fbpx
ગુજરાત

મુખ્યમંત્રીએ અચાનક રાજ્યપાલ સાથે મુલાકાત કરતા કેબિનેટના વિસ્તરણની અટકળો તેજ

સીઆર પાટિલને પ્રદેશ પ્રમુખ બનાવી ભાજપના સંગઠનમાં ફેરફાર કરાયા છે, ત્યારે હવે સરકારમાં પણ નવા ચહેરાઓને સામેલ કરવાને લઈને અટકળો તેજ બની છે. પ્રાપ્ત વિગતો અનુસાર, સીએમ રુપાણીએ આજે અચાનક જ રાજ્યપાલ સાથે મુલાકાત કરતા કેબિનેટમાં વિસ્તરણ કરાય તેવી અટકળો શરુ થઈ ગઈ છે. સંગઠનમાં લાંબો સમય કામ કરનારા જીતુ વાઘાણીને પણ હવે મંત્રીપદુ અપાય છે કે કેમ તેના પર પણ આ વખતે નજર રહેશે.
ભાજપે જીતુ વાઘાણીની ટર્મ પૂરી થતાં તાજેતરમાં જ સંગઠનમાં મોટો ફેરફાર કરતા પહેલીવાર બિનગુજરાતી એવા સીઆર પાટીલને પ્રદેશ પ્રમુખ બનાવ્યા છે. અત્યારસુધી પક્ષમાં આ પદ પાટીદાર કે ક્ષત્રિયને જ સોંપવાની પરંપરા હતી, જેને પહેલીવાર તોડવામાં આવી છે. સૂત્રોનું માનીએ તો, સીઆર પાટીલ પીએમ મોદીના ખૂબ જ વિશ્વાસુ છે. પાટીલને પ્રમુખ બનાવવાનો નિર્ણય પણ પીએમનો જ હતો, અન તેમણે આ અંગે અમુક લોકોને જ જાણ કરી હતી.
૨૦૧૭માં થયેલી વિધાનસભા ચૂંટણી બાદ કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા એકલ-દોકલ નેતાઓને મંત્રી બનાવવા સિવાય કેબિનેટમાં મોટા ફેરફાર નથી થયા. તેવામાં આ વખતે સરકાર આગામી સમયમાં આવી રહેલી આઠ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી તેમજ કોર્પોરેશન અને પંચાયતની ચૂંટણીઓને પણ ધ્યાનમાં રાખીને કેબિનેટમાં વિસ્તરણ કરવામાં આવે તેવી શક્્યતા છે.
એક અહેવાલ પ્રમાણે સીઆર પાટીલને પ્રમુખ બનાવાયા તેની જાણ રુપાણીને પણ અગાઉથી નહોતી કરવામાં આવી. એક તરફ કોંગ્રેસે હાર્દિક પટેલને સંગઠનમાં મહત્વનું પદ સોંપી પાટીદારોને રિઝવવાનો પ્રયાસ કર્યો છે, ત્યારે હવે કેબિનેટમાં ફેરફાર કરી ભાજપ જ્ઞાતિનું સમિકરણ કઈ રીતે બેસાડે છે તે જાેવાનું રહેશે.
ગાંધીનગરના રાજનૈતિક વર્તુળોમાં હાલ ચર્ચા છે કે,ઇશ્વર પરમાર, આરસી ફળદુને નવી કેબિનેટમાંથી પડતા મુકાઈ શકે છે. એટલું જ નહીં પરંતુ મહામારીમાં સુરતમાં હાલ જે રીતની સ્થિતિ છે તે જાેતા આરોગ્યમંત્રી કુમાર કાનાણીને પણ પડતા મુકાવામાં આવી શકે તેવી સંભાવના છે. આત્મરામ પરમાર અને વાધાણીની મંત્રીમડળમાં સમાવી શકે છે.

Follow Me:

Related Posts