fbpx
ગુજરાત

આપણે ત્યાં ‘ઓેનલાઇન અભ્યાસ’નો ક્રેઝ શરુ થયો છે પણ મૂળભૂત સુવિધાઓે ક્યાં છે ?

કોરોના રોગચાળાએ ભારતની શાળાઓેને ડિજિટલ કટોકટીમાં મૂકી દીધી છે.
દેશના જુદા જુદા ભાગોમાં વિદ્યાર્થીઓેના ડિજિટલ શિક્ષણની વાતો થઈ રહી છે અને
શાળાઓેને લોકડાઉન જેવી પરિસ્થિતિમાં તેમના વિદ્યાર્થીઓેને કેવી રીતે ભણાવવું તે
ખબર નથી.
‘મારી દીકરીની સ્કૂલમાં ઓેનલાઇન શિક્ષણ શરું થયું છે, પરંતુ તેણે કેવી રીતે
અભ્યાસ કરવો જોઈએ ? ઘરે ઇન્ટરનેટ કે કમ્પ્યુટર નથી. સ્માર્ટફોનમાં ઇન્ટરનેટની
સ્પીડ પણ કામ કરતી નથી. આ ઉપરાંત વરસાદના કારણે અમારી કોલોનીમાં
વારંવાર વીજળી ચાલી જાય છે. અમારા જેવા નીચલા મધ્યમ વર્ગના બાળકો માટે
ઓનલાઇન શિક્ષણ માટેના પૈસા નથી.મારે એક પુત્ર અને એક પુત્રી છે, અમે બન્નેને
સ્માર્ટફોન અપાવી શકવાની સ્થિતીમાં નથી’ આ વાત કરતા ભારત જેવા દેશમાં
ઓનલાઇન શિક્ષણના માર્ગમાં આવતી મુશ્કેલીઓેનું ચિત્ર ભાવનગર જિલ્લાના નારી
ગામમાં રહેતા કમળાબહેન પટેલે વર્ણવ્યું.
હવે સવાલ એ ઊભો થાય છે કે, દેશમાં કેટલા વિદ્યાર્થીઓેને ઓેનલાઇન
શિક્ષણની સુવિધા થઈ શકે એમ છે ?
કેરળમાં ૧૪ વર્ષીય વિદ્યાર્થીનીએ ઓનલાઇન વર્ગોમાં ભાગ ન લઈ શકતા
આત્મહત્યા કરી હતી.આ યુવતી કેરળના માલાપુરમ જિલ્લામાં સરકારી શાળાની
વિદ્યાર્થીની હતી. દલિત કોલોનીમાં રહેતી હતી. તેણે સળગીને આત્મહત્યા કરી.
તેમના પિતા દૈનિક વેતન મજૂર છે. નબળી આર્થિક સ્થિતિને કારણે તેમના ઘરે ટીવી
નહોતું અને તે સ્માર્ટફોન પણ આપી શક્યા નહોતા. કેરળમાં આશરે અઢી લાખ
વિદ્યાર્થીઓ છે કે, જેમની પાસે ટીવી અથવા કમ્પ્યુટર નથી.આ પછી, આ મુદ્દે ચર્ચા
વધુ તીવ્ર શરુ થઈ છે.

