fbpx
ગુજરાત

ગજબ! ગધેડા લાત મારતા વિવાદ ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચી ગયો

ઘણીવાર કોર્ટમાં પણ એવા કિસ્સા આવતા હોય છે જેનાથી સામાન્ય રીતે ગંભીર રહેતી કોર્ટની કાર્યવાહી રમૂજથી ભરાઈ જાય છે. આવો જ એક રસપ્રદ કિસ્સો ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યો છે. વિવાદના મૂળમાં રસ્તે રખડતા એક ગધેડાએ લાત મારતા વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ થઈ સર્જરી કરાવવી પડી હતી. જે બાદ તેણે નગરપાલિકાના ચીફ ઓફિસર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન વિરુદ્ધ રસ્તે રખડતા ઢોર વિરુદ્ધ કાર્યવાહી ન કરવાની ફરિયાદ નોંધાવી હતી.
ગુજરાતના નવસારીની આ ઘટનામાં જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે જવાબદારો સામે કેસ નોંધવા માટે આદેશ કર્યો હતો જેના કારણે ચીફ ઓફિસર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. જેમાં ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ એ.એસ સુપૈયાએ અરજદારોને વચગાળાની રાહત આપી કોઈ સખત કાર્યવાહી ન કરવા માટે આદેશ આપ્યો છે. આ સાથે પ્રતિવાદી પક્ષને નોટીસ પાઠવીને કેસની વધુ સુનાવણી ચોથી ડિસેમ્બરે કરવાનું નક્કી કર્યું છે.
તદ્દન અસામાન્ય અને અજીબોગરીબ આ કિસ્સામાં નવસારીમાં રહેતા એક એડવોકેટના પિતાને રસ્તા પર ગધેડાએ લાત મારીને ગંભીર ઈજા પહોંચાડી હતી. જેના પરિણામે તેમને હોસ્પિટલમાં દાખળ કરીને સર્જરી કરાવવી પડી હતી. જે બાદ વકીલે નવસારી નગરપાલિકાના ચીફ ઓફિસર દશરથસિંહ ગોહિલ અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પ્રેમચંદ લાલવણી વિરુદ્ધ ફોજદારી કેસ દાખલ કરવા માટે અરજી આપી હતી. પોલીસે આ અંગે પ્રાથમિક તપાસ કરતા સામે આવ્યું હતું કે નગર પાલિકાએ ઢોર પકડવા માટે સ્ટાફ અને પકડાયેલા ઢોરના પાંજરા રાખવાની કામગીરી કરી હતી.
બીજી તરફ એ પણ સામે આવ્યું હતું કે વકીલે તેમના વિસ્તારમાં રખડતા ઢોરને રાખવા બાબતે વાંધા અરજી કરી હતી. આ બાબતે જ્યારે વકીલે ડીએસપી કક્ષાએ ફરિયાદ નોંધાવતા તેની તપાસમાં પણ સામે આવ્યું હતું કે નગરપાલિકા, તેના અધિકારી અને પદાધિકારીઓએ પૂરતી તકેદારી લીધી હતી અને અનેક પ્રયાસો કર્યા હતા જેથી આવા કિસ્સામાં તેમને જવાબદાર ઠેરવીને કેસ દાખલ કરી શકાય નહીં. જાેકે આ તપાસથી અસંતુષ્ટ થઈને વકીલે નવસારી ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટને અરજી કરતા મેજિસ્ટ્રેટ ફરિયાદ દાખલ કરવાનો હુકમ કર્યો હતો. જેના કારણે ચીફ ઓફિસર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરી હતી.

Follow Me:

Related Posts