રાજકોટ મહાનગરપાલિકાની મિલકત વેરાની વસૂલાત ખૂબ જ ઓછી રહી છે અને આ કારણે મનપાનું માગણું ૯૦૦ કરોડની આસપાસ છે આ દરમિયાન કોરોનાને એક વર્ષમાં આવક ખૂબ જ ઓછી રહી હતી પણ હવે આવક વધારવા માટે વેરા વસૂલાત શાખાએ આકરી વસૂલાતના ભાગરૂપે સીલિંગ તેમજ મિલકત જપ્તીની નોટિસની કાર્યવાહી કરી છે અને આ નાણાકીય વર્ષ પૂરું થતા પહેલા ૪૦૦૦ કરતા વધુ મિલકતોને જપ્તીની કાર્યવાહીમાં લવાશે.
ચાલુ નાણાકીય વર્ષમાં વેરા વસૂલાત શાખાને ૩૦૦ કરોડનો લક્ષ્યાંક અપાયો હતો તેમાંથી મોટાભાગની રકમ લોકોએ સ્વયંભૂ ભરી આપી છે ત્યારબાદ જે બાકીદારો છે તેને વેરા વસૂલાત શાખાની રિકવરી સેલે શોધવાની કામગીરી કરી હતી અને વેરો ન ભરનાર ૪૨૮ મિલકતને સીલ કરવાની તેમજ ૩૯૭૮ મિલકતને ટાંચ જપ્તીની નોટિસ ફટકારી દીધી છે. હવે માર્ચના ૩૦ દિવસ વધ્યા છે પણ અત્યાર સુધીમાં ૨૨૩ કરોડની વસૂલાત થઈ છે,એટલે જ રજાઓમાં પણ કાર્યવાહી થઈ છે. આ ઉપરાંત ૧૦ મિલકતની હરાજી પણ રાખવામાં આવી હતી જેમાંથી ૪ માલિકે રકમ ભરી દીધી હતી તેમજ બાકીના કોઇ લેવાલ મળ્યા નથી.
હવે એક મહિનો જ બાકી રહ્યો છે તેથી પ્રથમ સપ્તાહમાં રિકવરી સેલ શક્ય તેટલા મિલકતધારકો સુધી પહોંચશે અને ૧૦૦૦થી વધુને ટાંચ જપ્તીની નોટિસ ફટકારાય તેવી શક્યતા છે. ત્યારબાદના સપ્તાહથી ટાંચ જપ્તીની નોટિસ અપાઈ છે તે તમામ પાસેથી ફરી ઉઘરાણી શરૂ કરાશે અને જાે તેમાંથી કોઇ વેરા ભરવામાં નિષ્ફળ જશે તો નવા નાણાકીય વર્ષમાં આ તમામ મિલકતોની હરાજી કરી વસૂલાત કરવામાં આવશે. મનપા પાસે વ્યવસાયિક મિલકતોને જ સીલ મારવાની સત્તા છે. રહેણાક મકાન પર સીલ મારી શકાતા નથી જાેકે ટાંચ જપ્તીની કાર્યવાહીમાં આવો કોઈ નિયમ નથી. આ કારણે ૪૨૫ ઘરને ટાંચ જપ્તીની નોટિસ ફટકારાઈ છે. જાેકે આ મામલે વેરા વસૂલાત શાખાએ જણાવ્યું છે કે એવા મકાનો કે જેમણે ૧૦-૧૦ વર્ષથી વેરા નથી ભર્યા તેમને નોટિસ અપાઈ રહી છે અને નોટિસ સાથે જણાવાય છે કે રહેણાક મકાનનો વેરો ઓછો હોય છે તેથી નિયમિત ભરવો જાેઇએ.
Recent Comments