fbpx
ગુજરાત

અવધુત શિરોમણી ગિરનાર ઉપર રામકથાનો શુભારંભ

અવધુત શિરોમણી ગિરનાર ઉપર રામકથાનો શુભારંભ પૂ. મોરારિબાપુએ અવધુત જોગંદર ગિરનાર પરનાં તમામ પૂજનીય સ્‍થાનોએ વંદન કર્યા ગિરનાર પર કથાનો મનોરથ કરનાર બ્રહ્મલીન સ્‍વામી મુકતાનંદગીરીજી મહારાજને શ્રઘ્‍ધાંજલિ પાઠવી કોરોનાકાળમાં સતર્કતા, સાવચેતી અને સામાજીક અંતરની જાળવણીનાં પાલન સાથે રામકથાનો આસ્‍થાભેર પ્રારંભ બાલકાંડમાં યાજ્ઞવલ્‍કયજી ભારદ્વાજજીને રામકથા સંભળાવતા પહેલા શિવ ચરિત્ર સંભળાવે છે. શિવ-વિવાહ પ્રસંગમાં ભગવાન શંકર નંદી પર સવાર થઈને હિમાચલ-પુત્રી પાર્વતી સાથે વિવાહ કરવા આવે છે, ત્‍યારે મહારાણી મયના એમને જોઈને બેહોશ થઈ જાય છે અને પોતાની સુંદર પુત્રીને આવા વર સાથે પરણાવવાની અનિચ્‍છા દર્શાવે છે. એ વખતે નારદજી એમને કહે છે કે ‘મહારાણી મયના ! મારી વાણી    સાંભળો. તમારા ઘરે જે પુત્રી થઈને જન્‍મી છે, તે જગદંબા ભવાની છે. તે અજન્‍મા છે, અનાદિ છે, શકિત છે, અવિનાશી છે અને સદા સર્વદા ભગવાન શંકરનાં અર્ધાંગમાં નિવાસ કરનારી છે.’ જુગ જુના ગરવા ગિરનાર પર કથાગાનનો આરંભ કરતાં પહેલાં પૂજય બાપુએ અવધૂત જોગંદર ગિરનાર અને તેના પરનાં તમામ પૂજનીય સ્‍થાન તેમજ તમામ સાધુ-સંતો અને પ્રગટ અપ્રગટ દિવ્‍યચેતનાઓને પ્રણામ કર્યા. આ કથાનો જેમણે મનોરથ કર્યો હતો, અને કથાનું નિર્માણ કરીને જે ચાર દિવસ પહેલા નિર્વાણ પામ્‍યા એવા બ્રહ્મલીન સ્‍વામી મુકતાનંદ ગીરીજી મહારાજની નિર્ભિક ચેતનાને  પૂજય બાપુએ વંદન સાથે શ્રદ્ધાંજલી પાઠવી. બાપુએ કહ્યું ભગવાન દત્તાત્રેયે આ સાધના ભૂમિને તપસ્‍થલિ તરીકે પસંદ કરી, એ જ એનું મહાત્‍મ્‍ય છે. અતીતના ધૂણાની અગ્નિ કયારેય બૂઝાય નહીં. એ ત્‍યારે જ બૂઝાય, જયારે ભજન ઘટી જાય. પૂજય બાપુએ કહ્યું કે, કમંડળ કુંડ પર આ અગાઉ ત્રણ વખત તેઓ આવી ચૂકયા છે. હમણાં સેંજળ ધામમાં શ્રોતા વિનાની કથા થઈ, એ વખતે જ બાપુનો મનોરથ હતો કે શારદીય નવરાત્રીની કથા ગિરનાર પર – શકય હોય તો – ભકમંડળ કુંડભ પર કરવી. તેમના આ મનોરથને જયન્‍તીભાઈ ચાંદ્રાએ ઝીલી લીધો. કોરોના કાળમાં સતર્કતા, સાવચેતી અને સામાજિક અંતરની જાળવણીનાં નીતિ-નિયમોનાં પૂરાં પાલન સાથે ગિરનારની ગોદમાં વસતા તમામ સાધુ-સંતોના તેમણે આશીર્વાદ લીધા. બાપુએ કહ્યું કે, આ પહેલાં માનસરોવર, રાક્ષસ તાલ, કૈલાસ, નીલગીરી પર્વત પરનું ભૂસુંડી સરોવર તેમજ અમરનાથ જેવા દુર્ગમ સ્‍થાનો ઉપર કથા થઈ છે. પરંતુ આ બધાં સ્‍થાન પર કોઈને કોઈ સ્‍વરૂપે વાહન વ્‍યવહાર શકય છે. જયારે અહીં કોઈપણ વસ્‍તુ લાવવા માટે સેવાકર્મીઓએ જ ભાર વહન કરવો પડેછે. આવા સંજોગોમાં પણ ચાંદ્રા પરિવારે પડકારને ઝીલી લીધો અને કઠિન કાર્ય પાર પાડી બતાવ્‍યું. હનુમાન ચાલીસાની ચોપાઈ

