અમરેલી સખી વન સ્ટોપ સેન્ટર મહિલાઓની સતત પડખે રહી અનોખા સેવા કાર્યને વરેલું છે. એક મહિલાને ગૃહ કંકાસમાંથી ઉગારવાની સાથે તેનો સંસાર પણ અમરેલી સખી વન સ્ટોપ સેન્ટરે બચાવ્યો છે, ગર્ભવતી અને હિંસાગ્રસ્તસ્થિતિમાં હતી તેવી મહિલાને બે પુત્રો સાથે છોડીને ગયેલા પતિ સાથે આ પરિવારનું સુ:ખદ મિલન કરાવવામાં સફળતા મળી છે.
ગર્ભવતી મહિલાના પતિ તેમને અને તેમના બે બાળકો સાથે તેમને એકલા મૂકી નાસી ગયા હતા, આ હિંસાગ્રસ્ત મહિલા તેના બે પુત્રો સાથે લગભગ દોઢ-બે મહિનાથી વિકાસગૃહ ખાતે આશ્રય મેળવી રહેતા હતા.
હિંસાગ્રસ્ત મહિલાને નવ માસનો ગર્ભ હોય તેમને તાત્કાલિક તબીબી સારવારની જરુર હતી, ઉપરાંત આ મહિલાને લોહીની ટકાવારી ૬.૮% હોવાથી સગર્ભા મહિલાની આરોગ્યલક્ષી પરિસ્થિતિ જોખમી બની હતી. ત્યારે સખી વન સ્ટોપ સેન્ટરના કર્મચારીઓ દ્વારા આ મહિલાને તેના બાળકો સાથે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા, તેમજ તાત્કાલિક સારવાર શરુ કરાવવાની સાથે તુરંત લોહીની બોટલની વ્યવસ્થા કરીને લોહી ચડાવવામાં આવ્યું હતું.
હિંસાગ્રસ્ત મહિલાના પતિની જાણકારી મળતાંની સાથે સખી વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક શ્રી રત્નાબેન ગોસ્વામી દ્વારા સીટી પોલીસ સ્ટેશનમાંથી પોલીસની સહાય મેળવી આ મહિલાના પતિને શોધવા વાડી વિસ્તારમાં નીકળી ગયા હતા. અલગ-અલગ વાડી વિસ્તારમાં તપાસ કરતા અંતે એક વાડીમાંથી મહિલાના પતિ અને તેમનો મોટો પુત્ર મળી આવ્યાં હતા. તે બંનેને સિવિલમાં આ મહિલા સુધી લાવવામાં આવ્યાં હતા. પરંતુ પતિ હિંસાગ્રસ્ત મહિલાની જવાબદારી લેવાની ના પાડતા હોય, “સખી” વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક શ્રી રત્નાબેન ગોસ્વામી દ્વારા તેમનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું અને તેમને પરિવારની મહત્તા વિશે સમજાવવામાં આવ્યા હતા. અંતે હિંસાગ્રસ્ત મહિલાના પતિ આ મહિલા અને તેમના બાળકોની જવાબદારી લેવા તૈયાર થયા હતા.
હિંસાગ્રસ્ત મહિલાને બે દિવસ સુધી લોહીની બોટલ ચડાવાવાથી તબિયતમાં સુધારો થતાં ત્રીજા દિવસે હોસ્પિટલમાથી રજા આપવામાં આવી હતી. હોસ્પિટલમાંથી રજા થયા બાદ હિંસાગ્રસ્ત મહિલા અને તેના પતિને સેન્ટર પર બોલાવીને હિંસાગ્રસ્ત મહિલાની તેમજ બાળકોની તમામ જવાબદારી લેવાનું તેમના પતિ દ્વારા લેખિત લખાણ કર્યા બાદ મહિલાને તેમના પતિને સોંપવામાં આવ્યાં હતા. પતિ –પત્નીએ અમરેલી સખી વન સ્ટોપ સેન્ટરનો આભાર વ્યક્ત કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર પુરસ્કૃત – મહિલા અને બાળ વિકાસ વિભાગ – ગાંધીનગર દ્વારા સંચાલિત “સખી” વન સ્ટોપ સેન્ટર – અમરેલી, જિલ્લા મહીલા અને બાળ અધિકારીશ્રી, તેમજ દહેજ પ્રતિ બંધક અધિકારી સહ રક્ષણ અધિકારીશ્રીના માર્ગદર્શન નીચે અમરેલી – સિવિલ હોસ્પિટલ ખાતે છેલ્લા ૭ વર્ષથી 24*7 કાર્યરત છે.
હિંસાથી પીડિત મહિલાઓને પોલીસ તથા કાનૂની મદદ, તબીબી સહાય, હંગામી ધોરણે આશ્રય તેમજ સામાજિક પરામર્શ તેમજ કાયદાકીય મદદ જેવી વિવિધ સેવાઓ અને મદદ પૂરી પાડવામાં આવે છે.
અત્યાર સુધીમાં હિંસાથી પીડિત ૧,૫૦૭ જેટલી બહેનોને મદદ આપવામાં આવી છે. અમરેલી જિલ્લામાં કોઈપણ ખૂણે હોય અને અડધી રાત્રે પણ જરુર હોય તેવી મહિલાઓ ૧૮૧ હેલ્પલાઈન દ્વારા સખી વન સ્ટોપ સેન્ટર પર આવીને મદદ મેળવી શકે છે.


















Recent Comments