સપ્ટેમ્બર-૨૦૧૯માં એક અહેવાલમાં જણાવાયું છે કે, ઇન્ટરનેટ સ્પીડના મામલે
ભારત વિશ્વમાં ૧૨૮માં નંબરે છે. ૫ાકિસ્તાન અને બાંગ્લા દેશ પણ આપણાથી
આગળ છે ! અને આપણે ‘ડિઝીટલ ઈન્ડિયા’ બનાવવું છે. ગ્રામીણ વિસ્તારોમાં
પરિસ્થિતિ વધુ વિકટ છે. શહેરો અને ગ્રામીણ વિસ્તારોના વિદ્યાર્થીઓે વચ્ચેનું આ
અંતર ઓેનલાઇન શિક્ષણના માર્ગમાં સૌથી મોટું અવરોધક છે.
આ ચિત્રનું બીજું પાસું એકદમ અલગ છે. દાખલા તરીકે, કોલકાતાની પ્રતિષ્ઠિત
સાઉથ પોઇન્ટ સ્કૂલ દ્વારા દર અઠવાડિયે યોજાયેલા બારસો વર્ચુઅલ વર્ગખંડોમાં
સરેરાશ દસ હજાર વિદ્યાર્થીઓે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બે કલાક અભ્યાસ કરે છે.
આ શાળા દ્વારા નવમી અને અગિયારમાં ધોરણના વિદ્યાર્થીઓેની ઓનલાઇન
પરીક્ષાઓે પણ લેવામાં આવી છે. શાળાના આચાર્ય રૂપા સન્યાલ ભટ્ટાચાર્ય કહે છે,
‘અમને કોઈ સમસ્યા નથી. પરંતુ દેશમાં કેટલી શાળાઓે આવી સુવિધા ધરાવે છે ?
ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં, કમ્પ્યુટર અને ઇન્ટરનેટ સાથે, વીજળી પણ એક
સમસ્યા છે. આર્થિક રીતે પછાત વિદ્યાર્થીઓે સુધી ઓનલાઇન પહોંચવું એ એક ખૂબ
ગંભીર સમસ્યા છે.’
અમદાવાદ જેવા વિકસીત શહેરની સ્કૂલમાં ભણતા આશરે અડધા વિદ્યાર્થીઓે
માટે આવી સુવિધા નથી. એક શાળાના પ્રજાપતિ નામના શિક્ષક કહે છે, ‘અમારા
મોટાભાગના વિદ્યાર્થીઓે ગરીબ પરિવારોના છે અને દૂર-દૂરથી આવે છે. એકમાત્ર
સમસ્યા એ છે કે, તેમના ઘરોમાં નિયમિતપણે વીજળીનો પુરવઠો પણ નથી આવતો
ત્યાં ઇન્ટરનેટ અને કમ્પ્યુટરની તો દૂરની વાત છે.’ તેમનું કહેવું છે કે, કોઈ પણ
તૈયારી વિના ઓેનલાઇન શિક્ષણ શરૂ કરવા માટે કહેવાય છે, પણ કેટલા મકાનોમાં
જરૂરી પાયાની સુવિધાઓે છે તેની કાળજી લેવામાં આવતી નથી.
આ બાબતમાં દેશની રાજધાની દિલ્હીની હાલત પણ અલગ નથી. સરકારી અને
મ્યુનિસિપલ શાળાઓેમાં ભણતા આશરે ૧૬ લાખ બાળકો મોબાઇલ, ઇન્ટરનેટ અને
કમ્પ્યુટરના અભાવને કારણે ઓનલાઇન વર્ગોમાં ભાગ લઈ શકતા નથી.

