fbpx
અમરેલી

અમરેલી જિલ્લાના ખેડૂતોએ લીધેલ પાક ધીરાણને ‘નવુ જૂનુ’ કરવા માટે સમગ્ર દેશને રાહ ચીંધી શકે તેવી ૧ કરોડના રીવોલ્વીંગ ફંડ સાથે અભૂતપૂર્વ યોજના

કોરોનાના સંક્રમણે માત્ર ભારત જ નહીં પરંતુ, સમગ્ર વિશ્વના અર્થતંત્રને હચમચાવી મુકયુ છે. ઉદ્યોગપતિથી લઈ રોજનું કમાઈને ખાતા મજુર સુધીના વર્ગની હાલત દયનીય બની ચુકી છે. વેપારી તથા મઘ્યમવર્ગ ‘ના કહેવાય અને ના સહેવાય’ની સ્થિતિમાં મુકાઈ ગયો છે.

ઘણાં ખેડૂતો માટે બે-ત્રણ દિવસ માટે પણ આ ધીરાણ ‘જુનુ-નવું’ કરવું ખુબજ મુશ્કેલ હોય છે. ઘણી વખત આ માટે ખેડૂતો બીજા પાસેથી ટુંકી મુદત માટે ‘પઠાણી વ્યાજ’ ભરી પૈસા લઈને પાક ધીરાણને ‘નવું’ કરાવે છે. ઘણી વખત ખેડૂતોને પોતાના ઉત્પાદનો નીચા ભાવ હોય તો પણ વેચી દેવાની ફરજ પડે છે. આમ ‘પાક ધીરાણને’ નવું જુનું કરવામાં કેટલાંય ખેડૂતોને કાંતો ઉચું વ્યાજ ભરવું પડે છે અને કાંતો પોતાના પાક પુરતાં ભાવો ન હોય તો પણ બજાર ભાવે વેચવાની ફરજ પડે છે.

‘આવા ખેડુતોની પડખે આપણે ઉભું રહેવુ જોઈએ. જો સુખી અને સાધન સંપન્ન લોકો આગળ આવી એક ફંડ ઉભું કરે તો આ ફંડમાંથી ખેડુતોનું ધીરાણ જુનું નવું થઈ શકવું અશકય નથી.’ આવો વિચાર ડો. ભરત કાનાબારે માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન શ્રી પી. પી. સોજીત્રા પાસે મુકતાં તેમણે આ વિચારને અમલમાં મુકવા એક યોજના ઘડી કાઢી. શરૂઆતમાં આ માટે ૧ કરોડનું રીવોલ્વીંગ ફંડ ઉભું કરવાની યોજના બનાવી. આ વિચાર અને બનાવેલ યોજના માટે કેન્દ્રીય કૃષિમંત્રીશ્રી રૂપાલા સાહેબ સાથે ડો. કાનાબારે ટેલીફોન પર ચર્ચા કરી તેમનું માર્ગદર્શન લીધુ. આ કામ સુપેરે પાર પાડવા જીલ્લાના ૭૦% ખેડુતોએ જયાંથી ધીરાણ લીધું છે તે મઘ્યસ્થ સહકારી બેંકના તંત્રના સંપૂર્ણ સહકારની જરૂર પડે. આ માટે ડો. ભરત કાનાબારે અને પી. પી. સોજીત્રાએ જીલ્લા બેન્કના ચેરમેન દિલીપભાઈ સંઘાણી સાથે મીટીંગ કરી. દિલીપભાઈએ આ વિચાર માટે ડો. કાનાબાર અને પી. પી. સોજીત્રાને અભિનંદન આપ્યા અને આ કાર્ય ઝડપથી ચાલે તે માટે જીલ્લા બેન્કના સંપૂર્ણ સહકારની ખાત્રી તો આપી પણ સાથે સાથે પોતાના તરફથી વ્યકિતગત રીતે આ ફંડમાં પોતાના ૧૦ લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી.

આમ, અમરેલી જીલ્લાના ખેડૂતોના પાક ધીરાણને સુલટાવવા સમગ્ર દેશને રાહ ચીંધી શકે તેવી એક અભૂતપૂર્વ યોજના બની છે. આ માટે ડો. કાનાબાર અને પી. પી. સોજીત્રા દ્વારા ૧ કરોડનું રીવોલ્વીંગ ફંડ ઉભું કરવાનું નકકી કરેલ છે.

આ યોજનાને અમલમાં મુકવા આગામી તા. ૪ જુનના ગુરૂવારે અમરેલી અને કુંકાવાવ તાલુકાની સહકારી મંડળીઓના પ્રમુખ-મંત્રીઓની એક મિટીંગ સવારે ૧૦ કલાકે એન્જલ હોટેલમાં રાખેલ છે.

Follow Me:

Related Posts