મહેસાણામાં ડાભલા ચાર રસ્તા નજીક હિટ એન્ડ રનઃ કારની અડફેટે બે મહિલાના મોત
બેફામ ડ્રાઈવિંગના કારણે અનેક વખત અકસ્માતો સર્જાય છે, જેમાં નિર્દોષ લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવે છે. આવો જ એક અકસ્માતનો કિસ્સો મહેસાણા જિલ્લાના ડાભલા ચાર રસ્તા પર સામે આવ્યો છે. જેમાં પુરપાટ ઝડપે આવી રહેલી ઈકો કારની અડફેટે મજૂરી કરવા જઈ રહેલી બે મહિલાના મોત નીપજ્યા છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, જિલ્લાના વસઈમાં રહેતી બે મહિલાઓ મજૂરી અર્થે ડાભલા ચાર રસ્તા આગળથી પસાર થઈ રહી હતી. આ દરમિયાન સામેથી પુરપાટ ઝડપે આવી રહેલી ઈકો કારના ચાલકે તેમને અડફેટમાં લેતા બન્ને મહિલાઓ રોડ પર પટકાઈ હતી.
આ અકસ્માતમાં બન્ને મહિલાઓને માથામાં ગંભીર ઈજાઓ થતાં તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ અકસ્માતમાં મૃતકોની ઓળખ હંસાબેન પરમાર (૫૫) અને ખેમીબેન પરમાર (૬૦) તરીકે થઈ હતી. આ ઘટનાની જાણ થતાં હાઈવે પર ગ્રામજનોના ટોળા ઉમટ્યા હતા અને પોલીસ અને ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી હતી. જે બાદ બન્નેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે વિજાપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
Recent Comments