fbpx
અમરેલી

અમરેલી જિલ્લાના વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોમાં થયેલા નુકસાનનો સર્વે કરતી કેન્દ્રીય સચિવોની ટીમ. રાજુલા અને જાફરાબાદ તાલુકાના જમીની તથા દરિયાઈ પ્રદેશોની મુલાકાત લઈ વિવિધ ક્ષેત્રે થયેલી તારાજીનો તાગ મેળવ્યો

કેન્દ્રના વિવિધ વિભાગોના સચિવોની ટીમે આજે અમરેલી જિલ્લાના તાઉ’તે વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને વિવિધ ક્ષેત્રોમાં થયેલી તારાજીનો તાગ મેળવ્યો હતો.રાજુલા તાલુકાના કોવાયા ગામે કલેકટર આયુષ ઓકએ કેન્દ્રીય ટીમ સમક્ષ સમગ્ર પરિસ્થિતિનો ચિતાર રજૂ  કરતા કહ્યું હતું કે વાવાઝોડામાં ધરાશાયી થયેલા ૬૪૦ વીજ ટાવરો પૈકી ૫૦૦ થી વધુ ટાવરો  તાત્કાલિક કાર્યરત કરાયા છે અને રાજુલા શહેરમાં ક્રમશઃ હોસ્પિટલ , સરકારી ઓફિસો, બેંક અને રહેણાક વિસ્તારોમાં વીજળી આપવામાં આવી રહી છે.

જ્યારે વિવિધ વિસ્તારોમાં પીવાનું પાણી પહોંચાડવાના કામને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવી છે, તે ઉપરાંત પાણી પૂરવઠા બોર્ડના ટેન્કર દ્વારા ગ્રામ પંચાયતના સંકલનમાં રહીને પ્રતિ વ્યક્તિ દૈનિક ૭૦ લીટરના ધોરણે પાણી વિતરણ સત્વરે શરૂ કરાયું છે. જિલ્લા વિકાસ અધિકારી શ્રી તેજસ પરમારે જણાવ્યું હતું કે શિયાળ બેટ ટાપુ ખાતે આવેલા ૨૨ પૈકી ૧૫ પાણીના સંપ વાવાઝોડા પહેલા જ પાણીથી પૂરેપૂરા ભરી દેવાયા હતા, જેનાથી શિયાળબેટ ખાતે પીવાના પાણીની ઓછામાં ઓછી તકલીફ પડી છે. દરિયા કિનારાના વિસ્તારોમાં લેવાયેલા સાવચેતીના પગલાંને લીધે જાનહાની ટાળી શકાઈ છે, તેમ પણ તેમણે જણાવ્યું હતું.કોવાયા ખાતે વાવાઝોડાને લીધે નષ્ટ થયેલા કૃષિ પાકો જેવા કે બાજરી-જુવાર-તલ અને કેરી-નાળિયેરી-ચીકુ-લીંબુ વગેરે જેવા બાગાયતી પાકોને થયેલા નુકસાન, પાક વીમો વગેરેની માહિતી ગામના સરપંચ શ્રી કાળુભાઈ લાખણોત્રાએ કેન્દ્રીય ટીમને આપી હતી. રોહિસા ગામના સરપંચશ્રી વીજાણંદભાઈ વાઘેલાએ વિવિધ વિસ્તારોમાં લઈ જઈને કેન્દ્રની ટીમને વાવાઝોડાથી થયેલી તબાહીનો  ચિતાર રજૂ કર્યો હતો.

ટીમે સિમેન્ટ પ્લાન્ટ, રામવાડી વિસ્તાર, પીપરી કાંઠાના વિવિધ વિસ્તારો તથા જેટીની પણ મુલાકાત લીધી હતી.આ વિસ્તારના નાગરિકોની આજીવિકા અને જીવન ધોરણ વિશે પણ કેન્દ્રિય ધીમે સઘન પૂછપરછ કરી હતી તથા  ડુંગળીના ફૂડ પ્રોસેસિંગ પ્લાન્ટ , સ્ટોરેજ કેપેસિટી તથા અન્ય લઘુ ઉદ્યોગો વિશે પણ વિગતવાર જાણકારી મેળવી હતી. નાના સીમાંત ખેડુતોને થયેલા નુકસાનનું મહત્તમ વળતર ચૂકવવા વિશે પણ માનવીય ધોરણે કાર્યવાહી કરવા અંગે વિચાર વિમર્શ કર્યો હતો.આ મુલાકાતમા ભારત સરકારના ગૃહ વિભાગના સંયુક્ત સચિવ શ્રી પ્રકાશ, કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના નિયામક શ્રી સુભાષ ચંદ્રા, માર્ગ અને વાહન વ્યવહાર વિભાગના અધિકારી શ્રી હર્ષ પ્રભાકર, નાણાં વિભાગના નાયબ નિયામક શ્રી મહેશ કુમાર, વીજળી વિભાગના નાયબ નિયામક શ્રી જીતેશ શ્રીવાસ, મત્સ્યોદ્યોગ વિભાગના અધિકારી શ્રી રાજીવ પ્રતાપ દૂબે, રાજ્ય સરકારના રિલીફ કમિશનર શ્રી હર્ષદકુમાર પટેલ, અને સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

Follow Me:

Related Posts