ભાવનગરના સિંચાઈ વિભાગના અધિકારીએ રાષ્ટ્રીયકક્ષાનો ઇજનેરી એવોર્ડ જીતી ભાવનગર જિલ્લાનો પરચમ દેશમાં લહેરાવ્યો
ભાવનગર જિલ્લા પંચાયતમાં સિંચાઈ વિભાગમાં કાર્યપાલક ઈજનેર તરીકે ફરજ બજાવતા શ્રી ડી.આર.પટેલનું બેંગલુરૂ (કર્ણાટક) ખાતે શ્રી એમ.વિશ્વૈશ્વરૈયા બેસ્ટ એન્જીનિયરીંગ નેશનલ એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે,દેશના ખ્યાતનામ ઇજનેર શ્રી એમ. વિશ્વેસરૈયાની યાદમાં દેશમાં ઈજનેરી કૌશલ્ય દાખવી અને ઇજનેરી ક્ષેત્રે રાષ્ટ્રના વિકાસ માટેની મહત્ત્વપૂર્ણ કામગીરી કરનાર ઈજનેરોને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે.
શ્રી પટેલ સંભવત આ ભાવનગર જિલ્લાના પ્રથમ વ્યક્તિ કે પ્રથમ અધિકારી છે કે જેમણે રાષ્ટ્રના આ ગૌરવવંતા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં છે.
શ્રી પટેલ દ્વારા ભાવનગરના ભાલ વિસ્તારમાં છેલ્લા ત્રણ વર્ષથી વરસાદી પાણીના નિકાલ માટે અથાગ મહેનત કરી રહેલ છે. તેમના આ પ્રયત્નોને કારણે હાલ વિસ્તારમાં ઘણાં લાંબા સમયથી વરસાદની સિઝનમાં પાણી ભરાઈ રહેવાની કાયમી સમસ્યાનો ઉકેલ આવ્યો છે.
આ ઉપરાંત તેમની નિગરાની હેઠળ સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૨૧ અંતર્ગત વહીવટી વિભાગના સહયોગથી અને કલેક્ટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી માર્ગદર્શન હેઠળ ડિસીલ્ટીંગના કામો હાથ ધરી ભાવનગર જિલ્લામાં પાણીની સમસ્યાથી છુટકારો મેળવવા માટેના તનતોડ પ્રયત્નો કરવામાં આવ્યાં છે.
શ્રી ડી.આર.પટેલ અત્યારે ભાવનગર જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત જિલ્લા નોડલ અધિકારી તરીકેની ફરજ બજાવી રહેલ છે અને તેમના સગન પ્રયત્નોને કારણે સફળતાપૂર્વક યોજના પૂર્ણ કરેલ છે.
શ્રી પટેલને આ અગાઉ પણ વહીવટી તંત્ર દ્વારા અને જળસંપત્તિ વિભાગમાંથી એવોર્ડ વડે સન્માનિત કરવામાં આવી ચૂક્યા છે.
આ જ રીતે શ્રી ડી.આર.પટેલ તેમના ભવિષ્યમાં જ્વલંત સફળતાઓ પ્રાપ્ત કરતા રહે અને ગુજરાત તથા ભારતનું ગૌરવ વધારતા રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.
તેઓને વર્ષ-૨૦૧૯માં સુજલામ સુફલામની બેસ્ટ કામગીરી,
વર્ષ-૨૦૧૯માં સિંચાઈ વિભાગમાં ટીમ લીડર તરીકે ભાલ વિસ્તારના કામોને ટેકનિકલ સહયોગથી પાણી નીકાલની કામગીરી, વર્ષ-૨૦૨૦માં ભાવનગરમાં કોરોના વોરીયર્સ તરીકે વહીવટી તંત્રનું અભિન્ન અંગ બની કોરોનાની કામગીરી માટે એવોર્ડથી સન્માનિત કરવામાં આવી ચૂક્યા છે.
આમ, કુશળ ઇજનેરી કૌશલ્યના ક્ષેત્રમાં પોતાની જવલંત સિદ્ધિઓના સથવારે ભારત દેશના મહાન ઇજનેર એમ. વિશ્વેશ્વરૈયા નામનો એવોર્ડ મેળવવાથી ભાવનગર જિલ્લાનું નામ દેશમાં રોશન થયું છે.
Recent Comments