fbpx
અમરેલી

જીતુભાઈ તળાવીયાની અણધારી વિદાયથી અમરેલીના સામાજીક જીવન અને ભાવ જગતને મોટી ખોટ પડી છે . ડો ભરત કાનાબાર

માત્ર અમરેલી જીલ્લામાં જ નહીં પણ સમગ્ર ગુજરાતમાં જીતુભાઈના મિત્રો અને ચાહકોનો ખુબજ વિશાળ સમુદાય છે જે બધા પોતાના અંગત સ્વજન ગુમાવ્યાં હોય તેવો અહેસાસ કરી રહયા છે . આયુર્વેદ , પ્રકૃતિ , પર્યાવરણ , સાહિત્ય , સંગીત , આધ્યાત્મ એવા અનેક વિષયોમાં નિષ્ણાંતો જેટલું જ્ઞાન , સમજ અને નિપુણતા ધરાવનાર જીતુભાઈ બહુ – આયામી વ્યકિતત્વ ધરાવતાં હતાં . ૨૦૨૦ નું વર્ષ સમગ્ર વિશ્વ અને માનવજાત માટે ખુબજ કપરૂં પુરવાર થઈ રહ્યું છે જેમાંથી અમરેલી પણ બાકાત રહયું નથી . લોકોમાં વાંચનનો શોખ જીવતો રહે તે માટે અનેક પુસ્તક – પરબ ” માટે પોતાની સંપતિને ઉદારતાથી વહાવનાર અમરેલી જીલ્લાના પ્રતાપદાદા પંડયા , ત્યાર પછી સહૃદયી સાહિત્યપ્રેમી અને સેવાભાવી કાન – નાક ગળાના સર્જન ડો . હિતેષભાઈ શાહ અને હવે અમરેલીના સામાજીક જીવનને જીતુભાઈ તળાવીયાની વિદાયથી ટૂંકા સમયમાં ત્રીજો ફટકો પડયો છે . માત્ર અમરેલી જીલ્લામાં જ નહીં પણ સૌરાષ્ટ્ર અને સમગ્ર ગુજરાતમાં પથરાયેલા જીતુભાઈના અસંખ્ય મિત્રો અને ચાહકો માટે આ કારમો આઘાત છે . જીતુભાઈની પર્યાવરણની ઓફિસ કહો કે જૂના નામે ઓળખાતું ” અપના બજાર ” કહો , હંમેશા ત્યાં આયુર્વેદ , પર્યાવરણ અને સાહિત્યના પ્રેમીઓનો ડાયરો જામેલો જ હોય . સવારે પોતાનું કાર્યાલયે પહોંચે જે વા વગડા લગી વાયુ લઈ જાય તે જોતજોતામાં સભા થઈ જાય . એ સભા પછી આખો દિવસ ચાલે . સભાજનો બદલાતાં જાય . છેક સંધ્યાની ઝાલર પછી પણ સભા તો ખરી . પરમ સાંસ્કૃતિક સાહિત્યક અને પ્રાકૃતિક વાતોના દરિયા ઉછળે . આ સભામાં દિગ્ગજો પણ હોય પણ બધા સમકક્ષ . કદી પણ પંકિત ભેદ નહીં . ” અલખના ઓટલા ‘ જેવી જીતુભાઈની ઓફિસમાં કોઈપણ રચનાત્મક પ્રવૃત્તિ કરતી અજાણી વ્યકિતને પણ મીઠો આવકાર અને આગતા સ્વાગતા મળે , સાથે સાથે જીતુભાઈનું ઉપયોગી માર્ગદર્શન પણ ખરૂં . અનેક સાહિત્ય સર્જકોને એમણે માત્ર પ્રોત્સાહિત જ કર્યા નથી પણ એમની અનેકવિધ પ્રવૃત્તિમાં તેમને સાંકળી એમને પ્લેટફોર્મ આપી આવી પ્રતિભાઓનું જતન કરવાનું કામ પણ એમણે ખુબજ જતનપૂર્વક કર્યું રમેશ પારેખ , હર્ષદભાઈ ચંદારાણા , સંજુ વાળા , અરવિંદ ભટ્ટ , ભરત વિંઝુડા , પ્રણવ પંડયા , સ્નેહી પરમાર , રોહીત જીવાણી જેવી અનેક કવિ પ્રતિભાઓ પુરી રીતે પાંગરી તેમાં તેમનું અમૂલ્ય યોગદાન રહેલું છે . એજ રીતે સંગીત ક્ષેત્રે સિકંદરખાન