ગત વર્ષે ધો.૧૦માં ગણિત વિષયમાં સાડા ત્રણ લાખ વિદ્યાર્થીઓ નાપાસ થયા ધો.૧૦માં ગણિત એક નહીં પરંતુ બે-ત્રણ પાઠયપુસ્તક સ્વરૂપે હોવા જાેઈએ તેવી ભલામણ

ધો.૧૦માં ગુજરાતમાં વિદ્યાર્થીઓ ગણિત વિષયમાં સૌથી વધુ અનુતીર્ણ થાય છે. એનસીઈઆરટીનું ગણિતનું પુસ્તક ભારેખમ અને કંટાળાજનક હોવાથી ધો.૧૦ના વિદ્યાર્થીઓના ગણિતના પરિણામને સુધારવા માટે ધો.૧૦માં ગણિત એક નહીં પરંતુ બે-ત્રણ પાઠયપુસ્તક સ્વરૂપે હોવા જાેઈએ તેવી ભલામણ સાથેની રજૂઆત ગુજરાતના મુખ્યમંત્રીને કરવામાં આવી છે. જેમાં ગત વર્ષે ધો.૧૦માં ગણિતના વિષયમાં સાડા ત્રણ લાખ વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા. જે ગુજરાત માટે શરમજનક હોવાનું જણાવ્યું હતું. કેન્દ્ર સરકાર દ્વારા નવી શિક્ષણ નીતિ ભારત સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવી છે. જેમાં દરેક રાજ્યોને પોતાનું ગણિતનું પાઠયપુસ્તક રચવા અને ભાર વિનાનું ભણતર બને તે માટેની હિમાયત કરવામાં આવી છે.
આ સ્થિતિમાં ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ગણિત વિષય સહેલો બને તે પ્રકારનું પાઠયપુસ્તક તૈયાર કરવું જરૂરી છે, પરંતુ કમનસીબે એનસીઈઆરટીનું અઘરૂ અને અષ્ટમ-પષ્ટમ ભાષાંતરવાળું ભારેખમ પુસ્તક ધો.૧૦માં અમલમાં લાવવાથી અનેક વિદ્યાર્થીઓ માટે ગણિતમાં પાસ થવું મુશ્કેલ બની રહ્યું છે. ગત વર્ષે જે સાડા ત્રણ લાખ વિદ્યાર્થીઓ ગણિતમાં નાપાસ થયા છે તેમાં સૌથી વધુ સંખ્યા દીકરીઓની છે. આ સ્થિતિમાં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ બે ગણિત વિષય દાખલ કરવાનો જે ઠરાવ કર્યો છે તેમજ રાષ્ટ્રીય શૈક્ષણિક મહાબંધની માગણી કરવામાં આવી છે તેમજ શિક્ષણ કેડરના નિવૃત્ત ઉચ્ચ શિક્ષણ અધિકારીઓની રૂબરૂ રજૂઆતને ધ્યાને લઈને ધો.૧૦માં ગણિતના પાઠયપુસ્તકમાં ફેરફાર કરી ગણિતના બે પુસ્તકોને અભ્યાસક્રમમાં દાખલ કરવા જરૂરી છે તેવી માગ જીસીઈઆરટીના પૂર્વ નિયામક ડો.નલીન પંડિત દ્વારા કરવામાં આવી છે. તાજેતરમાં ભાવનગર ખાતે ગણિતના તજજ્ઞો સાથેની બેઠકમાં વિચાર વિમર્શ બાદ વિદ્યાર્થીઓને ગણિત વિષયનો ભાર હળવો બની રહે તે માટે સુધારા-વધારા જરૂરી હોવાની આવશ્યકતા પર ભાર મુકવામાં આવ્યો હતો.
Recent Comments