વડોદરા જિલ્લા ક્રાઇમ બ્રાન્ચે કરજણ ટોલોનાકા પાસેથી ૧૪ લાખનો દારુ ઝડપી પાડ્યો
મહારાષ્ટ્રથી ૧૦ ટાયરના ટ્રેલરમાં અમદાવાદ લઇ જવાતો વિદેશી દારૂનો જંગી જથ્થો વડોદરા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચે મોડી રાત્રે બાતમીના આધારે કરજણ ટોલનાકા પાસેથી ઝડપી પાડ્યો હતો. પોલીસે ૧૪ લાખ રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ અને ટ્રક મળીને રૂપિયા ૨૪.૨૭ લાખના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચના પી.આઇ. ડી.બી. વાળાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, હેડ કોન્સ્ટેબલ ભુપતભાઇ વીરાભાઇને બાતમી મળી હતી કે, વિદેશી દારૂ ભરેલ એક ૧૦ ટાયરનું ટ્રેલર મહારાષ્ટ્રથી સુરત અને ભરૂચ વડોદરા થઇ અમદાવાદ તરફ જવાનું છે. જેને આધારે એલસીબી સ્ટાફ દ્વારા કરજણ ટોલનાકા પાસે વોચ ગોઠવવામાં આવી હતી. દરમિયાન ભરૂચ તરફથી ટ્રેલર આવતા જ પોલીસે તેને રોકીને તેમાં તપાસ કરતા કાચના ટુકડા ભરેલા ટ્રેલરમાંથી રૂપિયા ૧૪ લાખની કિંમતનો વિદેશી દારૂનો જંગી જથ્થો મળી આવ્યો હતો. પોલીસે વિદેશી દારૂ અને ટ્રેલરને કબજે કરવા સાથે રાજસ્થાનના રહેવાસી અને ટ્રેલર ચાલક રામનિવાસ કેસરારામ બુડિયા (બિસ્નોઇ )ની ધરપકડ કરી હતી.
પોલીસે વિદેશી દારૂના જંગી જથ્થા સાથે ઝડપાયેલા રામનિવાસની ઘનિષ્ઠ પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે, આ વિદેશી દારૂનો જંગી જથ્થો મહારાષ્ટ્રથી રાજસ્થાનના જાેધપુરના વતની વિનોદ બિશ્નોઇ અને રાજસ્થાનના સાગડવા ગામના વતની અશોક પુનારામ બિશ્નોઇએ ભરાવ્યો હતો અને અમદાવાદ ખાતે જગદીશ નામના વ્યક્તિને પહોંચતો કરવાનો હતો.
વડોદરા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચે આ બનાવની ફરિયાદ કરજણ પોલીસ મથકમાં નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. બીજી બાજુ વડોદરા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચે વિદેશી દારૂ મોકલનાર અને અમદાવાદમાં ડિલિવરી લેનાર જગદીશ નામના શખસને વોન્ટેડ જાહેર કરીને તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે.
Recent Comments