fbpx
ગુજરાત

સામાન્ય-મધ્યમવર્ગીય લોકો માટે બસમથકો પર એરપોર્ટ જેવી સુવિધા વિકસાવીઃ રુપાણી

મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું કે ,ગુજરાતે સામાન્ય-મધ્યમવર્ગીય-ગરીબ માનવીઓ માટેના પરિવહન સેવા માધ્યમ એસ.ટી.ના બસ મથકોને અદ્યતન એરપોર્ટ જેવા સુવિધાસભર, સુઘડ બસપોર્ટ તરીકે વિકસાવીને એક નવું મોડેલ દેશમાં પ્રસ્થાપિત કર્યુ છે. આ સંદર્ભમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે અગાઉના જર્જરિત બસ મથકો, ખખડધજ બસીસની સ્થિતીનો અંત લાવી હવે આપણે સમયાનુકુલ સુવિધાસભર વોલ્વો, સ્લીપર કોચ, જી.પી.એસ સિસ્ટમ સાથેની બસ સેવાઓ અને અદ્યતન બસપોર્ટ પ્રજાની સેવામાં આપી રહ્યા છીએ.

સીએમ રૂપાણીએ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ-એસ.ટી. દ્વારા રાજ્યના પ્રજાજનોની સેવામાં ૪૩.૭ર કરોડ રૂપિયાના વિવિધ લોકાર્પણ-ખાતમૂર્હત ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા સંપન્ન કર્યા હતા. રાજ્યના વિવિધ વિસ્તારોમાં ૮ નવા બસ સ્ટેશન, ૧ એસ.ટી. વર્કશોપના મળીને કુલ રૂ. ર૮.ર૦ કરોડના કામોના લોકાર્પણ કર્યા હતા. આ ઉપરાંત તેમણે પાંચ ડેપો વર્કશોપ જે કુલ રૂ. ૧પ.પર કરોડના ખર્ચે નિર્માણ પામવાના છે તેના પણ ઇ-ખાતમૂર્હત કર્યા હતા.
મુખ્યમંત્રીએ માર્ગ વાહન વ્યવહાર નિગમની સેવાઓ કોમર્શિયલ-વાણિજ્યીક ગતિવિધિ નહિ પરંતુ લોકસેવાનું સાધન છે તેવો સ્પષ્ટ મત આ તકે વ્યકત કર્યો હતો. રૂપાણીએ કહ્યું કે ખાનગી ટ્રાવેલ્સ સેવાઓ નફાકારક રૂટ પર જ પોતાના રૂટ ચલાવતી હોય છે જ્યારે એસ.ટી નિગમ નફા કે નુકશાનનો વિચાર કર્યા વિના રાજ્યના દરેક ગામને જાેડીને ઓછામાં ઓછી રોજની એક ટ્રીપ ગામને મળે અને ગરીબ, સામાન્ય માનવીને કનેકટીવીટીની સહુલિયત મળે તે રીતે કાર્યરત છે.
મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું કે, રાજ્યના લાખો વિદ્યાર્થીઓને ૮૦ ટકા કન્શેસન પાસ આપીને તેમને અભ્યાસ પ્રવૃત્તિ માટે અવર-જવર અને ભાવિ કારકીર્દી ઘડતરમાં એસ.ટી. નિગમ મહત્વનું પ્રદાન કરે છે. એટલું જ નહિ, ગરીબ પરિવારોને લગ્ન જેવા પ્રસંગોએ અન્ય વાહતુક વાહનો-ટ્રક વગેરેમાં જાન લઇને જતાં-આવતાં અકસ્માતનો ભોગ બનવાવારો ના આવે તે માટે આવા લગ્ન પ્રસંગે રાહત દરે બસ આપવા સહિત દિવ્યાંગ, વૃદ્ધો, સામાન્ય માનવી સૌને સુવિધાસભર યાતાયાતનો શ્રેષ્ઠ વિકલ્પ એસ.ટી બની રહી છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ગુજરાતમાં ૯૯ ટકા ગ્રામીણ વિસ્તારો એસ.ટી. સેવાથી જાેડાયેલા છે. ૧૬ ડિવીઝન, ૧રપ બસ ડેપો, ૧૩પ બસમથકો અને ૧પપ૪ પીક અપ સ્ટેન્ડ તેમજ ૮પ૦૦ બસીસ દ્વારા ૭પ૦૦ શેડયુલ ટ્રીપથી રોજના ૩પ લાખ કિ.મી. બસ સંચાલનથી રપ લાખ લોકોને એસ.ટી. સેવાઓનો લાભ મળી રહ્યો છે. એટલું જ નહિ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, દિવ-દમણ જેવા પડોશી રાજ્યો-પ્રદેશોમાં પણ ગુજરાત એસ.ટી.ની સેવાઓ ઉપલબ્ધ બનાવી છે.

તદઅનુસાર, દહેગામ બસમથક લોકાર્પણમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, સાણંદ ખાતે મંત્રીપ્રદીપસિંહ જાડેજા, લીમડીમાં બચુભાઇ ખાબડ, સંતરામપૂરમાં મંત્રી ઇશ્વરસિંહ પટેલ, પાલનપૂરમાં મંત્રી દિલીપકુમાર ઠાકોર, પીપળાવમાં મંત્રી કૌશિકભાઇ પટેલ તેમજ વાઘોડીયામાં રાજ્યમંત્રી યોગેશભાઇ પટેલ અને અરવલ્લીના ડેમાઇમાં રાજ્ય મંત્રીરમણભાઇ પાટકર તથા ભાવનગર ડેપો વર્કશોપ લોકાર્પણમાં મંત્રી જવાહરભાઇ ચાવડા જાેડાયા હતા.

Follow Me:

Related Posts