શિનોરના અવાખલ ગામે નકલી પોલીસને સ્થાનિકોએ ઝડપી માર માર્યો

વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના અવાખલ ગામમાં પંચાયતના સભ્યના ઘરે પોલીસના નામે દારૂની રેડ કરવા ગયેલા ચાર નકલી પોલીસને સ્થાનિકોએ ઝડપી પાડીને માર માર્યો હતો. શિનોર પોલીસે ચારેય આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અવાખલ પંચાયતના સભ્ય લલીતચંદ્ર કાનજીભાઈ વસાવાએ ફરિયાદ નોંધાવી હતી કે, સાંજના ૭ઃ૩૦ વાગ્યે ગામમાં રહેતાં પંચાયત સભ્ય અનીલ વસાવાનો ફોન આવ્યો હતો કે, ચારેક માણસો સ્વીફટ કાર લઇને રણછોડ કાંતિભાઈ વસાવાના ઘરે આવ્યા છે અને કહે છે કે તમે દારુનો ધંધો કરો છો, એટલે ઘર ચેક કરવું પડશે તમારા વિરૂદ્ધમાં પ્રોહિબિશનનો મોટો કેસ દાખલ કરીશું.
આ પછી હું અનીલ ભાઈના ઘેર ગયો હતો ચારેયનું નામ પૂછતાં તેઓએ પોતાનું નામ આશીષ હર્ષદભાઈ બારોટ, જયેશ નટવરભાઈ સોલંકી, વિક્રમ શનાભાઈ રાઠવા અને રાહુલ દિનેશભાઈ પરમાર હોવાનું જણાવ્યું હતું. ચારેય જણાએ જણાવ્યું હતું કે ‘અમે પોલીસના માણસો છે અને રણછોડભાઈ દારૂનો ધંધો કરે છે. ચારેય પાસે ઓળખપત્ર માગતા તેઓએ બતાવ્યું ન હતું. તેમની કારની આગળના ભાગે પોલીસનું બોર્ડ મારેલું હતું. રણછોડભાઈ દારૂનો ધંધો કરે છે એટલે પૈસા આપવા પડશે તેમ કહ્યું હતું. આ અંગે શંકા જતાં સ્થાનિકોએ નકલી પોલીસને માર માર્યો હતો અને સાધલી પોલીસને જાણ કરીને પોલીસને સોંપ્યા હતા.
Recent Comments