અંતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં રાજીનામાની માંગ શરૂ

સત્તાનાં ઉન્માદમાં વધારે પડતી રાજકીય મહત્વકાંક્ષાઓ પુરી કરવાની ઘેલછામાં દેશના નાગરિકોની જીંદગીનું રક્ષણ કરવાની જવાબદારી નિભાવવામાં સંપૂર્ણપણે નિષ્ફળ નિવડેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની જનતાની સહન શકિતનો અંત આવે તે પેહલા દેશના વિશાળ હિતમાં વહેલામાં વહેલીતકે નૈતિક જવાબદારી સ્વીકારી વડાપ્રધાનપદેથી રાજીનામું આપી દેવું જોઈએ તેમ ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે આજરોજ અત્રે એક નિવેદનમાં જણાવ્યું છે.
વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે સત્તાના ઉન્માદમાં વધારે પડતી રાજકીય મહત્વકાંક્ષાઓ પુરી કરવા ગમે તે ભોગે પશ્ચિમ બંગાળની ચૂંટણી જીતવા છેલ્લા દોઢ-બે વર્ષથી મન બનાવ્યું હતું અને એટલે પશ્ચિમ બંગાળની ચૂંટણી જીતવાના નશામાં, દેશમાં કોરોના વાઈરસથી ઉભી થનાર સ્થિતિની ઐસી-તૈસી કરીનેલોકશાહી ઢબે ચૂંટાયેલ પશ્ચિમ બંગાળની લોકપ્રિય સરકારને કેન્દ્રીય સત્તાના માઘ્યમ ઘ્વારા ગવર્નરને હાથો બનાવી યેનકેન પ્રકારે હેરાન-પરેશાન કરવાનો કારસો રચી બિનજરૂરી લોહિયાળ સંઘર્ષ ઉભો કર્યો. જેમાં છેલ્લા દોઢ-બે વર્ષમાં પશ્ચિમ બંગાળમાં થયેલ રાજકીય હિંસામાં ઓછામાં ઓછા 300 લોકોએ જીવ ગુમાવવા પડયા છે તેની ખોટ મૃતકોનાં પરિવારજનોને કેટલી ભોગવવી પડતી હશે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગૃહ પ્રધાન અમિત શાહ કે ભાજપનાં રાષ્ટ્રીય અઘ્યક્ષ નડાને નહીં સમજાય. તેમને તો મૃતકોના નામે શ્રઘ્ધાંજલિઓના તાયફા કરી અને મગરના આંસુ સારી મતની ખેતી કરવામાં અને પશ્ચિમ બંગાળની સત્તા હસ્તગત કરવામાં રસ હતો પરંતુ દેશના સદનસીબેન તેમાં તેમની કારી ફાવી નથી.
વધુમાં એમ પણ જણાવ્યું કે, દેશના ખ્યાતનામ વૈજ્ઞાનિકોએ વર્ષ-ર0ર1માં કોરોનાની બીજી ખતરનાક લહેર આવશે એવો રીપોર્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અગાઉથી આપ્યો હતો તેની વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દેશના હિતમાં ગંભીરતાપૂર્વક નોંધ લેવાની અને કોરોના વાઈરસથી દેશને બચાવવાના ઉપાયો કરવાની જરૂર હતી તેને બદલે તેમણે પશ્ચિમ બંગાળ સહિત આસામ, કેરળ, તામિલનાડુ, પોંડુચેરીની ચૂંટણીઓને મહત્વ આપ્યું અને સાથોસાથ દેશમાં હિન્દુત્વની જડ મજબુત કરવાના રાજકીય દ્રષ્ટિકોણથી કુંભમેળાનુંબિન્દાસ્ત આયોજન ચાલું રાખ્યું. એટલું જ નહીં ઉત્તરપ્રદેશ અને ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ અટકાવવાના બદલે છુટો દોર આપ્યો. આ અને આવા તમામ પરિબળોને કારણે દેશના તમામ ભાગોમાં કોરોનાની બીજી લહેરે સુનામી જેવું ભયાનક અને વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ અને લાખ્ખો લોકો મોતને ભેટયા તેના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વધારે પડતી રાજકીય મહત્વકાંક્ષાઓ સંપૂર્ણપણે જવાબદાર છે તેનો તેમણે ખેલદિલીપૂર્વક સ્વીકાર કરવો જોઈએ અને નૈતિકતાના ધોરણે રાજીનામું આપી દેવું જોઈએ તેમ અંતમાં જણાવેલ છે.
Recent Comments