fbpx
અમરેલી

બાબાપુર ખાતે હજારો બાળકોની પાલક માતા કુ. મંદાકીનીબહેનનાં જન્‍મદિવસની ઉજવણી

અશિક્ષિત પ્રજા અનેખાસ કરીને મહિલાઓને સારુ શિક્ષણ મળી રહે અને મહિલાઓ પણ પુરુષ સમોવડી બની રહે એવા ઉમદા હેતુથી દેશ આઝાદ થયો કે તુરતજ આઝાદીના લડવૈયા તેમજ આરઝી હકુમતના સેનાપતિ પૂ. સ્‍વ. ગુણવંતદાદા પુરોહિત તથા પૂ. સ્‍વ. હસુમતિબા પુરોહિત દ્વારા સંપૂર્ણપણે ગાંધીવાદી વિચારસરણીને વધુ પ્રબળ બનાવવાના એક માત્ર હેતુથી બાબાપુર ગામે સર્વોદય આશ્રમની સ્‍થાપના કરવામાં આવી હતી. સંસ્‍થામાં અનેક પ્રકારના રોજગારલક્ષી કાર્યક્રમો ચાલતા હતા જે આજે પણ ચાલે છે. આઝાદી પછી સમાજમાં ખાસ કરીને મહિલાઓમાં શિક્ષણનું પ્રમાણ ખૂબજ ઓછું હતું. આ વાતને લઈને સ્‍વ.પૂ. હસુમતિબાને વિચાર આવ્‍યો કે સમાજમાં કન્‍યાકેળવણી ખૂબજ જરુરી છે. કન્‍યાઓનું સશક્‍તિતકરણ કરવું હશે તો કન્‍યાઓને સારું શિક્ષણ મળે તે અત્‍યંત જરુરી છે. તેમના આવા ઉમદા વિચારને કારણે બાબાપુર આશ્રમ ખાતે કન્‍યાકેળવણીનો મજબુત પાયો નંખાયો. બાલમંદિર, પ્રાથમિક શાળાથી શરુઆત કરીને માઘ્‍યમિક શાળા સુધીનું શિક્ષણ સંસ્‍થામાં શરુ કરાયું. ત્‍યાર બાદ સમાજને ઉત્તમ શિક્ષકો મળી રહે તે માટે મહિલા અઘ્‍યાપન મંદિરની પણ સ્‍થાપના કરવા માં આવી. આમ સ્‍વ. ગુણવંતદાદા તથા સ્‍વ. હસુમતિબાએ તેમના કાર્યકાળમાં હજારો કન્‍યાઓ, મહિલાઓને શિક્ષણ આપીને તેમને શિક્ષણ સાથે રોજગાર આપવાનું ભગીરથ કાર્ય કર્યું. આજેતેઓ બન્નેના આશીર્વાદથી સંસ્‍થા દ્વારા લગભગ 16 જેટલી માઘ્‍યમિક અને ઉચ્‍ચતર માઘ્‍યમિક શાળાઓ ગામડાઓમાં ચાલે છે. શ્રી સર્વોદય સરસ્‍વતી મંદિર તથા શ્રી જાળિયા શૈક્ષણિક સંઘ દ્વારા ચાલતી આ સંસ્‍થાઓ દ્વારા લાખોની સંખ્‍યામાં ગરીબ, પછાત તથા સમાજના તમામ વર્ગના બાળકોએ આ સંસ્‍થા નીચે ચાલતી શાળાઓમાં વિનામૂલ્‍યે શિક્ષણ મેળવીને સર્વોદયના સંસ્‍કારોનું સિંચન કર્યું છે તેમજ રોજગાર મેળવીને પગભર થયા છે. પૂ. ગુણવંતદાદા અને પૂ. હસુમતિબાના દેહાવસાન પછી તેમના પુત્રી કુ. મંદાકિનીબહેન પુરોહિતે આસંસ્‍થાઓ દ્વારા ચાલતી તમામ પ્રવૃત્તિઓ પૂ. દાદા અને બાના સપનાઓને પરિપૂર્ણ કરવા અને તેમના ઘ્‍યેયને પાર પાડવા માટે આજે પણ ધમધમતી રાખી છે. મીનીબેનના લાડકા નામથી સહુકોઈના પરિચિત કુ. મંદાકિનીબહેન હાલ સંસ્‍થાના નિયામક છે અને તેમના