સુરતમાં પતિએ બધાની સામે ચપટી વગાડી તલાક આપતા ચકચાર મચી
તમે ગુજરાતીમાં એક કહેવત સાંભળી હશે કે હું ચપટીમાં આમ કરી નાંખીશ ને તેમ, હવે આ કહેવત સુરતમાં સાચી સાબિત થઈ રહી છે. સુરતના ઉનામાં પિયરમાં રહેવા આવેલી પરિણીતાને પતિએ ચપટીમાં છૂટાછેડા આપી દીધા હતા. બધાની સામે ચપટી વગાડી તલાક! તલાક! તલાક! કહી ભાગી જતાં મહિલાએ સચિન જી.આઇ.ડી.સી. પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
આ વિશે મળતી માહિતી પ્રમાણે ઉન પાટિયા વિસ્તારમાં રહેતી ૨૭ વર્ષીય યુવતીના લગ્ન ૨૦૧૪માં ઉમરવાડા ન્યૂ ટેનામેન્ટમાં રહેતા અને રિંગ રોડ ઉપર હોટેલ ચલાવતા એઝાઝઅલી સૈયદ સાથે થયા હતા. પુત્રની મહેચ્છા રાખતા એઝાઝને પત્નીએ બે પુત્રીઓને જન્મ આપતા તેનાથી નારાજ રહેતો હતો.
પત્નીને કોઇને કોઇ વાતે કનડગત કરતો એઝાઝ દારૂનો નશો કરવાનો પણ આદી હોઇ દંપતી વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા. દરમિયાન દેવાદાર બનેલો એઝાઝ વારંવાર પત્નીને પિયરમાંથી રૂપિયા લઇ આવવાને લઇને માથાકૂટ કરતો હોઇ પત્ની થોડાક સમય પહેલાં પિયર ઉન પાટિયા જતી રહી હતી.
ગત તા. ૧૫મી મેએ એઝાઝ પત્નીના ઘરે પહોંચ્યો હતો.
પરિવારના બીજા સભ્યોની હાજરીમાં ચપટી વગાડી તલાક! તલાક! તલાક! કહી દીધું હતું. તલાક આપી દીધા હોઇ પત્ની અને બંને પુત્રીઓ વચ્ચે હવેથી કોઇ સંબંધ નહિ હોવાનું જણાવી ત્યાંથી ભાગી છૂટયો હતો. નઠારા પતિ વિરુદ્ધ ગુનો નોંધાવવા પરિણીતા સોમવારે સચિન જી.આઇ.ડી.સી. પોલીસ મથકે પહોંચી હતી અને ૨૦૧૯માં નવા બનેલા મુસ્લિમ મહિલા અધિનિયમ અંતર્ગત ફરિયાદ નોંધાવી હતી.
Recent Comments