fbpx
ગુજરાત

અમદાવાદમાં સંયુક્ત કિસાન મોર્ચાના આગેવાન સહિત ૫ ખેડૂત નેતાઓની અટકાયત

દેશમાં ચાલી રહેલ ખેડૂત આંદોલનને ૧૨૦ દિવસ થઈ ગયા છે, ત્યારે ખેડૂત આગેવાનો દ્વારા આજે(૨૬ માર્ચ) ભારત બંધનું એલાન પણ આપવામાં આવ્યું હતું. આજે ખેડૂત આગેવાન યુદ્ધવીર સિંહ પણ અમદાવાદ આવ્યા હતા. જ્યાં તેમણે ૩ કૃષિ કાયદાઓથી ખેડૂતોને થતાં નુકસાન અંગે ચર્ચા કરવા પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. પરંતુ પત્રકાર પરિષદમાંથી જ યુદ્ધવીરસિંહની અટકાયત કરવામાં આવી હતી.

મોટેરાના તપોવન સર્કલ ખાતે સંયુક્ત કિસાન મોર્ચાના સચિવ યુદ્ધવીર આવ્યા હતા. તેમની સાથે ધરતી પુત્ર ટ્રસ્ટના ગજેન્દ્ર સિંહ અને જગતાત ફાઉન્ડેશનના જે.કે.પટેલ પણ હાજર હતા. તમામ દ્વારા દેશમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનના મુદ્દા પર ચર્ચા કરવામાં આવી રહી હતી.કૃષિ બિલથી ખેડૂતો પર આવનાર સંકટ અંગે ચર્ચા કરવામાં આવી રહી હતી, તે દરમિયાન જ ચાંદખેડા પોલીસ દ્વારા ત્રણેય આગેવાનો સહિત કુલ ૫ લોકોની અટકાયત કરવામાં આવી છે.

આ અંગે જગતાત ફાઉન્ડેશન ના જે.કે.પટેલે જણાવ્યું હતું કે અમે માત્ર ખેડૂત આંદોલન અંગે ચર્ચા કરી રહ્યા હતા. જેમાં આગામી સમયમાં રાકેશ ટિકૈત પણ ગુજરાત આવે અને ગુજરાતમાં પણ આંદોલનને વેગ આપે તે અંગે ચર્ચા કરી રહ્યા હતા. પરંતુ આ ચર્ચા દરમિયાન જ પોલીસ આવી હતી અને પોલીસે તેમની અટકાયત કરી અને તેમને શાહીબાગના હેડ ક્વાર્ટર ખાતે લાવવામાં આવ્યા હતા.

Follow Me:

Related Posts