fbpx
ધર્મ દર્શન

આવતીકાલે મકરસંક્રાંતિઃ જાણો તમારા જીવન પર કેવો પ્રભાવ પડશે


અમદાવાદ મકર સંક્રાંતિ ૨૦૨૧ આ વર્ષે ખૂબ જ ખાસ સંયોગ સાથે આવી રહી છે. ઉપરથી એ વાત પણ આ વખતે વધુ ઉત્તમ છે કે મકર સંક્રાંતિની તિથિને લઈને કોઈ પંચાંગ ભેદ કે વિવાદ નથી. દર વર્ષે આખા દેશમાં ૧૪ જાન્યુઆરીના રોજ મકર સંક્રાંતિ ઉજવવામાં આવે છે. ઉત્તરાયણના દિવસે દાન-પુણ્યનું પણ વિશેષ મહત્ત્વ હોય છે. મકરસંક્રાંતિના દિવસે કઈ જાતિના જાતકોએ કઈ વસ્તુઓનું દાન કરવું તેનું પણ ખુબ મહત્ત્વ હોય છે.
મકર સંક્રાંતિ પર સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ

મકર સંક્રાંતિ ૧૪ જાન્યુઆરીએ જ મનાવવામાં આવે છે તેનું કારણ આ વર્ષે ગ્રહોના રાજા સૂર્ય આ જ દિવસે મકર રાશિમાં પ્રવેશ કરશે. ગુરુવારે ૧૪ જાન્યુઆરીના રોજ સવારે ૮ વાગીને ૧૪ મિનિટે સૂર્ય રાશિ પરિવર્તન કરીને મકરમાં પ્રવેશ કરશે. ગુરુવારે સંક્રાંતિ હોવાથી આ નંદા અને નક્ષત્ર અનુસાર મહોદરી સંક્રાંતિ માનવામાં આવશે જે બ્રાહ્મણો, શિક્ષકો, લેખકો, વિદ્યાર્થીઓ માટે લાભપ્રદ અને શુભ રહેશે. શાસ્ત્રોનો મત છે કે સંક્રાંતિના ૬ કલાક ૨૪ મિનિટ પહેલાથી પુણ્ય કાલ આરંભ થઈ જાય છે. જેથી આ વર્ષે બ્રહ્મ મુહૂર્તથી સંક્રાંતિ સ્નાન, દાન, પુણ્ય કરવામાં આવશે. આ દિવસે બપોરે ૨ વાગીને ૩૮ મિનિટ સુધી સંક્રાંતિ સંબંધિત ધાર્મિક કાર્યો કરવા માટે ઉત્તમ સમય છે. આમ તો આખો દિવસ સ્નાન અને દાન કરી શકાય છે.

મકર સંક્રાંતિની તિથિનો ઇતિહાસ
મકર સંક્રાંતિને લઈને પાછલા કેટલાક વર્ષોમાં મુંઝવણની સ્થિતિ રહી છે. કેમ કે સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ ૧૪ જાન્યુઆરી સાંજે અથવા રાતે થતો હતો. તેવામાં શાસ્ત્રો અનુસાર સંક્રાંતિ બિજા દિવસે મનાવવામાં આવતી હતી. તમને જણાવી દઈએ કે મકર સંક્રાંતિનો સમય યુગોથી બદલાતો આવ્યો છે. જ્યોતિષીય ગણના અને ઘટનાઓને જાેડવાથી ખબર પડે છે કે મહાભારત કાળમાં મકર સંક્રાંતિ ડિસેમ્બરમાં મનાવવામાં આવતી હતી. એવો ઉલ્લેખ મળે છે કે છઠ્ઠી શતાબ્દીમાં સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં ૨૪ ડિસેમ્બરના રોજ મકર સંક્રાંતિ મનાવવામાં આવતી હતી. અકબરના સમયમાં ૧૦ જાન્યુઆરી અને શિવાજી મહારાજના સમયમાં ૧૧ જાન્યુઆરીએ મકર સંક્રાંતિ મનાવવામાં આવી હતી.

સૂર્યની ચાલને લઈને મકર સંક્રાંતિનું રહસ્ય
મકર સંક્રાંતિની તિથિનું આ રહસ્ય એટલા માટે છે કારણ કે સૂર્યની ગતિ પ્રતિ વર્ષે ૨૦ સેકન્ડ વધી જાય છે. આ હિસાબે જાેઈએ તો શક્ય છે કે ૫૦૦૦ વર્ષ પછી મકર સંક્રાંતિ જાન્યુઆરીમાં નહીં પરંતુ ફેબ્રુઆરીમાં મનાવવામાં આવશે. જાેકે આ વખતે એક સારી વાત છે કે મકર સંક્રાંતિના સૂર્યનું આગમન ૧૪ તારીખ સવારે થયું છે. આ કારણે મકર સંક્રાંતિ ગુરુવારે ૧૪ જાન્યુઆરીના દિવસે જ મનાવવામાં આવશે.

