fbpx
ગુજરાત

હવે સફરજનની પેટીઓ સાથે ડ્રગ્સ ઝડપાયું : પંજાબથી 1 કરોડનું ચરસ ગુજરાતમાં ઘુસાડે તે પહેલા જ મુંબઈના સાળા-બનેવીને બનાસકાંઠા SOG અને ATSએ દબોચી લીધા

ડ્રગ્સ, અને દારૂની ગેરકાયદે પ્રવૃત્તિ અટકાવવા પોલીસ એક્ટિવ થઈ છે. અમદાવાદના સોલા પોલીસે સફરજનની આડમાં થતી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો હતો, ત્યારે આજે પંજાબમાંથી 1 કરોડનું ચરસ લાવતા મુંબઈ અને અમદાવાદના બે શખ્સને બનાસકાંઠા SOG અને ATSએ દબોચી લીધા છે. કારમાં આવતા આરોપીઓ પાલનપુર ટોલનાકા નજીક એક હોટલ ઉભા રહેવાના હોવાની બાતમી મળતા પોલીસે વોચ ગોઠવી હતી. અને આરોપીઓને ઝડપી લેવામાં સફળતા મેળવી હતી. આરોપીઓની પૂછપરછમાં અમદાવાદના વટવામાં રહેતાં ઈમરાન નામના શખ્સે ચરસનો જથ્થો મંગાવ્યો હોવાનું ખુલ્યું છે. સમગ્ર કાર્યવાહી અંગે બનાસકાંઠા SOG પીઆઈ એમ.કે.ઝાલાએ ‘સાંજ સમાચાર’ ને વિશેષ માહિતી આપી હતી. પીઆઈ ઝાલાના જણાવ્યા મુજબ ગુજરાત એટીએસના પીઆઈ ચેતન જાદવને બાતમી મળી હતી કે, મુંબઈ પાસિંગની વેગન આર કારમાં બે શખ્સ પંજાબના લુધિયાણાથી ચરસનો જથ્થો લઈ પાલનપુર ટોલ પ્લાઝા પાસે મલાણા ગામ નજીક મહાકાલ હોટલ પર આવવાના છે. જેથી SOG અને ATS સ્ટાફ દ્વારા વહેલી સવારથી વોચ ગોઠવવામાં આવી હતી. માહિતી મુજબની કાર આવતા જ તેને અટકાવી તપાસ કરવામાં આવી હતી. કારમાં પાછળની સીટ પર સફરજનની પેટીઓ પાસેથી પડેલા પ્લાસ્ટીકના સફેદ થેલામાંથી માદક પદાર્થ મળી આવ્યો હતો. જે પદાર્થની તપાસ કરતા ચરસ હોવાનું જાણવા મળ્યું હતું. જથ્થાનું વજન કરતા 16.753 કિલોગ્રામ થયું હતું. જેની કિંમત રૂ.1,00,51,800 ગણી પોલીસે કબ્જે લીધું હતું. કારમાં સવાર ફહિમ અઝીમ બેગ (ઉંવ.31, રહે, માહિમ લુહાર ચાલ, માહીમ વેસ્ટ મુંબઈ) અને તેના સાળા સમીર એહમદ શેખ (ઉં.વ.27, રહે ઔરંગાબાદ, મહારાષ્ટ્ર)ને સકંજામાં લઈ પોલીસે તેમના કોવિડ ટેસ્ટ કરવા તજવીજ કરી હતી. પોલીસ તપાસમાં બન્ને આરોપીઓએ જણાવ્યું હતું કે, મુંબઈ માહિમ અને અમદાવાદ વટવામાં મકાન ધરાવતા ઇમરાને લુધિયાણાથી જડીબુટ્ટી લાવવાનું કહીને મોકલ્યા હતા. જેથી તેઓ લુધિયાણાની સબ્જીમંડીમાં પહોંચ્યા હતા. જ્યાં જમ્મુ કાશ્મીર પાસિંગની ટ્રક આવી હતી. ટ્રક ચાલકે તેમને આ પડીકું આપ્યું તે લઈને તેઓ પરત આવતા હતા. જોકે, મુખ્યસૂત્રધાર ઇમરાનને આ જથ્થો મળે તે પહેલા પોલીસે બન્નેને ઝડપી લીધા હતા. હાલ પીઆઈ એમ.કે. ઝાલાના માર્ગદર્શન હેઠળ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જ્યારે ઇમરાનને ઝડપી લેવા પોલીસે ચક્રોગતિમાન કર્યા છે.

Follow Me:

Related Posts