‘દુર્ગમ કાજ જગત કે જે તે

સુગમ અનુગ્રહ તુમ્‍હરે તે તે’- અહીં 1008 વાર સફળ થઇ છે સંસારનાં જેટલાં દુર્ગમ કાર્ય હોય, તે એની કૃપાથી જ સરળ થઈ જાય છે. મા દુર્ગાનાં પાવન પર્વ નવરાત્રિમાં દુર્ગમ સ્‍થાન પર કથાનો પ્રારંભ થઇ રહ્યો છે, તેની પ્રસન્નતા વ્‍યકત કરતા બાપુએ કહ્યું કે આ કેવળ અને કેવળ કૃપાથી જ થઈ શકે. ભરોસો જ ભજન છે. લાખ અનુષ્ઠાન કરો, પણ ભરોસો જ ન હોય તો એ ભજન શું કામનું ? પાંચ પ્રકારની નિષ્ઠા હોય છે- હરિનિષ્ઠા, ગુરુનિષ્ઠા, શાસ્ત્રનિષ્ઠા, શબ્‍દનિષ્ઠા અને કુળની ખાનદાનીની નિષ્ઠા. શરીર ભલે પંચમહાભૂતનું બનેલું હોય, પરંતુ આઘ્‍યાત્‍મિક શરીર તો આ પાંચ નિષ્ઠાથી બને છે.  પરમ ભરોસાએ જ આપણને અહીં પહોંચાડયા છે. એક અર્થમાં ગિરનાર સાવ પોલો છે. અને બીજા અર્થમાં સંપૂર્ણ સભર છે. સાધનાથી સભર- છતાં સાવ ખાલી ! શૂન્‍ય અને પૂર્ણનું અદ્‌ભૂત સાયુજય અહીં અનુભવાય છે. ગિરનાર હિમાલયના દાદાનો દાદો છે ! શાસ્ત્રોમાં આ પર્વતનો ઉલ્લેખ રેવતાચલ અથવા રેવતગિરિ તરીકે થયો છે. શાસ્ત્રોએ તો નિર્ણય આપ્‍યો છે, પણ વિજ્ઞાન અને  ભૂસ્‍તરશાસ્ત્રીઓએ પણ કહ્યું છે કે- ‘હિમાલય કરતાં લાખો વર્ષ પુરાણોગિરનાર પર્વત છે.’ મહાકવિ માઘે પોતાના ‘શિશુપાલ વધ’ નામનાં કાવ્‍યમાં આ પર્વતનો ઉલ્લેખ કર્યો છે. પૂજય બાપુએ કહ્યું કે મને ગિરનાર સાથે મહોબ્‍બત છે. બહુ પુરાણી પ્રીતિ છે. સાધનાની કોઈપણ વિદ્યાનો ઉપાસક મહાપુરુષ અહીં આવ્‍યા વિના ન રહી શકે. કારણ કે આ સ્‍થાન તેને ખેંચે છે. બાપુએ કહ્યું કે ચૈત્ર નવરાત્ર સૌમ્‍ય નવરાત્ર છે. જયારે શારદીય નવરાત્રમાં અનેક પ્રકારનાં અનુષ્ઠાનો થતાં હોય છે. આ નવરાત્રીનો આનંદ વ્‍યાપક સ્‍વરૂપે લોકો લેતા હોય છે. મારા માટે તો રામચરીત માનસ એ જ મારો ગરવો ગરબો છે. એક જિજ્ઞાસાના સમાધાનમાં પૂજય બાપુએ કહ્યું કે- મને બીજા કોઈ સત્‍યની ખબર નથી. બીજા કોઈ ઈશ્વરની પણ ખબર નથી મારી યાત્રા ત્‍યાં પૂરી થઈ જાય છે જયાં મારા ગુરુ છે. ગુરુ મારા ભગવાન છે ગુરુ જ મારું સત્‍ય છે. મારા મતે, ગુરુ વિના જો કોઈ સાધક સત્‍ય કે ઈશ્વરને પામી શકે, તો કદાચ ઇશ્વર પણ મુસ્‍કુરાતો હશે કે – ‘બેટા જેને તું છોડીને આવ્‍યો છે, એ જ હું છું.’ એમ કહી શકાય કે જેમ યાત્રા સ્‍થાન અથવા કોઈ વિશેષ સ્‍થાનને સમજવા માટે ગાઈડ જોઈએ, એમ પરમ તત્‍વને સારી રીતે સમજવા માટે ગુરુ ગાઈડ છે. ગુરુ દત્તાત્રેયે જે સ્‍થાન પર પોતાનું કમંડળ ફેંકયું હતું, ત્‍યાં ગંગાનું પ્રાગટય થયું. એ જ આ કમંડળ કુંડ છે, જેમાં ગંગા છે. ગંગા કેવળ પતિતપાવની જ નથી પાવન પાવની પણ છે. આજે તો લેબોરેટરીમાં પણ એ સિદ્ધ થયું છે કે ગંગાજળ પીનારા, ગંગા સ્‍નાન કરનારા કે ગંગા કિનારે રહેનારાને કોરોના જેવી મહામારી બહુ સ્‍પર્શી શકી નથી. કથાના ક્રમમાં પ્રવેશતા પૂજય બાપુએ કહ્યું કે – ‘તુલસીદાસજીએ સાત શ્‍લોક અને પાંચ સોરઠા દ્વારા મંગલાચરણ કર્યું છે. અને ત્‍યાર પછી જયાંથી ચોપાઈઓનો પ્રારંભ થાય છે તે ગુરુ વંદના પ્રકરણ છે. જેને તલગાજરડી વ્‍યાસપીઠ ગુરુગીતા કહે છે. કથાની પ્રવાહી પરંપરા પ્રમાણે વંદના પ્રકરણમાં શ્રી હનુમાનજી મહારાજની વંદના સાથે પૂજય બાપુએ આજની કથામાં પોતાની વાણીને વિરામ આપ્‍યો.

Follow Me:

Related Posts