આરોપી અજય દેસાઇને સાથે રાખી પોલીસે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું

ચકચારી સ્વીટી પટેલ મર્ડર કેસમાં આજે અમદાવાદ ક્રાઈમ બ્રાંચ આરોપી અજય દેસાઈને કરજણમાં આવેલી પ્રાયોશા સોસાયટીમાં લઈને પહોંચી હતી. આ સોસાયટીમાં જ અજય દેસાઈએ સ્વીટી માટે બંગલો ભાડે રાખ્યો હતો, અને ૦૫મી જૂનના રોજ રાત્રે તેનું ગળું દબાવીને હત્યા કરી દીધી હતી. પોલીસે આજે અજય દેસાઈએ કઈ રીતે સ્વીટીનું મર્ડર કર્યું, તેની બોડીને ધાબળામાં કઈ રીતે લપેટી ત્યાંથી લઈને તે પોતાની ગાડીને રિવર્સ મારીને બંગલામાં કઈ રીતે લાવ્યો ત્યાં સુધીનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું.
અજય દેસાઈએ પોતાનો ગુનો કબૂલી લીધા બાદ હાલ તે ૧૧ દિવસના રિમાન્ડ પર છે. ગઈકાલે જ કોર્ટે તેના રિમાન્ડને મંજૂરી આપી હતી. આજે પોલીસ તેને લઈને જે બંગલામાં મર્ડર થયું ત્યાં પહોંચી હતી. ઉલ્લેખનીય છે કે, આ જ ઘરના બાથરુમમાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચને લોહીના ડાઘા મળ્યા હતા. પોલીસ અજય દેસાઈને લઈને તેણે જ્યાં લાશ બાળી હતી ત્યાં પણ જશે. ભરુચ જિલ્લાના દહેજ તાલુકામાં આવેલા અટાલી ગામમાં રસ્તા પર આવેલી એક અવાવરું બિલ્ડિંગમાં અજયે સ્વીટીની લાશને બાળી હતી. તે વખતે તેનો મિત્ર કિરિટસિંહ જાડેજા પણ ત્યાં હાજર હતો.
પોલીસ સામાન્ય રીતે આરોપી સામે મજબૂત પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહીમાં તેણે કઈ રીતે ગુનાને અંજામ આપ્યો તેનું તેની પાસેથી જ રિકન્સ્ટ્રક્શન કરાવતી હોય છે, અને આ સમગ્ર ઘટનાની વિડીયોગ્રાફી પણ કરવામાં આવતી હોય છે. આ કેસ ખાસ્સો હાઈપ્રોફાઈલ હોવાથી અજય દેસાઈએ ગુનો કબૂલી લીધા બાદ પણ તે ટ્રાયલ દરમિયાન કાયદાની કોઈ છટકબારીનો લાભ ના ઉઠાવી શકે તે માટે તેની સામે ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. જેના ભાગરુપે જ આજે તેની પાસેથી તેણે કઈ રીતે મર્ડર કર્યું તેમજ લાશનો નિકાલ કઈ રીતે કર્યો તે તમામ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવી રહ્યું છે.
Recent Comments