અમદાવાદમાં સ્થિતિ ચિંતાજનક, ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની સારવાર ફ્રીમાં આપવા અરજી

શહેરમાં છેલ્લા થોડા દિવસોથી કોરોના સંક્રમિતોની સંખ્યા રોજ નવા રેકોર્ડ સર્જી રહી છે. અમદાવાદમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધવાની સાથે જ એક્ટિવ દર્દીઓ પણ સતત વધી રહ્યા છે. જેના પગલે શહેરની હોસ્પિટલોમાં બેડ ભરાવા લાગ્યા છે. કોરોનાના વધતા જતાં કેસ વચ્ચે રાજ્ય સરકારે ખાનગી હોસ્પિટલમાં સંક્રમિતોની સારવાર બંધ કરી દેતા હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી છે.
આ અંગે જમાલપુરના પૂર્વ ધારાસભ્ય સાબિર કાબલીવાલાએ રજૂઆત કરી છે કે, હાલ કોરોના પીક પર છે, ત્યારે સરકાર માત્ર એસવીપી, સોલા સિવિલ અને અસારવા સિવિલમાં જ કોરોના સંક્રમિતો માટે નિઃશૂલ્ક સારવાર પૂરી પાડી રહી છે. જેના પગલે દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે મજબૂર બન્યા છે. ખાનગી હોસ્પિટલો પણ કોરોનાની સારવારના નામે મનફાવે ચાર્જ વસૂલી રહી છે. કોરોના કાળમાં લોકોના ધંધા-રોજગારને માઠી અસર પહોંચી છે, ત્યારે મધ્યમ અને ગરીબ વર્ગને ખાનગી હોસ્પિટલમાં સારવાર પરવડે તેમ નથી. આથી સરકારે પહેલાની જેમ ખાનગી હોસ્પિટલમાં પણ કોરોનાની સારવાર ફ્રીમાં પૂરી પાડવી જાેઈએ.
જણાવી દઈએ કે, ગત વર્ષે કોરોના કાળ દરમિયાન એક તબક્કે સંક્રમિતોની સંખ્યા વધતા એએમસી દ્વારા શહેરની ૬૬ જેટલી ખાનગી હોસ્પિટલો સાથે એમઓયુ કરીને તેમાં ૫૦ ટકા બેડ રિઝર્વ રાખવા માટે સમજૂતિ કરવામાં આવી હતી. જેમાં કોરોના સંક્રમિત દર્દીઓને ફ્રીમાં સારવાર પૂરી પાડવામાં આવતી હતી.
Recent Comments