આગામી વિધાનસભાની ચૂંટણી પહેલાં અધિકારીઓને જરુરી માર્ગદર્શન આપતા જિલ્લા કલેક્ટર
જિલ્લા કલેકટરશ્રી ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને અમરેલી કલેકટર કચેરી ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઇ હતી. કલેકટરશ્રી ગૌરાંગ મકવાણાએ પદાધિકારીશ્રીઓની રજૂઆતો સાંભળી અને સંબંધિત કચેરીઓને તે સમસ્યાઓના નિવારણ માટે સૂચનો કર્યા હતા. જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં સાંસદશ્રી નારણભાઈ કાછડીયા, ધારાસભ્યશ્રી વિરજીભાઈ ઠુંમર, ધારાસભ્યશ્રી જે.વી. કાકડિયા દ્વારા અમરેલી જિલ્લાના જુદાં-જુદાં વિસ્તારના રસ્તા, પાણી, વીજળી, બસ સુવિધા, ગૌચર, દબાણ, જમીન સંબંધિત પ્રકરણો સહિતની બાબતોને લગતા વિવિધ પ્રશ્નો જણાવી તેના ઝડપી નિવારણ માટે રજૂઆત કરી હતી.
જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠકનું સંચાલન અધિક જિલ્લા કલેક્ટરશ્રી આર. વી. વાળાએ કર્યુ હતુ. બેઠકમાં વિવિધ કચેરીઓના વડા અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકના અંતે વિવિધ કચેરીઓના પેન્ડિંગ અને એવઇટીંગ કેસો, ચૂકવણા, વસૂલાત, પેન્શન કેસ, આર.ટી.આઈ સહિતના પ્રશ્નો અંગે જરુરી સૂચનાઓ આપવામાં આવી હતી. બેઠકના અંતે જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા વિવિધ કચેરીઓના અધિકારી- કર્મચારીશ્રીઓને આગામી વિધાનસભાની ચૂંટણી માટે સજ્જ રહેવા જણાવ્યુ હતુ. તેમજ ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થયા બાદ કરવાની થતી કાર્યવાહી માટે જરુરી માર્ગદર્શન આપી ઘટતું કરવા પણ કલેક્ટરશ્રીએ સૂચના આપી હતી.
Recent Comments