fbpx
અમરેલી

જિલ્‍લામાં દર બે-ચાર દિવસે કોઈને કોઈ વ્‍યકિત બેરોજગારી કે આર્થિક સંકટથી કંટાળી કરે છે આત્‍મહત્‍યા

બે દિવસ પહેલાં અખબારોમાં સમાચાર છપાયાં કે અમરેલી જીલ્લામાં અલગ અલગ સ્થળોએ બબ્બે યુવાનોએ આત્મહત્યા કરી. કારણ હતું ”બેરોજગારી” ૧ મોટા ભાગના લોકોએ તો સમાચારનું માત્ર ટાઈટલ વાંચીને જ, અંદરની ડીટેઈલ વાંચ્યા વગર બીજા ન્યુજ વાંચવા પર ધ્યાન કેન્દ્રીત કરી લીધું હશે. અનેકા અનેક આધિ–વ્યાધિ અને ઉપાધિથી ઘેરાયે કોમનમેનની અંદરનું સંવેદનાનું ઝરણું કયારનુંય સુકાય ચુકયું છે. કોરોના મહામારી પોતાના અનેક સ્નેહી અને સ્વજનો ગુમાવ્યાં પછી કોઈના દુ:ખે દુખી થવાની સીસ્ટમ જ શોર્ટ સરકીટ થઈ ગઈ છે.

''આગળ જઈને આપણું ભલું કરશે'' એવી અપેક્ષાથી ચુંટેલા, થોડા અપવાદોને બાદ કરતાં મોટા ભાગના લોક પ્રતિનિધિઓની ચામડી તો અમસ્તી ય મગરમચ્છથી પણ વધારે જાડી છે એટલે એમના પર આવા સમાચારોની અસર થાય તેવી આશા રાખવી નકામી છે. આમ પણ એમને જનતાની રોજગારી કરતાં પોતાના દીકરાઓ અને જમાઈઓની રોજગારીની ચિંતા વધારે હોય છે.

મહદઅંશે ખેતી પર નભતા અમરેલી જીલ્લામાં વધતી જતી વસ્તીને નિભાવવા ખેતી ટુંકી પડવા લાગી. ખેતીમાં પણ ભાઈ ભાગમાં જમીનના ભાગલાં પડતાં જતા નાના ટુકડામાં ખેતી પુરતું વળતર આપે તેવી સ્થિતિમાં ન રહેતાં ગ્રામ્ય વિસ્તારમાં લોકોની આર્થિક સ્થિતિ ડામાડોળ બની ગઈ. ૪–પ દાયકા પહેલાંની આ વિષમ પરિસ્થિતિએ જન્મ આપ્યો કેટલાંક સાહસિકોનો જેમણે અમરેલી જીલ્લાનું પોતાનું વતન મજબુરીથી છોડવું પડયું અને રોજગારીની શોધમાં સુરત–અમદાવાદ જેવા શહેરોમાં પ્રયાણ કરવું પડયું. પરંતુ, આ કઠીન સંજોગોએ જ નિર્માણ કર્યા કેટલાંક સફળ ઉદ્યોગપતિઓ અને બિલ્ડરોને. અમરેલીના લાઠી તાલુકાના ધોળકીયા પરિવારના ગોવિંદભાઈ, સવજીભાઈ, મનજીભાઈ તથા અમરેલીના વસંતભાઈ ગજેરા યુવાન વયમાં સુરત ગયા અને ત્યાં હીરા ઉદ્યોગમાં ઝંપલાવી સફળ થયા અને તેમના માધ્યમથી ગુજરાતમાં હીરા ઉદ્યોગનો જબ્બર વિકાસ થયો. અમરેલી જીલ્લામાં ખેતી પછી રોજગારી પુરી પાડવામાં સૌથી સફળ વ્યવસાય એવા હીરા ઉદ્યોગે અમરેલી જીલ્લાના હજારો યુવાનોને રોજી–રોટી આપી. શરૂઆતમાં બહાર જઈ સફળ થયેલા આ લોકોથી પ્રેરાઈ ત્યારબાદ સૌરાષ્ટ્રમાંથી મહદઅંશે સુરત તરફ અને થોડા અંશે અમદાવાદ તરફ લોકોનો પ્રવાહ ઉભરી પડયો. એમાંના ઘણાંએ માત્ર મજુરી કે નાનો ધંધો કરવામાં સિમિત ના રહેતા કન્ટ્રકશન ક્ષેત્રે ઝંપલાવ્યું અને તે પૈકીના ઘણાં લોકોની આજે સુરતમાં સફળ બિલ્ડરો તરીકે ગણના થાય છે જેમના માધ્યમથી અમરેલીના સેંકડો યુવાનોને તેમાં કામ મળ્યું.

