સાવરકુંડલાના નેસડીગામની વાડી વિસ્તારમાં સુતેલી 8 વર્ષની બાળકીને દીપડો ગળુ પકડી ઉઠાવી ગયો, પિતાની નજર સામે બાળકીએ દમ તોડ્યો

અમરેલી જિલ્લામાં ફરી દીપડાનો આતંક શરૂ થયો છે. સાવરકુંડલાના નેસડીગામમાં વાડી વિસ્તારમાં 8 વર્ષની બાળકી માતા-પિતા સાથે સુતી હતી. એ વખતે ત્યાં આવી ચડેલા દીપડાએ 8 વર્ષની માસુમ બાળકીને ગળેથી પકડીને ઉઠાવી ગયો હતો. બાળકીની બુમો સાંભળી પિતા દીપડાની પાછળ દોડ્યા હતાં પરંતુ ગંભીર ઇજાઓ થવાના કારણે પિતાની નજર સામે બાળકીએ દમ તોડ્યો હતો. આ ઘટનાથી પરિવારમાં શોક છવાયો હતો જ્યારે ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો છે અને દીપડાને વહેલી તકે પકડવા માગ કરી છે.
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર સાવરકુંડલા તાલુકા નેસડી ગામ નજીક ગોબરભાઈ દુધાતની વાડીમા ખેતી અગાસી વાળા મકાન પર માતા-પિતા સાથે 8 વર્ષની પાયલ કમલેશભાઈ દેવકા સૂતી હતી. મોડી રાતે દીપડો આવી ચડ્યો હતો અને અગાસી ઉપર ચડી 8 વર્ષની પાયલ નામની બાળકીનુ ગળુ પકડી ઉઠાવી હતો. બાળકીને 80 ફૂટ દૂર ઢસડી શિકાર કરવા માટે દીપડો લઈ જતો હતો એ સમયે બાળકીની રાડારાડ સાંભળી તેના પિતા જાગી ગયા હતા અને દીપડાની પાછળ દોડ્યા હતા. જોકે દીપડાએ ગળેથી બાળકીને પકડી હોવાથી ગંભીર ઇજાઓ થવાથી તેનું પિતાની નજર સામે જ મોત થયું હતું. દીપડાએ હુમલો કર્યો હોવાની જાણ થતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.
નેસડી ગામ અને આસપાસના વિસ્તારમા ફફડાટ ફેલાયો આ ઘટનાની જાણ થતા સાવરકુંડલા રેન્જ વનવિભાગની ટીમ દોડી ગઇ અને તપાસ હાથ ધરી દીપડાનું લોકેશન લેવા કવાયત હાથ ધરી છે. ભયના માહોલ વચ્ચે વનવિભાગ એ ઘટનાની ગંભીરતા દાખવી તાત્કાલીક અસરથી વનવિભાગ દ્વારા અલગ અલગ વિસ્તારમાં દીપડાને પાંજરે પૂરવા માટે પાંજરા ગોઠવી દેવાયા છે, જ્યારે વનવિભાગના સ્ટાફ પણ રેવન્યુ વિસ્તારમાં દીપડાનુ લોકેશન મેળવવા માટે ફિલ્ડમા દોડી રહ્યા છે. હાલ તો દીપડાના હુમલાથી બાળકીનુ મોત થતા સમગ્ર ગ્રામ્ય વિસ્તારોમા ફફડાટ ફેલાયો છે
Recent Comments