પઠાણ , બગસરાના વિનુભાઈ ભરખડા જેવા ગાયકો માટે પર્યાવરણની ઓફિસ પહેલું સ્ટેજ બનેલ . ગુજરાતી પત્રકારત્વ અને સાહિત્ય ક્ષેત્રે પોતાની હાક જમાવનાર દિલીપ ભટ્ટનો પરિચય પણ મને તેમના દ્વારા પર્યાવરણની ઓફિસમાં જ થયેલ . મંગળુભાઈ ખુમાણ ,મનુભાઈ ધાખડા , બીપીનભાઈ જોષી , તખુભાઈ સાંડસુર , ઉકાભાઈ કીકાણી , જગદીશભાઈ માધવાણી જેવા સહૃદયી મિત્રોનો મને ઘનિષ્ઠ પરિચય મળ્યો તે માટે જીતુભાઈ કડી બન્યા હતાં . જીતુભાઈ વાતે ચડે ત્યારે તાકાને તાકા ખુલતાં જાય . ભગવાન ધનવન્તરીનો પ્રકૃતિ દરબાર નામે એમણે ત્રિદીવસીય જ્ઞાન સત્રની એક વાર્ષિક શ્રેણી ઘણાં વરસો સુધી આપીને અનેક લોકોને વિનામૂલ્ય જ્ઞાન અને આનંદનો અનુભવ કરાવ્યો છે . તેમની સાહિત્ય સભાઓ , સંગીત જલ્સાઓ અને ” ધવંતરી દરબાર ” જેવા અનેક આયોજનોને અને તેમના કારણે માણવાનાં જે મોકા મળેલ તેને હું મારાં મનજગત માટેનું અમૂલ્ય ભાથું ગણું છું . આયુર્વેદ અને પ્રકૃતિવિષયક અનેક પુસ્તકો તેમણે લખ્યા અને આ પુસ્તકો પ્રકાશિત કરવાનું ખુબજ મોટું કામ તેમના દ્વારા થયેલ છે . આપણાં બાળકો અને નવી પેઢીને વિલુપ્ત થઈ રહેલ પંખી જગતનો પરિચય આપતાં તેમના સચિત્ર ગ્રંથો ” એનસાયકલો પીડીયા ” કક્ષાના છે . કારણ વગર દુખી થતાં કે કાયમ રોદણાં રોતા લોકો વચ્ચે અકારણ ખડખડાટ હસતાં રહેતાં જીતુભાઈ નવી તાજગી અને ઉત્સાહ ભરી દેતાં . તેમની કાયમ હસતાં રહેવાની ટેવ એવી કે હું કહેતો કે , ” જીતુભાઈ , તમારાં જેટલું હસવા માટે સામાન્ય માણસને ૫-૬ જીંદગી પણ ટુંકી પડે ! ” પુસ્તકો વાંચવા , પુસ્તકો પ્રકાશિત કરવા અને પુસ્તકો સ્નેહી – મિત્રોને ભેટ આપતા રહેવા – આ બધી એમની મનભાવતી પ્રવૃત્તિ હતી . એમની લેખન શૈલી ” દેહાણ ” અને ” ગામઠી ” તો ખરી પણ એમાં જે કાઠીયાવાડની ગ્રામ્ય સંસ્કૃતિ ધબકે છે એ આપણને મેઘાણી , જયમલ્લ પરમાર જેવા લોક સાહિત્યના મોટા ગજાના લેખકોની યાદ આપે . લોકડાઉન દરમ્યાન તેમણે સામાજીક પ્રવાહો તેમજ પોતાનાં સ્નેહી મિત્રો અને શુભેચ્છકો વિશે પણ જે ” બળુકી ‘ ભાષામાં લેખન કરેલ તેના બે સંગ્રહો – ” મોજ -૧ અને મોજ – ર ” હમણાંજ પ્રસિધ્ધ થયાં છે . એમની પ્રતિભાનો મહતું ગુણવિશેષ તેમની જાનપદી ગુજરાતી બાની . જે એમની પાસે હતું એ તો આજે કોઈ સમકાલીનોમાં નથી . દેશ્ય ગુજરાતી લાવણ્ય અને એની માલિપા વાક છટાના અપારરંગી કાક , લહેકા , છણકા , રાગ , અનુરાગ , વૈરાગ અને એક પછી એક ઘા . ઓહોહોહો …… . બોલે કે લખે પણ તાનમાં હોય તો રમત રમતમાં ગરવી ગુજરાતીનો આખો