જાફરાબાદમાં યોજાયેલી નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાજપના નેતાઓ માસ્ક વગર જોવા મળ્યા
જાફરાબાદમાં આયોજીત નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાજપના નેતાઓએ કોરના નિયમોના ધજાગરા ઉડાવ્યા હતા.
ગુજરાત અને દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. સંભવિત ત્રીજી લહેરના ખતરાને ટાળવા માટે નિષ્ણાંતો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું ચુસ્ત પાલન કરવાની અપીલ કરી રહ્યા છે. ખુદ વડાપ્રધાન પણ લોકોને સાવચેતી રાખવાની અપીલ કરી ચૂક્યા છે. તેમ છતાં ભાજપના નેતાઓ દ્વારા જ નિયમોનો ભંગ થતો હોવાના વીડિયો વાઈરલ થઈ રહ્યા છે. બોટાદમાં પૂર્વ ઉર્જામંત્રીની હાજરીમાં નિયમોના ધજાગરા ઉડ્યા બાદ અમરેલીના જાફરાબાદમાં પણ યોજાયેલી નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાજપના નેતાઓ માસ્ક વગર જોવા મળ્યા હતા.
જાફરાબાદ શહેરમાં નગરપાલિકા અને યુવા ભાજપ દ્વારા સંયુક્ત રીતે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું. અંતિમ દિવસે યુવા ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મનીષ સીંગ, પ્રદેશ યુવા ભાજપ ઉપાધ્યક્ષ નિલેશ દેસાઈ, અમરેલીના સાંસદ નારણભાઈ કાછડિયા, લોક સાહિત્યકાર માયાભાઈ આહીર, અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરિયા, જિલ્લા યુવા ભાજપ પ્રમુખ ચેતન શિયાળ, નગરપાલિકા પ્રમુખના પ્રતિનિધિ સરમણ બારૈયા સહિત ભાજપના હોદેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
જાફરાબાદમાં આયોજીત નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ દરમિયાન લોકો અને કાર્યકર્તાઓના ટોળામાં ભાજપના નેતાઓ માસ્ક વગર જ ફરતા જોવા મળ્યા હતા. એક તરફ સરકાર કોરોનાના વધતા સંક્રમણના પગલે નાઈટ કફર્યૂનો સમય વધારી રહી છે અને નિયમોનું કડક અમલીકરણ કરાવી રહી છે. તો બીજી તરફ અમરેલીના જાફરાબાદમાં ભાજપના નેતાઓની હાજરીમાં જ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા સવાલો ઉઠ્યા છે.
Recent Comments