    રાજકીય ક્ષેત્રે ડો. જીવરાજ મહેતા પછી નવી રોજગારી ઉભી કરવાની દિશામાં કોઈએ સંનિષ્ઠ પ્રયાસ કર્યો હોય તે રૂપાલા સાહેબે કર્યો. અમરેલીમાં દુધની ડેરી મારફતે પશુપાલકો અને ખેડુતો માટે કાયમી આવક ઉભી થાય તેવા શુભ આશયથી ડેરી ઉભી કરવાનો વિચાર હાલના કેન્દ્રીય મંત્રી શ્રી પરશોત્તમભાઈ રૂપાલાએ આપ્યો. આ વિચારને જમીન પર ઉતારવાનું ભગીરથ કામ માવજીભાઈ ગોલ અને દીલીપભાઈ સંઘાણીએ કર્યુ. આજે આ ડેરીના માધ્યમથી હજારો પરિવારો સ્વમાનભેર જીવી રહયા છે.

    એ જ રીતે વસંતભાઈ ગજેરાએ સુરત સ્થિત અમરેલીના ઉદ્યોગપતિઓ અને ડાયમંડ મરચન્ટસની મદદથી કન્યા કેળવણીનું ખુબ મોટુ સંકુલ ઉભું કર્યુ. આજ સુધીમાં હજારો દીકરીઓએ તેમાં શિક્ષણ લઈ પોતાના પગ પર ઉભી રહેતી થઈ છે અને શિક્ષણના માધ્યમથી વસંતભાઈએ અસંખ્ય પરિવારોને તેમના સંતાનો દ્ધારા રોજગારી પુરી પાડી છે.

    રાજકીય ક્ષેત્રે, ગુજરાતની ભાજપની સરકારોની દીર્ઘ દ્રષ્ટિથી પીપાવાવ બંદરનો વિકાસ આરંભાયો અને એના કારણે દરિયાકાંઠાના રાજુલા–જાફરાબાદ વિસ્તારમાં સિમેન્ટ સહિત અનેક નાનાં મોટાં ઉદ્યોગો શરૂ થયા જેમણે સ્થાનિક સ્તરે ઘણી રોજગારીનું સર્જન કર્યુ. પણ રાજકીય ઓથ ધરાવતાં કેટલાંક નેતાઓએ મરઘીના ઈંડા ખાવાને બદલે મરઘી  ખાઈ જવાના ય્રયાસો કર્યા. રાજકીય લોકોની દરમિયાનગીરી અને તેમની ગેરવ્યાજબી માંગણીઓથી કંટાળેલ આ ઉદ્યોગગૃહોએ હવે પોતાનો પથારો સંકેલવા મંડયા છે અને હવે આ વિસ્તારમાં વધુ આગળ વધવા તેઓ રાજી નથી.

    કોરોના મહામારીને કારણે આવેલ વારંવારના લોકડાઉને વેપાર–ધંધાઓની દશા બગાડી નાખી છે. હવે પાઘડીનો વળ છેડે આવ્યો છે અને આર્થિક સ્થિતિને લઈ આત્મહત્યાના બનાવો સતત વધી રહયા છે. વધતા જતાં આપઘાત અટકાવવા માનસિક રીતે ડીપ્રેશનમાં આવેલ લોકોના કાઉન્સેલીંગની કાયમી વ્યવસ્થા ઉભી કરવા, થોડાં સમય પહેલાં અમરેલીની સેવાભાવી સંસ્થા સંવેદન ગૃપે તો કેટલાંક સામાજીક આગેવાનો, ડોકટરોની સાથે એક ચર્ચા પણ રાખી હતી. પણ હતાશ થઈ ગયેલ આવા બેરોજગાર યુવાનોને નકારાત્મકતામાંથી બહાર કાઢવા કાઉન્સેલીંગ ઉપરાંત તેમની સમસ્યાના મૂળના નિવારણની જરૂર છે અને આ ત્યારે જ શકય બને જો અમરેલીના સામાજીક અને અન્ય ક્ષેત્રોમાં કામ કરતાં આગેવાનો આ દિશામાં ગંભીરતાથી વિચારે. અમરેલી જીલ્લાના મૂળ વતનીઓ જેઓ હાલ સુરત–અમદાવાદ–મુંબઈ છે અને આર્થિક રીતે સધ્ધર છે તે બધા પણ પોતાના વતનમાં ભાગવત સપ્તાહો કે અન્ય ધાર્મિક કાર્યક્રમોના આયોજનની સાથે સાથે  અમરેલી જીલ્લાના આર્થિક કલેવરની કાયાપલટ કરવા સ્થાનિક સ્તરે નવી રોજગારીનું નિર્માણ થાય તે દિશામાં વિચાર કરે તે જરૂરી બન્યું છે. બહાર જઈ બે પાંદડે થયેલ અમરેલીયનો માટે માતૃભુમિનું ૠણ ચુકવવાનો આ સૌથી ઉત્તમ રસ્તો છે.
Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/