પાલિકા સંચાલિત આશરે સોળ સો શાળામાં આઠ લાખ બાળકો અભ્યાસ કરે છે,
જ્યારે દિલ્હી સરકાર દ્વારા સંચાલિત ૧૦૨૮ શાળાઓેમાં વિદ્યાર્થીઓેની સંખ્યા ૧૫.૧૫
લાખ જેટલી છે. આમાંની મોટાભાગની શાળાઓેમાં ન તો માતા-પિતાનો સંપર્ક નંબર
છે અને ન તેમનો કોઈ ડેટા. આ કિસ્સામાં,ઓનલાઇન અભ્યાસ કરાવવો એ એક
દીવાસ્વપ્ન જેવું છે.
શાળાઓે લોકડાઉનમાં બંધ હોવાના કારણે શરુ થયેલા ઓનલાઇન અભ્યાસમાં
પણ વિદ્યાર્થીઓે વધારે રસ લેતા નથી. આ જ કારણ છે કે, ફક્ત અડધા વિદ્યાર્થીઓે
ઓ વર્ગોમાં જોડાવા માટે સક્ષમ થયા છે. આ સિવાય ઇન્ટરનેટની સ્પીડ પણ અસર
કરી રહી છે. એક શાળામાં ૧૧માં ધોરણની વિદ્યાર્થીની કહે છે, ‘ઓનલાઇન વર્ગો
વધુ સારા છે. પરંતુ મોકલાયેલી ટેક્સ્ટ કરતા યુટ્યુબ પર વધુ સારી સામગ્રી
ઉપલબ્ધ છે. વળી લાંબો સમય મોબાઇલમાં રહેવાને કારણે આંખોની સમસ્યાઓે શરુ
થઈ ગઈ છે.’
યુનાઈટેડ નેશન્સ એજ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓેર્ગેનાઇઝેશન
(યુનેસ્કો)એ કહ્યું છે કે, કોરોનાને કારણે શાળાઓે બંધ થવાને કારણે વિશ્વભરના ૧૫૪
મિલિયન વિદ્યાર્થીઓે પ્રભાવિત થયા છે. તેમણે ઓ સમસ્યાને પહોંચી વળવા માટે
છ-પોઇન્ટ સમાધાન સૂચવ્યું છે, જેમાં ડિજિટલ વિભાજનને દૂર કરવું પણ છે. પરંતુ
ભારત જેવા વિકાસશીલ દેશ માટે આ સૂચનોનું પાલન અઘરું છે.
કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરીયલ નિશંકે દાવો કર્યો છે કે, શાળાના શિક્ષણ
માટે ઇ-પાઠશાળા જેવા ઓેનલાઇન શિક્ષણ પ્લેટફોર્મ છે. પરંતુ જો કોઈ બાળક પાસે
ઇન્ટરનેટ સુવિધા નથી, તો ‘સ્વયંપ્રભા’ની ૩૨ ચેનલો દ્વારા તેમને શિક્ષણ આપવામાં
આવી રહ્યું છે.
તેઓે કહે છે, ‘સરકાર સૌથી ગરીબ વર્ગના બાળકો માટે પણ ચિંતા કરે છે કે,
જેમની પાસે ઇન્ટરનેટ અને સ્માર્ટફોન નથી. તેમના અનુસાર અભ્યાસક્રમ તૈયાર
કરવામાં આવશે અને જરૂર પડ્‌યે રેડિયોની સહાયતા લેવામાં આવશે.’

શિક્ષણવિદ્‌ ડા.નિર્મલ કર્મકર કહે છે, ‘જે દેશમાં શાળા શિક્ષણ માટે શિક્ષકો અને
મકાનો જેવી પાયાની સુવિધાઓ નથી, ત્યાં ઓનલાઇન શિક્ષણની વાત બાલિશ લાગે
છે.’
ઘણા વિદ્વાનોએ દેશમાં ડિજિટલ ખાઈ અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે
કે, મિશન અંત્યોદય હેઠળ ૨૦ ટકા ગ્રામીણ પરિવારોને ૮ કલાકથી ઓછી વીજળી
મળે છે અને ૪૭ ટકાને ૧૨ કલાકથી વધુ વીજળી મળે છે.
આ સિવાય, ૨૦૧૮ના અધ્યયન મુજબ ફક્ત ૨૪ ટકા લોકો પાસે સ્માર્ટફોન છે.
અન્ય અહેવાલ મુજબ જુલાઈ ૨૦૧૭થી જૂન ૨૦૧૮ની વચ્ચે દેશના માત્ર ૧૦.૭ ટકા
ઘરોમાં કોમ્પ્યુટર્સ છે.
આમ ઓનલાઇન શિક્ષણ ભારત માટે સારી બાબત છે. પરંતુ આ માટે પહેલા
ગરીબી અને ઇન્ટરનેટ વપરાશ જેવા અનેક અવરોધોને દૂર કરવા જરૂરી છે.

Follow Me:

Related Posts