ડાંગ જનાર સાવધાનઃ કલેક્ટરે સેલ્ફી પર પ્રતિબંધ મૂક્યો

ચોમાસાની મોસમમાં ડાંગ જિલ્લો લીલોછમ થઇ જતો હોય છે. કુદરતી સુંદરતાથી ભરેલો ડાંગ જિલ્લો ચોમાસામાં અનેક લોકોનું મનગમતું સ્થળ બની જતું હોય છે. ત્યારે આ વખતે કોરોનાકાળમાં પણ ડાંગ જિલ્લામાં સહેલાણીઓ ઉભરાઇ રહ્યાં છે. જેના કારણે અધિક કલેક્ટરે અકસ્માતો નિવારવા માટે એક મહત્ત્વનો ર્નિણય કર્યો છે. અધિક કલેક્ટરે અકસ્માતો નિવારવા માટે જિલ્લાનાં તળાવો, નદીઓ અને ધોધ પર ચોમાસા દરમિયાન સેલ્ફી પર પ્રતિબંધ લગાવ્યો છે. નોંધનીય છે કે, સેલ્ફી લેવાના ચક્કરમાં અનેક લોકો પોતાનો જીવ ગૂમાવી ચૂક્યા છે.
અકસ્મતની ઘટનાઓને નિવારવા માટે તળાવ, નદી અને નાના મોટા ધોધ પાસે સેલ્ફી લેવા પર પ્રતિબંધ મુકી દેવામા આવ્યો છે. સાપુતારા સહિત ડાંગ જિલ્લાના તમામ પ્રતિબંધિત સ્થળોએ સેલ્ફી લેનાર વ્યક્તિ વિરુદ્ધ કાર્યવાહી થશે. આ મહત્વનો ર્નિણય ચોમાસા દરમિયાન થતાં અકસ્માતો નિવારવા અને લોકોની સલામતી માટે લેવાયો છે.
નોંધનીય છે કે, જિલ્લામાં બુધવારે પણ વરસાદી માહોલ યથાવત રહેતા વાતાવરણ ઠંડુગાર બન્યું હતું. આહવા-સાપુતારા માર્ગનો શિવઘાટ ધોધ પણ સક્રિય બનતા અહીંથી પસાર થતા વાહનચાલકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે.
ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. ડાંગ જિલ્લાનાં ગામડામાં રોજેરોજ ધીમી ધારનાં વરસાદી માહોલનાં પગલે ચોમાસાની ઋતુ જામી છે. ડાંગના ગિરિમથક સાપુતારા, આહવા, વઘઇ, સુબિર સહિત પૂર્વપટ્ટી અને સરહદીય પંથકનાં ગામોમાં બુધવારે પણ દિવસભર વરસાદી હેલીઓ યથાવત રહેતા ચોમાસુ જામ્યું છે.
Recent Comments