મકર સંક્રાંતિ સાથે સમાપ્ત થશે ધનુર માસ
મકર સંક્રાંતિના દિવસે સૂર્ય મકર રાશિમાં આવતા જ ખર માસ એટલે ધનુર માસ સમાપ્ત થશે. જાેકે ધનુર માસ પૂર્ણ થવા છતા હજુ વિવાહ અને બીજા શુભ કાર્યનું આયોજન કરી શકાશે નહીં. તેનું કારણ એ છે કે મકર સંક્રાંતિના ત્રણ દિવસ પછી જ ગુરુ અસ્ત થઈ જશે. જે ૧૪ ફેબ્રુઆરી સુધી અસ્ત રહેશે જેના કારણે શાસ્ત્રોમાં આ દિવસોમાં વિવાહ આદી શુભ કાર્યો વર્જીત ગણવામાં આવ્યા છે.

આ કારણે આ વખતે મકર સંક્રાંતિ ખાસ
આ વખતે મકર સંક્રાંતિના દિવસે ખાસ વાત એ છે કે સૂર્યના પુત્ર શનિ પર પોતાના ઘરમાં મકર રાશિમાં ગુરુ મહારાજ બૃહસ્પતિ અને ગ્રહોના રાજકુમાર બુધ અને નક્ષત્રપતિ ચંદ્ર સાથે સૂર્ય દેવ મકર રાશિમાં યોગ કરશે. ગ્રહોનો આવો સંયોગ ખૂબ જ દૂર્લભ માનવામાં આવે છે. કેમ કે ગ્રહોના આ સંયોગમાં સ્વયં ગ્રહોના રાજા, ગુરુ, રાજકુમાર, ન્યાયધીશ અને નક્ષત્રપતિ એક સાથે છે. આ સાતે જ સૂર્યનો પ્રવેશ શ્રવણ નક્ષત્રમાં થશે જેનાથી ધ્વજ નામનો શુભ યોગ બનશે. ગ્રહોના રાજા સૂર્ય સિંહ પર સવારથી મકરમાં સંક્રમણ કરશે. તેવામાં રાજનીતિમાં સત્તા પક્ષનો પ્રભાવ વધશે. દેશમાં રાજકીય ઉથલ-પાથલ, કેટલાક સ્થાનમાં સત્તામાં ફેરફાર પણ થઈ શકે છે.
ઉત્તરાયણ પર રાશિ પ્રમાણે કરો દાન
૧. મેષ રાશિ- ચાદર તેમજ તલનું દાન કરશો તો શીઘ્ર તમામ મનોકામના પૂર્ણ થશે.
૨. વૃષભ રાશિ- વસ્ત્ર તેમજ તલનું દાન કરવું શુભ રહેશે.
૩. મિથુન રાશિ- ચાદર તેમજ છત્રીનું દાન કરવું ખૂબ જ લાભદાયક સિદ્ધ થશે.
૪. કર્ક રાશિ- સાબુદાણા તેમજ વસ્ત્રનું દાન કરવું શુભ ફળ આપનારૂ રહેશે.
૫. સિંહ રાશિ- ધાબળાનું તેમજ ચાદરનું દાન તમારી ક્ષમતા મુજબ કરો.
૬. કન્યા રાશિ- તેલ તેમજ અડદની દાળનું દાન કરો.
૭. તુલા રાશિ- કપાસનું રૂ, વસ્ત્ર, રાઈ, સુતરાઉ કાપડ, સાથે જ ચાદરનું દાન કરો.
૮. વૃશ્ચિક રાશિ- ખિચડીનું દાન કરો સાથે જ તમારી ક્ષમતા અનુસાર ધાબળાનું દાન પણ શુભ ફળદાયી સિદ્ધ થશે.
૯. ધન રાશિ- ચણાની દાળનું દાન કરશો તો વિશેષ લાભ થવાની સંભાવના છે.
૧૦. મકર રાશિ- ધાબળાનું અને પુસ્તકનું દાન કરશો તો દરેક મનોકામના પૂર્ણ થઈ શકે છે.
૧૧. કુંભ રાશિ- સાબુ, વસ્ત્ર, કાંસકો તેમજ અન્નનું દાન કરો.
૧૨. મીન રાશિ- સાબુદાણા, ધાબળા, સુતરાઉ કાપડ તથા ચાદરનું દાન કરો.

Follow Me:

Related Posts