અમરેલીમાં યુવાનોને તગડા કમિશનની લાલચે સટ્ટામાં કરાઈ રહ્યા છે સક્રિય ?
ક્રિકેટના મહાકુંભ આઈપીએલની ૩૧ મેચ પૂરી થઈ ગઈ છે. આઈપીએલની શરૂઆત થતાં જ સટ્ટોડિયાઓ સક્રિય બન્યા છે. અમરેલી જિલ્લામાંથી પણ આઈપીએલ પર સટ્ટો રમાડતાં લોકો પકડાયા છે. છેલ્લા થોડા સમયથી આઈપીએલ પર સટ્ટો રમાડતાં બુકીઓએ પેટર્ન બદલી હોય તેમ આ રેકેટ ચલાવવા જરૂરિયાતમંદ કે બેકાર લોકોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. આવા લોકોને ફસાવી સટ્ટા બેટિંગની સાઇટમાં લોગ ઈન કરાવી સટ્ટો બુક કરાવવામાં આવી રહ્યો છે.
તાજેતરમાં લીલીયાના પુંજાપાદર ગામેથી આઈપીએલ સટ્ટો રમાડતાં શખ્સને પોલીસે ઝડપી લીધો હતો. આ શખ્સ ક્રિકેટ લાઇવ ગુરુ નામની એપ્લિકેશન પર પંજાબ અને હૈદરાબાદ વચ્ચેની મેચ પર સટ્ટો રમાડતાં ઝડપાયો હતો. જ્યારે મંગળવારે બગસરામાંથી આરસીબી અને લખનઉની મેચ પર સટ્ટો રમાડતો યુવક પકડાયો હતો. બુકીઓએ હવે વર્ષોથી ચાલી આવતી રીત પ્રમાણે સટ્ટો રમાડવાની પદ્ધતિમાં પણ સમય સાથે બદલાવ કર્યો છે. પોલીસની નજરથી બચવા સટોડિયા વેબસાઈટ બનાવીને તેમાં લોગ ઈન કરાવીને સટ્ટો રમાડતા થયા છે.
બેરોજગાર અને જરૂરિયાતમંદ યુવાનોને ટાર્ગેટ કરીને બુકીઓ આવી વેબસાઇટમાં લોગ ઇન કરાવ્યા બાદ સટ્ટો બુક કરવાની કામગીરી સોંપે છે. જેમાં યુવાનોને તેમના બુકિંગ પર ૨૦ ટકા સુધી કમિશન આપવામાં આવે છે. અમરેલી જિલ્લામાં ઘણા યુવાનોને આ રીતે સટ્ટો બુક કરવાની કામગીરી સોંપવામાં આવી છે. આમ અમરેલી જિલ્લામાં યુવાનોને ટાર્ગેટ કરીને ક્રિકેટ સટ્ટાનું નેટવર્ક ખૂબ ઝડપથી વિસ્તરી રહ્યું છે. જોકે જિલ્લામાં હજુ એક પણ મોટા ગજાનો બુકી પોલીસ ઝપટે ચડ્યો નથી, માત્ર એકલ-દોકલ સટોડિયા જ ઝડપાયા છે. જો આવા સટોડિયાની આકરી પૂછપરછ કરવામાં આવે તો જિલ્લામાંથી પણ સટ્ટાનો મોટો પર્દાફાશ થઈ શકે તેમ છે.
Recent Comments