સુરતમાં ૧૬ વર્ષીય સગીરા પર ૨ વ્યક્તિઓ દ્વારા દુષ્કર્મ, આરોપીની ધરપકડ

માતા-પિતાના અવસાન પછી ફોઇના ઘરે રહેતી સગીરા પર તેના જ ફૂવાએ હવસ સંતોષી હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. સગીરા પર ફૂવાના કૌટુંબિક ભાઈ પછી તેના ફૂવાએ પણ નજર બગાડી હતી અને વારંવાર શારીરિક સંબંધ બાંધી ગર્ભવતી બનાવી દીધી હતી. સગીરાની અચાનક તબિયત લથડતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી.
સુરતના પુણાની ૧૬ વર્ષીય સગીરા માતા-પિતાના નિધન પછી ફોઇના ઘરે રહેતી હતી. સગીરાની ફોઇએ આઠ મહિના પહેલા જ બીજા લગ્ન કરેલા છે. દિવાળીમાં ફૂવાનો કૌટુંબિક ભાઈ સુરત આવ્યો હતો. આ સમયે ઘરમાં એકલી રહેલી સગીરા પર તેની દાનત બગડી હતી અને તેની સાથે પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હતા.
આ અંગે સગીરાએ તેની ફોઇને વાત કરી દેતા હોબાળો મચી ગયો હતો અને ફોઇએ પતિના કૌટુંબિક ભાઈને ઘરે નહીં આવવા જણાવી દીધું હતું. જેથી તે યુપી જતો રહ્યો હતો. આ ઘટનાના એક મહિના બાદ ફૂવાની પણ સગીરા પર નજર બગડતાં તેણે પણ પરાણે શારીરિક સંબંધો બાંધ્યા હતા. બીજા દિવસે સગીરાએ આ અંગે ફોઇને કહી દેતા બંને વચ્ચે ઝઘડો થયો હતો.
જાેકે, ફુવાએ માફી માંગીને હવે પછી એવું નહીં કરે તેમ કહેતા મામલો શાંત પડી ગયો હતો. દરમિયાન સગીરાની ફોઇ હોળી કરવા માટે યુપી ગઈ હતી. આ સમય દરમિયાન ફૂવાએ વારંવાર સગીરા સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા અને પોતાની હવસ સંતોષી હતી. આ સંબંધોને કારણે સગીરા ગર્ભવતી થઈ ગઈ હતી.
આ ઘટનાની જાણ કોઈને થાય નહીં તે માટે કિશોરીનું ગર્ભપાત કરાવી નાખ્યું હતું, પણ ગર્ભપાત કરાવ્યા બાદ તેની તબિયત વધુ લથડી હતી. જેની જાણ સંબંધીઓને થતા તેઓ તાત્કાલિક દોડી ગયા હતા. સગીરાની પૂછપરછ કરતાં બે વ્યક્તિઓ દ્વારા દુષ્કર્મ કરાયું હોવાની વાત કરી હતી. ત્યારબાદ આ મામલે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી, જેને લઇને પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને બંને આરોપીની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.
Recent Comments