fbpx
ગુજરાત

રાજ્યમાં લોકડાઉન નહીં લાગે, રસીકરણ વધારીશુંઃ મુખ્યમંત્રી રૂપાણી

ચૂંટણીના તાયફા કર્યા ત્યારે ન લાગ્યું કે કોરોના વકર્યો છે હવે મુખ્યમંત્રી કહે છે કેસોમાં મોટો ઘટાડો થતા લોકો બેફિકર થયા હતા જેના કારણે હવે કેસ વધ્યા

રાજ્યમાં છેલ્લા ૧૫ દિવસથી કોરોનાના કેસો સતત અને ઝડપથી વધી રહ્યા છે, ત્યારે રાજ્યમાં લોકડાઉન આવશે કેમ તે અંગે સીએમ રુપાણી દ્વારા મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે. આજે ગાંધીનગરમાં પ્રેસ કોન્ફરન્સમાં રુપાણીએ જણાવ્યું હતું કે રાજ્યમાં લોકડાઉન નહીં આવે. હોળીની ઉજવણી થવા દેવી કે કેમ તે અંગે પણ સરકાર ઝડપથી ર્નિણય લેશે તેમ તેમણે જણાવ્યું હતું.

રુપાણીએ જણાવ્યું હતું કે, ૨૦૨૦માં ગુજરાતે કોરોના સામે મોટો જંગ ખેલ્યો હતો. જાેકે, ફેબ્રુઆરીમાં સમગ્ર દેશની સાથે રાજ્યમાં પણ કેસોમાં મોટો ઘટાડો થતાં લોકો એક પ્રકારે બેફિકર થઈ ગયા હતા અને કોરોનાને હળવાશથી લેવા લાગ્યા હતા. જેના કારણે નિયમોનું ચૂસ્તતાથી પાલન નહોતું થયું. જેના કારણે એક સમયે રાજ્યમાં રોજના કેસો ૩૦૦થી નીચે જતાં રહ્યાં હતાં તે હવે ૧૧૫૦ની આસપાસ આવી ગયા છે.

રસીકરણ અંગે તેમણે જણાવ્યું કે, દૈનિક ૩ લાખ લોકોનું રસીકરણ થાય તેવી સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત દરરોજ ૭ હજાર ટેસ્ટ કરવાનો લક્ષ્યાંક મુકવામાં આવ્યો છે. કોરોના દર્દીઓનું ટ્રેસિંગ અને ટેસ્ટિંગ કરાશે. દરરોજ ૬૦ હજાર લોકોના ટેસ્ટિંગનો નિર્ધાર કરવામાં આવ્યો છે. કોન્ટેક્ટ ટ્રેસિંગ સક્રિય રીતે કરાશે તેમ તેમણે જણાવ્યું હતું. સાથે જ તેમણે લોકોના સોશિયલ ડિસ્ટેંસ જાળવવાની અપીલ પણ કરી છે.
રુપાણીએ કહ્યું હતું કે, રાજ્ય સરકારે ફરી કોરોના હોસ્પિટલોને કાર્યરત કરવાની તૈયારી કરી છે. આ ઉપરાંત, કોરોનાનો જેને ચેપ લાગ્યો છે તેમના સંપર્કમાં આવેલા લોકોને શોધવાની સઘન કામગીરી કરવામાં આવી રહી છે. રાજ્યમાં ટેસ્ટિંગની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે. સીએમે જણાવ્યું હતું કે, કોરોનાની ટ્રીટમેન્ટ માટે અગાઉ સરકારી અને ખાનગી હોસ્પિટલમાં અગાઉ જે વ્યવસ્થા હતી તે જ ફરી ઉભી કરાઈ રહી છે. કેસના વધારાના પ્રમાણમાં છ ગણા બેડની વ્યવસ્થા કરી દેવાઈ છે, જેથી બેડની શોર્ટેજ ના સર્જાય.

ચાર મહાનગરોમાં નાઈટ કરફ્યુનું ચૂસ્ત પાલન કરવામાં આવશે તેમ કહેતા રુપાણીએ જણાવ્યું હતું કે માસ્કનો નિયમ પણ કડકાઈથી અમલી કરાવવામાં આવશે, અને કોઈપણ જગ્યાએ ભીડ ભેગી ના થાય તે સુનિશ્ચિત કરવામાં આવશે. લોકડાઉન અંગે સ્પષ્ટતા કરતા તેમણે કહ્યું હતું કે, ભૂતકાળમાં આપણે આ સ્થિતિનો સામનો કરી ચૂક્યા છીએ અને તે વખતે પણ લોકડાઉન નહોતું કરવામાં આવ્યું, જેથી હાલ લોકડાઉનનો ભય રાખવાની જરુર નથી.

Follow Me:

Related Posts