fbpx
ગુજરાત

કોરાના દર્દીઓમાં વધારો થતા જામનગરમાં ૮ ખાનગી તબીબો સાથે કર્યા એમઓય

કોરાના દર્દીઓમાં વધારો થતા જામનગરમાં ૮ ખાનગી તબીબો સાથે કર્યા એમઓય જામનગર શહેરમાં કોરોનાના વધતા સંક્રમણના પગલે સરકારી હોસ્પિટલમાં કોરોનાની મળતી સારવાર બાદ હવે મહાનગરપાલિકા અને જામનગરના જાણીતા ૮ ખાનગી તબીબો વચ્ચે એમઓયુ કરવામાં આવ્યા છે. એમઓયુના ભાગરૂપે જામનગર શહેરમાં ખાનગી હોસ્પિટલમાં પણ કોરોનાની સારવાર શરૂ કરવામાં આવી છે. મનપા દ્વારા ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની સારવાર અંગેના ભાવો પણ નક્કી કરવામાં આવ્યા છે જે ખુબ મહત્વની બાબત છે. જામનગરમાં અત્યાર સુધી કોરોનાની સારવાર સરકારી કોવિડ-૧૯ જીજી હોસ્પિટલમાં જ આપવામાં આવતી હતી. પરંતુ જામનગર શહેરમાં જે રીતે હવે અનલોક-૨ માં કોરોના પોઝિટિવની સંખ્યામાં જેટ ગતિએ વધારો થઈ રહ્યો છે અને દર્દીઓની સંખ્યામાં વધારો થતાં ક્્યાંકને ક્્યાંક જામનગરનુ આરોગ્ય વિભાગ પણ ચિંતામા મૂકાયુ છે.
આવા સમયે ગુજરાત રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિની થોડા સમય પહેલા જામનગર વહિવટી તંત્રની બેઠકમાં નક્કી થયા મુજબ જામનગરમાં પણ કોરોનાની સારવાર સાથેની સુવિધાઓવાળી ખાનગી હોસ્પિટલ તાબડતોબ શરૂ કરવાની લીલી ઝંડી આપતાની સાથે જ મનપા હરકતમાં આવ્યું છે. ખાનગી તબીબો સાથે બેઠક કરી જામનગરમાં હવેથી ખાનગી હોસ્પિટલોમા કોરોના દર્દીઓની સારવાર શરૂ કરવામાં આવી છે. કોરોના પોઝિટિવ દર્દીઓ એસિપ્ટોમેટીક અથવા માઈલ્ડ સિમ્પટમ્સ ધરાવતા હોય તેવા કિસ્સામાં કોરોના દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર મળી શકે તે માટે હાલ બે હોસ્પિટલ શરૂ થઇ છે. જેમાં ક્રિટીસર્ચ હોસ્પિટલ દ્વારા હોમ આઇસોલેશન થયેલ દર્દીઓને ઘરે સારવાર આપવામાં આવી રહી છે. તો સાથે સાથે નવા શરુ કરવામા આવેલ વિનસ કોવિડ કેર સેન્ટરમા ૨૦ ઓક્સિજન સાથેના અને ૨૦ ઓક્સિજન વિનાના બેડની ખાસ સુવિધા કોરોના દર્દીઓ માટે કરવામાં આવી છે.
તેમજ જામનગરના ખૂબ જાણીતા અને અનુભવી ૮ જેટલા તબીબો દ્વારા કોરોનાની ઉત્તમ સારવાર મનપા દ્વારા નક્કી કરવામા આવેલા ભાવો પ્રમાણે આપવામાં આવી રહી છે. ખાસ કરીને સરકારી જીજી કોવિડ-૧૯ હોસ્પિટલમાં કોરોનાની સંખ્યામાં વધારો થતા ખાનગી હોસ્પિટલમાં સારવાર બાદ હવે સરકારી હોસ્પિટલમાં થોડી રાહત થશે. મનપા દ્વારા સામાન્ય નાગરિકો માટે ૨ ખાનગી હોસ્પિટલની યાદી જાહેર કરાઈ છે. મનપા દ્વારા કોરોનાની સારવાર અંગેના ભાવો પણ નક્કી કરાયા છે. હોમ આઇસોલેશન અને હોસ્પિટલમાં સારવાર બંને સેવાઓ ઉપલબ્ધ બની રહેશે. આમ, હવે કોરોનાના દર્દીઓ હવે ખાનગી હોસ્પિટલની સારવાર લઇ શકશે. જામનગરના નામાંકિત ખાનગી તબીબો દ્વારા કોરોનાની સારવાર અપાશે.

Follow Me:

Related Posts