અમરેલી શહેરમાં કોમન યોગાસન પ્રોટોકોલ તાલીમ તથા યોગ જાગરણ રેલી યોજાશે
રાજ્ય સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હસ્તકના ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, ગાંધીનગર દ્વારા પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી મોટા પાયે થાય તે માટે વિશેષ આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમનો યોગ્ય પ્રચાર-પ્રસાર થાય અને લોકોમાં યોગ અંગેની જાગૃત્તિ આવે તથા તેમને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જાણકારી મળી રહે વધુમાં વધુ લોકો યોગ સાથે જોડાય અને યોગ કરતા થાય તેવા ઉમદા આશયથી કોમન યોગા પ્રોટોકોલ તાલીમ શિબિર અને યોગ જાગરણ રેલીનું આયોજન આગામી તા.૨૬/૦૫/૨૦૨૩ શુક્રવારનાં રોજ કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ સવારે ૬:૦૦ થી સવારે ૮:૦૦ વાગ્યા દરમિયાન BAPS ગાંધીબાગ અમરેલી ખાતે યોજાશે. કાર્યક્રમમાં આશરે ૫૦૦થી વધારે યોગ સાધકો, શહેરીજનો, વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાશે. યોગ જાગરણ રેલીનો રૂટ ગાંધીબાગથી પ્રસ્થાન કરી ટી.પી.ગાંધી સર્કલ, નાગનાથ સર્કલ, રાજકમલ સર્કલ, ટાવર સર્કલ, રૂપમ ટોકીઝ સર્કલ, ટી.પી. ગાંધી સર્કલ થી પરત ગાંધીબાગ પાસે સમાપન થશે. શહેરીજનોને આ કાર્યક્રમમાં જોડાવા માટે તેમજ વધુ જાણકારી માટે યોગ બોર્ડના જીલ્લાનાં કોર્ડિનેટરશ્રી જયદિપભાઈ ચૌહાણનો ૯૭૨૩૫૫૬૬૭ સંપર્ક કરી શકાશે, તેમ જિલ્લા રમત ગમત અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.
Recent Comments