રૂદ્ર મહાલય ઉભો કરી દે . અતિશ્યોકિત લાગે એનું કારણ એ છે કે આવા જીતવાના વિદ્યાધરોનું મૂલ્યાંકન અને આદર કરવાની વ્યવસ્થા જ આપણે ગુમાવી દીધી છે . આધ્યાત્મિક ક્ષેત્રે એમની સમજ અને ચિંતન પણ ખુબજ ઉડાણ ભરેલા . સાવરકુંડલાના કબીર આશ્રમથી લઈ અનેકવિધ સામાજીક સંસ્થાઓ અને અભિયાનો સાથે જોડાયેલા રહેતાં . પર્યાવરણ અને પ્રકૃતિનો વિદ્યાર્થી કાળથી નવી પેઢીને પરિચય થાય તે માટે પર્યાવરણ અંગેની પરીક્ષાઓ શરૂ કરેલ અને વર્ષો સુધી ગુજરાત ભરમાં પથરાયેલ સેંકડો શાળાઓના લાખો વિદ્યાર્થીઓ સુધી આ જ્ઞાનગંગા પહોંચાડવાનું ભગીરથ કામ તેમણે બખૂબી નિભાવેલું . એમનાં ધનવન્તરિ દરબારોમાં આયુર્વેદ અને પ્રકૃતિવિદ લોકોનો મેળો જામતો જેનો લાભ મારાં જેવા તેમનાં અસંખ્ય મિત્રોને મળ્યો છે .રાજકીય રીતે ભાજપ સાથે જોડાયેલ જીતુભાઈ તળાવીયા , અમરેલી જીલ્લા ભાજપના જુજ આગેવાનો પૈકીના એક હતા જેમણે ૧૯૮૦ માં મુંબઈમાં ચોપાટી મેદાન પર અટલજીના અધ્યક્ષપદે યોજાયેલ ભાજપના સ્થાપના સંમેલનમાં ભાગ લીધો હોય . સાવરકુંડલા ધારાસભાની ચુંટણી લડવાની તેમને ભાજપ તરફથી ટીકીટ પણ મળેલ અને એ રીતે ભાજપના વર્તમાન રૂપાલા સાહેબ અને દીલીપભાઈ સંઘાણીના પણ તેઓ સીનીયર હતાં . જીતુભાઈનું ” અપના બઝાર ” વર્ષો સુધી રૂપાલા સાહેબની બેઠકનું પ્રિય સ્થળ હતું . તે અને અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયા એક જ ગામના . રાજકારણમાં છબછબિયાં કરે , અને ચુંટણી વખતે ભાજપના ઉમેદવારોની સભામાં ભાષણો પણ કરે પણ જેવી ચુંટણીઓ પતે એટલે ફરી પોતાની પર્યાવરણની ગુફામાં .. … . સક્રિય રહયા હોત તો ભાજપના સંગઠ્ઠન કે ચુંટાયેલી પાંખમાં ઉચા હોદ્દા પર હોત પણ મુળ તેમનો જીવ પ્રકૃતિ અને પર્યાવરણમાં આયુર્વેદનું જ્ઞાન તેમના પિતાશ્રી અને પ્રખ્યાત વૈદ્ય શામજીબાપા પાસેથી વારસામાં મળેલ . ” હરડે ” ના પ્રચાર માટે ગામડાઓમાં પદયાત્રા કરી . ભારતવર્ષમાં આયુર્વેદની કોઈ ઔષધિ માટે આવી યાત્રા કદાચ કોઈએ નહી કરી હોય . નદીઓ , પર્વતો , વૃક્ષો અને પંખીઓ એમના હૈયે આખોદી ઉડાઉડ કરે . તેમનો પ્રકૃતિપ્રેમ ગજબ . વારંવાર વન – વગડામાં ભ્રમણ કરવા નીકળી પડતાં . પહાડો – નદીઓ અને વૃક્ષો વચ્ચે કલાકો સુધી એકલાં બેસી રહેવું તેમનો શોખ . હજી મનમાં એમ થાય છે કે , જીતુભાઈ આવાજ કોઈ વન – વગડામાં ફરવા નીકળી પડ્યા છે અને પાછા આવી ફોન કરશે અને મોબાઈલમાં તેમના પરિચિત ખડખડાટ મુકત હાસ્ય સાથે કહેશે , ” કેમ છોડાકટર સાહેબ ! “

Follow Me:

Related Posts