ઉત્તમ માર્ગદર્શનથી તમામ શૈક્ષણિક સંસ્‍થાઓ માત્ર સેવાભાવથી ચાલે છે. તેઓ ઉચ્‍ચ શૈક્ષણિક લાયકાત તો ધરાવે જ છે સાથે પૂ. દાદા અને બા દ્વારા અપાયેલા ઉચ્‍ચ સંસ્‍કારો તથા ગાંધીવાદી વિચારસરણીનું મોટું ભાથું પણ ધરાવે છે. તેઓના ભાઈ તથા મામા-માસી, સંબંધીઓ તમામ હાલ અમેરિકામાં સ્‍થાયી થયા છે. તેમના કુટુંબ પરિવાર તરફથી પણ મીનીબેનને અમેરિકા આવી જવાનું કહેણ અને સાથે જિદ પણ કરવામા આવી હતી છતાં પણમીનીબહેને એ જાકમજાળ જીંદગી જીવવા કરતા પૂ. દાદા અને બાએ શરુ કરેલી સમાજ સેવાની પ્રવૃત્તિને પ્રાધાન્‍ય આપી ને સંસ્‍થાને જ સંભાળવાનો નિર્ણય કરીને વર્તમાન સમયમાં સમાજને એક મોટો મેસેજ આપવાનું કાર્ય કર્યું છે. આજીવન અપરણિત રહેવાનું પ્રણ લઈને સંસ્‍થામાં જ બાલઘરની સ્‍થાપના કરીને હજારો માતા-પિતા વિહોણા બાળકોની પાલક માં બનીને સમાજને એક ઉત્તમ પ્રકારનું ઉદાહરણ પૂરું પાડયું છે. બાલઘરની અનેક દિકરીયુને સારા ઠેકાણા ગોતીને તેમના ધામધૂમથી લગ્ન કરાવીને આજ સુધી તમામ દિકરીયુના પિયર તરીકેની જવાબદારી પણ તેઓ નિભાવે છે. પૂ. ગુણવંતદાદા અને પૂ. હસુમતિબાના સંસ્‍કારોથી તેમણે સંસ્‍થાને ઉજાળી છે. તેમના ત્‍યાગ અને બલિદાન ઉપર જેટલું લખીએ એટલું ઓછું પડે.આજે તેમનો જન્‍મદિવસ હતો પરંતુ કોરોના વાઈરસને કારણે શૈક્ષણિક કાર્ય બંધ હોવાથી જન્‍મદિવસની ઉજવણી સાદાઇથી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓની ગેર હાજરીથી જન્‍મદિવસે યોજાતી એક અલગ પ્રકારની શૈક્ષણિક પ્રવૃત્તિઓનો ખાલીપો આજે જણાયો પરંતુ સંસ્‍થામાં શિક્ષણ મેળવીને ગયેલા હજારો વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓના ફોન કોલ તથા સોસિયલ મિડીયાના માઘ્‍યમથી શુભેચ્‍છા સંદેશાઓનો પ્રવાહ અવિરત ચાલુ હતો. સંસ્‍થા સાથે જોડાયેલા અનેક લેખકો, પત્રકારો, શિક્ષણવિદો તથા રાજકીય, સામાજિકમહાનુભાવોએ પણ ટેલીફોનીક સંદેશાઓ સાથે મીનીબેનને શુભકામનાઓ પાઠવી હતી. ડો. જીવરાજ મહેતા સ્‍મારક ટ્રસ્‍ટના મેનેજીગ ટ્રસ્‍ટી તથા સંસ્‍થા સાથે પારિવારીક જોડાયેલા મોટાભાઈ સંવટ, સંસ્‍થાના સલાહકાર નિતિનભાઈ બોરાણીયા, અઘ્‍યાપન મંદિરના પ્રિન્‍સિપાલ નસીમબહેન સંવટ, એલ.આઈ.સી. ઓફીસર આરીફભાઈ મકવા તથા સંસ્‍થાના તમામ સ્‍ટાફ દ્વારા રુબરુ મળીને શુભકામનાઓ આપી હતી.

Follow Me:

Related Posts