fbpx
ગુજરાત

રાજ્યમાં રસી ચાર તબક્કામાં આપવામાં આવશેઃ મુખ્યમંત્રીપરિસ્થિતિ નિયંત્રણમાં નહીં આવે ત્યાં સુધી નાઇટ કફ્ર્યૂ ચાલુ રહેશેઃ રૂપાણી

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, ગુજરાતમાં કોરોનાની પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણ હેઠળ છે. કોરોના સંક્રમિત નાગરિકોને તુરંત સારવાર આપવા માટે પૂરતા પ્રમાણમાં કોવિડ બેડ સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, કોરોના સંક્રમણ અટકાવવા રાજ્ય સરકારે ત્વરિત પગલા ભર્યા છે, જેના ભાગરૂપે કોરોનાના કેસ વધવાની સાથે સૌથી પહેલા અમદાવાદ શહેરમાં વીકએન્ડ કરફ્યૂનો અમલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત વડોદરા, સુરત અને રાજકોટમાં પણ રાત્રે ૯થી સવારે ૬ સુધી નાઈટ કફ્ર્યૂ લગાવવામાં આવ્યો છે, જે પરિસ્થિતિ નિયંત્રણમાં નહીં આવે ત્યાં સુધી ચાલુ રાખવામાં આવશે. રાજ્યમાં લગ્નો અને જાહેર સમારોહમાં પણ સંખ્યા ૨૦૦થી ઘટાડીને ૧૦૦ કરવામાં આવી છે, જ્યારે અંતિમવિધિમાં ૫૦ લોકોને સામેલ થવાની મંજૂરી આપવામાં આવી છે. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, અમદાવાદ સહિત અન્ય શહેરોમાં કોવિડ બેડની સંખ્યા વધારવામાં આવી છે.
હાલમાં લગભગ ૫૫ હજાર આઈસોલેશન બેડ ઉપલબ્ધ છે, જેમાં ૮૫ ટકા એટલે કે લગભગ ૪૫ હજાર બેડ ખાલી છે. કોવિડના દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવા માટે ૧૦૮ની એમ્બ્યુલન્સ સેવા વધુ પ્રભાવિ બનાવવામાં આવી છે. જેથી કરીને કોરોના સંક્રમિત દર્દીઓને યોગ્ય હોસ્પિટલમાં કોરોનાની સારવાર મળી રહે આ ઉપરાંત ૧૦૪ હેલ્પલાઈન દ્વારા લોકોને ઘરે બેઠા કોવિડ સંબંધિત સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવે છે. જેનો અત્યાર સુધીમાં ૨ લાખ ૭૮ હજારથી વધુ લોકોએ લાભ લીધો છે. બોન્ડ ધરાવતા ડૉક્ટરોને એપીડેમિક એક્ટ અંતર્ગત તાત્કાલિક હાજર થવા જણાવાયું છે.
જનરલ સર્વેલન્સ અને કોમ્યુનિટી સર્વેલન્સ ટીમોની સંખ્યા મોટા પ્રમાણમાં વધારવામાં આવી છે. વિજય રૂપાણીએ કહ્યુ હતુ કે, કોવિડ પ્રભાવિત વિસ્તારોમાં સારવાર માટે ૧,૧૦૦ ધનવંન્તરી રથ કાર્યરત હતા જેની સંખ્યા વધારીને ૧૭૦૦ કરવામાં આવી છે. આ રથ દ્વારા ડોર સ્ટેપ ઓપીડી ઉપલબ્ધ કરાવવામાં આવે છે જે ખૂબ લોકપ્રિય બની છે. આ સેવાનો અત્યાર સુધીમાં ૧.૫૨ લાખ લોકોએ લાભ લીધો છે, જેમાં શરદી, ઉધરસ સહિત વિવિધ રોગોના દર્દીઓ સામેલ છે. ગુજરાત સરકારે રાજ્યમાં આરટી-પીસીઆર ટેસ્ટીંગ અને એન્ટીજન ટેસ્ટિંગનું પ્રમાણ મોટી માત્રામાં વધાર્યું છે, જે અંતર્ગત ગઈકાલે લગભગ ૭૦ હજાર ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત અમદાવાદ શહેરમાં કોરોનાના દર્દીઓ માટે સંજીવની કોરોના ઘર સેવા – હોમ આઈસોલેશનની વ્યવસ્થા કરવામાં આવી છે.
લગભગ ૭૦૦ સંજીવની રથના માધ્યમથી દૈનિક ત્રણ હજાર કોલ્સ ઉપર સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવે છે. જેમાં ડૉક્ટર અને પેરામેડિકલ સ્ટાફ હોમ આઈસોલેશનમાં રહેલા દર્દીઓની દૈનિક દેખભાળ કરીને તેમનો ઘરે બેઠા સારવાર આપે છે જ્યારે કોરોના સંક્રમિત ગંભીર દર્દીઓને હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવે છે. અમદાવાદ શહેરમાં ૧૨૫થી વધારે કિયોસ્ક અને ૭૪ અર્બન હેલ્થ સેન્ટરમાં સતત કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત હાઈવે, રેલ્વે સ્ટેશન, કોમર્શિયલ બિલ્ડીંગો જેવા સ્થળોએ પણ કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. જેમાં અત્યાર સુધીમાં અંદાજે ૧૧ લાખ ટેસ્ટ વિવિધ સ્થળોએ કરવામાં આવ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની બેઠક પછી ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કોરોનાની રસી વહેલા આવશે તેવી આશા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં કોરોનાની રસી સંપૂર્ણ નિયંત્રણ હેઠળ છે. રાજ્યમાં આવનારી રસી ચાર જુદા-જુદા તબકક્કામાં આપવામાં આવશે. પહેલા તબક્કામાં કોરોનાની રસી ડોક્ટર અને મેડિકલ સ્ટાફને રસી આપવામાં આવશે. બીજા તબક્કામાં પોલીસ અને સફાઈ કર્મચારીઓને રસી આપવામાં આવશે. ત્રીજા તબક્કામાં ૫૦થી વધુ વયના લોકોને રસી આપવામાં આવશે. ચોથા તબક્કામાં ૫૦થી ઓછી વયના લોકોને રસી આપવામાં આપવામાં આવશે.

Follow Me:

Related Posts