fbpx
ગુજરાત

સુરતથી પાવાગઢ દર્શને જતાં આઇશર અને ટ્રેલર વચ્ચે અકસ્માત, 3 માતા અને 3 પુત્ર સહિત 11 લોકોના મોત

વડોદરા પાસે નેશનલ હાઇવે ઉપર વાઘોડિયા ચોકડી બ્રિજ પર રાત્રે 3 વાગે સુરતથી પાવાગઢ દર્શને જતા આઇશર ટેમ્પો અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો, જેમાં આઇશર ટેમ્પો ટ્રેલરની પાછળ ઘૂસી ગયો હતો. આ ઘટનામાં આઇશર ટેમ્પામાં ફસાયેલા તમામ 27 લોકોને ફાયરબ્રિગેડ દ્વારા બહાર કાઢીને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ દુર્ઘટનામાં 11 લોકોનાં મોત નીપજ્યાં હતા. જેમાં 3 માતા અને 3 પુત્રના મોત થયા હતા. જ્યારે 16 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. અકસ્માતની ઘટના અંગે PM મોદીએ ટ્વીટ કરી દુ:ખ વ્યક્ત કર્યું હતું. આ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ ટ્વીટ કરીને મૃતકોના પરિવારજનોને સાત્વંના પાઠવી હતી. અકસ્માતને પગલે નેશનલ હાઇવે ઉપર ટ્રાફિકજામ થઇ ગયો હતો. જોકે પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ટ્રાફિકને હળવો કર્યો હતો. ઘટનાની જાણ થતાં જ કલેક્ટર અને SDM સહિતના અધિકારીઓ સયાજી હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા અને ઇજાગ્રસ્તોની મુલાકાત લીધી હતી


રાત્રે 3 વાગ્યાની આસપાસ અકસ્માતની ઘટના બનતાં સમગ્ર નેશનલ હાઈવે પર ટ્રાફિમજામની સ્થિતિ ઊભી થઈ હતી. અકસ્માત બાદ પોલીસ તેમજ ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે દોડી આવ્યાં હતાં અને વાહનમાં ફસાયેલા લોકોને બહાર કાઢી સયાજી હોસ્પિટલ ખાતે ખસેડાયા છે. વડોદરાની સયાજી હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ રંજન ઐયરે જણાવ્યું હતું કે અકસ્માતમાં ઘટનાસ્થળે 9 લોકોનાં મોત થયાં હતાં અને 2 લોકોનાં સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયાં હતાં. આમ, અકસ્માતમાં કુલ 11 લોકોનાં મોત નીપજ્યાં હતા, જેમાં 5 મહિલા, 4 પુરુષ અને 2 બાળક સામેલ છે. હાઈવે પર લોકોની મોટી સંખ્યામાં ભીડ જામી જતાં પોલીસે લોકોને હટાવવાની કામગીરી હાથ ધરી હતી.

Follow Me:

Related Posts