમુખ્યમંત્રીની વચ્ચે ગઠજાેડ હતું.
દારૂના લાઈસન્સધારીઓને ફાયદો પહોંચાડવા માટે નિર્ધારિત પ્રક્રિયા અને નિયમોનો ભંગ કરાયો. અરવિંદ કેજરીવાલના રાજનીતિક સંરક્ષણ હેઠળ આબકારી વિભાગ સંભાળનારા મનિષ સિસોદીયાના સ્તરે આ ર્નિણય લેવાયો. દિલ્હીના એલજીના આદેશ બાદ આમ આદમી પાર્ટીના નેતા સૌરભ ભારદ્વાજે પ્રેસ કોન્ફન્સ કરીને પ્રતિક્રિયા આપી. કહ્યું કે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પ્રતિષ્ઠા અને લોકપ્રિયતા દેશભરમાં વધી રહી છે. અમે પહેલા પણ કહ્યું હતું કે પંજાબની જીત બાદ ભાજપની કેન્દ્ર સરકાર અમારાથી ડરેલી છે. આથી આવનારા દિવસોમાં અમારી અનેક પ્રકારે તપાસ કરાવવામાં આવશે.
Recent Comments