fbpx
ગુજરાત

સ્વતંત્ર પર્વને અનુલક્ષીને યોજાયેલા “હેપ્પી રક્તદાન શિબિર”માં ૩૭ યુનિટ્‌સ રક્ત એકત્ર કરાયું

ગાંધીનગરની સેવાભાવી યુવાનોની સંસ્થા હેપ્પી યુથ ક્લબ અને લાયન્સ ક્લબ ઓફ ગાંધીનગર ફેમિનાના સંયુક્ત ઉપક્રમે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સહયોગથી સ્વાતંત્ર્ય પર્વને અનુલક્ષીને ભારતના સ્વતંત્રતાસેનાનીઓ તેમજ ભારતીય સૈન્યના વીર શહીદ જવાનોને શ્રધ્ધાંજલિ અર્પણ કરવાના હેતુથી તા. ૧૬મી ઓગસ્ટ રવિવારે “હેપ્પી રક્તદાન શિબિર” યોજાઇ હતી જેમાં ૩૭ યુનિટ્‌સ રક્ત એકત્ર થયું હતું. “હેપ્પી રક્તદાન શિબિર”માં ગાંધીનગરના મેયર રીટાબેન પટેલ, પૂર્વ ડેપ્યુટી મેયર કાર્તિકભાઈ મહેતા, કોર્પોરેટર હર્ષાબા ધાંધલ, લાયન્સ ઇન્ટરનેશનલ રિજયન ચેરમેન અતુલભાઈ જાેશી, ચેરમેન રાજેશ ગૌડા, બ્લડ ડોનેશન ચેરમેન ધર્મેશભાઈ ઠક્કર સહિત વિવિધ અગ્રણીઓએ ઉપસ્થિત રહી અભિનંદન પાઠવ્યા હતા.
આ કેમ્પ સાથે હેપ્પી યૂથ કલબ દ્વારા કોરોના મહામારીના કાળમાં છેલ્લાં ત્રણ માસ દરમ્યાન ત્રણ કેમ્પના આયોજન કરી કુલ ૧૦૦ યુનિટ્‌સ રક્ત એકત્ર કરવામાં આવ્યું છે જે પ્રસંગે સંસ્થા દ્વારા તમામ રક્તદાતાઓ તેમજ આ સેવાકાર્યમાં મદદરૂપ થનાર સૌ કોઈનો આભાર માનવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં હેપ્પી યૂથ ક્લબના કોષાધ્યક્ષ ભાવના રામી, કેમ્પ કોઓર્ડિનેટર કિરીટ પારઘી સહિત સભ્યો, લાયન્સ ક્લબ ફેમિનાના પ્રોજેકટ લીડર ડીમ્પલ દેસાઇ, પ્રોજેકટ ચેરમેન ડો.ઉર્વીબેન મહેતા, પ્રમુખ મમતાબેન રાવલ, સેક્રેટરી દક્ષાબેન જાદવ સહિત મહિલા સભ્યોએ ભારે જહેમત ઉઠાવી કેમ્પને સફળ બનાવ્યો હતો. આ રક્તદાન શિબિર ગાંધીનગરના સેક્ટર-૭ડી ખાતે ડો.ઉર્વી – દિપક મહેતાની હોસ્પિટલે કોવિદ-૧૯ની ગાઈડલાઇન અનુસાર અગાઉથી સ્થળનું સેનેટાઇઝેશન કરીને ફરજિયાત માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે તેમજ સ્થળ પર થર્મલ સ્કેનર તથા સેનેટાઈઝરની સુવિધા સાથે યોજાયો હતો. કેમ્પમાં રક્ત એકત્ર કરવાની સેવા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીની કલોલ શાખાની ટીમે પૂરી પાડી હતી. કેમ્પમાં રક્તદાન કરનાર તમામ રક્તદાતાઓને પ્રમાણપત્ર, રક્તદાતા કાર્ડ તેમજ શુભેચ્છા ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Follow Me:

Related Posts