મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમરેલી જિલ્લાના પદાધિકારીઓ- કાર્યકર્તાઓ સાથે ટિફિન બેઠક યોજી
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમરેલી જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા-પદાધિકારીઓ સાથે ટિફિન બેઠક યોજી, પ્રજાલક્ષી પ્રશ્નો અને જિલ્લાના વિકાસ કાર્યોને વેગ આપવા માટે વિસ્તૃત ચર્ચા-વિચારણાની સાથે સંવાદ સાધ્યો હતો.
અમરેલી સ્થિત તુલસી પાર્ટી પ્લોટ ખાતે આયોજિત આ ટિફિન બેઠકમાં સંબોધતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યુ કે, ભારતીય જનતા પાર્ટીના બે દાયકાથી વધુ શાસનકાળ દરમિયાન થયેલા વિકાસ કાર્યોને લોકો સુધી પહોંચાડવાના છે. મુખ્યમંત્રીશ્રીએ વધુમાં કહ્યુ કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર ભાઈ મોદી અને ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહે નિર્માણ કરેલી કાર્યશૈલીને અનુસરીને ભારતીય જનતા પાર્ટીને વધુ મજબૂત બનાવવાની છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રજાલક્ષી અનેક વિકાસ કાર્યો થયા છે, તેથી જ લોકોને આપણા પર ભરોસાની સાથે અપેક્ષા છે.
ગુજરાત સરકાર એક મજબૂત નાણાકીય વ્યવસ્થાપન સાથે કામ કરી રહી છે. જેને ભારત સરકારના નીતિ આયોગ દ્વારા પણ અનુમોદન મળ્યું છે. નીતિ આયોગના માપદંડ મુજબ રાજ્ય સરકાર નાણાંકીય વ્યવસ્થાપનમાં દેશભરમાં પ્રથમ ક્રમાંકે છે. કોરોના મહામારી જેવી આપત્તિમાં પણ ગુજરાત સરકારે માતબર ૨ લાખ ૪૫ કરોડના કદનું બજેટ આપ્યું છે. આ સાથે મુખ્યમંત્રીશ્રીએ એક થઈને પ્રજાલક્ષી કાર્યોને વેગ આપવા માટે કાર્યકર્તા-પદાધિકારીઓને અનુરોધ કર્યો હતો.
સાંસદશ્રી નારણભાઈ કાછડીયાએ જણાવ્યુ કે, ડબલ એન્જિન વાળી સરકાર છે ત્યારે પરિવાર સાથે મન કી બાત અને અન્ય કાર્યક્રમો દ્વારા પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. તેમણે અમરેલીમાં એર સ્ટ્રીપમાં રન વે વધારવા, કેન્દ્રિય વિદ્યાલય શરુ કરવા, જિલ્લામાં કપાસનું વાવેતર વધુ છે ત્યારે જિલ્લાને કોટન ઝોન જાહેર કરવા અને લાઠી સાવરકુંડલા ખાતે જી આઇ ડી સી માટે રજૂઆત કરી હતી.
અમરેલી જિલ્લા ભાજપ પ્રભારી ડૉ. બોઘરાએ, જિલ્લામાં સંગઠનથી કામગીરી કરવામાં આવે છે. યુવા મોરચો અને મહિલા મોરચા દ્વારા સમિતિ બનાવી વિશેષ ઝુંબેશ કરવામાં આવે છે.
ઇફ્કો ચેરમેનશ્રી દિલીપભાઇ સંઘાણીએ જણાવ્યુ કે, દર ચોથા શનિવારે ટિફિન બેઠક યોજી જે – તે વિસ્તારમાં જઈ ત્યાંના પ્રશ્નો, રજૂઆતો અને અગાઉ યોજવામાં આવેલી ટિફિન બેઠકની કાર્યવાહી વિશે ચર્ચા કરવામાં આવે છે. ટિફિન બેઠકથી દિશા મળી છે. અમરેલી ટિફિન બેઠકની સફળતા બાદ રાજ્યભરમાં અને દેશભરમાં આ ટિફિન બેઠક શરુ કરવામાં આવી છે.
અમરેલી જિલ્લા ભાજપા ટિફિન બેઠકમાં કૌશિકભાઈ વેકરીયાએ સ્વાગત પ્રવચન કરતા કહ્યુ કે, સાર્વજનિક પ્રશ્નો હોય તો તે રજૂ કરવા કહ્યુ. તેમણે સાતલડી ડેમનો પ્રશ્ન ભૂતકાળ બને અને અમરેલી તેમજ ચલાળા શહેર વિસ્તારમાં રહેતા હોય તેમને જગ્યા બાબતે નિરાકરણ લાવવા રજૂઆત કરી હતી.
ટિફિન બેઠકની શરુઆતમાં દીપ પ્રગટાવવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ભારતમાતાનો જયઘોષ કરવામાં આવ્યો હતો અને વંદે માતરમનું ગાન કરવામાં આવ્યું હતુ. આ ટિફિન બેઠકમાં આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા અમરેલી જિલ્લાના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમના અંતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જમીન પર બેસી આગેવાનો અને કાર્યકર્તાઓની સાથે ભોજન લીધું હતું.
બેઠકમાં રાજ્યમંત્રી શ્રી અને અમરેલી જિલ્લા પ્રભારી મંત્રીશ્રી આર. સી. મકવાણા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રેખાબેન મોવલીયા, ધારાસભ્યશ્રી જે.વી. કાકડીયા, અમરેલી તાલુકા પંચાયત પ્રમુખ શ્રી પ્રજ્ઞાબેન સાવલીયા, અમરેલી નગરપાલિકા પ્રમુખ શ્રી મનિષાબેન રામાણી, પૂર્વ મંત્રીશ્રી વી.વી. વઘાસીયા, શ્રી મહેશભાઇ કસવાળા, શ્રી ભાવનાબેન ગોંડલીયા, શ્રી રેખાબેન માવદીયા, શ્રી રામભાઇ સાનેપરા, શ્રી અશ્વિનભાઇ સાવલિયા, શ્રી હિરેનભાઇ હિરપરા, શ્રી મયુરભાઇ હિરપરા, શ્રી ચેતનભાઇ શિયાળ, શ્રી અરુણભાઇ પટેલ, શ્રી અર્જુનભાઇ દવે, શ્રી મનિષભાઇ સંઘાણી, ડૉ. કાનાબાર સહિતના અમરેલી જિલ્લાના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments